Tuesday, August 28, 2012

Think Again


એક છોકરો અને છોકરી બસ-સ્ટેન્ડ પર એકબીજાની નજીક ઉભા હતા. ત્યાં સામે બાંકડા પર એક સીનીયર સીટીઝનનું ગ્રુપ બેઠું હતું.

એક વડીલ બોલ્યા, મને લાગે છે કે આ બંને પતિ-પત્ની લાગે છે.
બીજા વડીલ બોલ્યા,
અરે! છોકરીના ગળામાં મંગલસુત્ર નથી એટલે આ બંને એન્ગેજડ લાગે છે.
ત્રીજા વડીલ બોલ્યા,
એ બંને વાત નથી કરતા મને લાગે છે કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ઝગડો થયો હોવો જોઈએ.
ચોથા વડીલ બોલ્યા,
પ્રેમી-પ્રેમિકા જેવી કોઈ હરકત નથી કરતા, કદાચ ભાઈ-બહેન લાગે છે.
પાંચવા વડીલથી તો ના રહેવાયું, એ તો સીધા પૂછવા જ ચાલ્યા.

પૂછીને એ વિલા મોઢે પાછા આવ્યા અને બોલ્યા, આ બંને તો એકબીજાને જાણતા પણ નથી, અને આપણે આંધળાઓ એ પણ ના જોઈ શક્યા કે એ બંને નેત્રહીન છે.

બોધ: જયારે મન નકારાત્મક વિચારે ત્યારે તો માણસે હકારાત્મક જ બોલવું જોઈએ.....

- નિશાંક મોદી ‘સ્પર્શ:'

Thursday, March 15, 2012

જનરેશન ગેપ

જનરેશન ગેપ

હમણાં થોડા દિવસ પહેલા જ મેં એક પિતા અને ૨૧ વર્ષના પોતાના પુત્ર વચ્ચે થતી રકઝક સાંભળી. વાત એમ હતી કે, છોકરાએ હાથમાં ૨૦૦૦ રૂપિયાનું પરમેનન્ટ ટેટુ કરાયું હતું. અને આ વાતથી તેના પિતા ખુબ નારાજ હતા. વાત આમ તો સામાન્ય હતી પણ જે કઈ બન્યું એમાં મતભેદ હતો. પિતાનો સવાલ બે હજાર રૂપિયા ન તો પણ આખી જિંદગી એ ટેટુ રહે એ વાતનો હતો. ચાલો વાત વિસ્તારથી જોઈએ. ગુસ્સે થયેલા પિતાએ પુત્રને કહ્યું, આ શું દોર્યું છે તે હાથ પર.પુત્રએ અકળાયેલા પિતાને કહ્યું કે, ડેડ, તમને ના ખબર પડે આને ટેટુ કહેવાય આજકાલની આ નવી ફેશન છે” . પિતાએ મોં બગાડતા કહ્યું, બળ્યું તારી ફેશન, આ તો જૂની પ્રથા હતી અમે એને છુંદણા કહેતા હતા. બસ ફરક એટલો જ કે એ એક કલરમાં હતાને આ વધારે કલરમાં છે. આમ જોઈએ તો બંને પોતપોતાની જગ્યા પર સાચા હતા. જુનવાણી વિચાર પ્રમાણે પિતાની નજરે એ એક ના ભુંસાય એવી છાપ હતી અને દીકરાના મતે કોલેજમાં પોતાના ફ્રેન્ડ્સ સાથે થતી આ એક મોડર્ન ફેશન હતી. પણ આ જે જોવા મળ્યું એ એક જનરેશન ગેપ છે. કેટલાય સારા સંસ્કાર અને પ્રેમ હોય તો પણ દરેક પરિવારમાં પિતા-પુત્ર, માતા-પુત્રી, પિતા-પુત્રી, કે પછી માતા-પુત્ર વચ્ચે થોડાઘણે કે મહદઅંશે આવો ગેપ જોવા મળે જ છે. કયારેક યુવાનોની વાતો વડીલોને ઠેસ પહોંચાડે છે તો ક્યારેક વડીલોના ટોણા દીકરા-દીકરીને હર્ટ કરે છે.

આ તો વાત પિતા-પુત્રની હતી. આવું છોકરીઓની બાબતમાં પણ બનતું હોય છે. મેં પુત્રીને સલાહ આપતા ઘણા વડીલોને જોયા છે. દીકરીના કપડા અને હાવભાવ પર ઘણા વડીલોના મોં બગડી જાય છે. ઘણા માતા-પિતા પોતાની દીકરી એ અપનાયેલી આજકાલની નવી ફેશનને અપનાવી શક્યા નથી. ઘણાની ફરિયાદ હોય છે કે આવા કપડાં પહેરી એ જાહેરમાં જાય તો સમાજમાં કેવી વાતો થાય. ઘરમાં પૂજા હોય ત્યારે તો આ છોકરી જીન્સને ટી-શર્ટ ના બદલે પંજાબી ડ્રેસ પહેરે. જયારે દીકરી પોતાના શરીરને અનુકુળ આવતા તેમજ શોભે તેવું ડ્રેસિંગ કરે છે અને તેમના વાલીઓ સમાજને ધ્યાનમાં રાખીને વિચાર કરે છે. આમ જોઈએ તો કોઈ પણ ખોટું નથી. પણ આવો વિવાદ સર્જાય તેને જ તો જનરેશન ગેપ કહેવાય છે. કેટલાક છોકરા-છોકરીઓ માં-બાપનો વિચાર નથી કરતા અને પોતાની એક ખરાબ છાપ સમાજમાં ઉભી કરે છે અને આ વાત માં-બાપ સહન કરી શકતા નથી. માં-બાપ પોતાના દીકરા-દીકરીને કોઈ ઉંચા સ્થાન પર નિહાળવા માંગતા હોય છે અને તેમને લાગે કે દીકરો-દીકરી પોતે બાંધેલી મર્યાદા કે હદની બહાર જાય ત્યારે આ ગેપ ઉભો થાય છે. ઘણા કેસમાં છોકરા-છોકરીઓનો પણ વાંક હોય છે. તેમાં કોઈ બે મત નથી. યુવાની વર્ગ એવું કહે છે કે, અમુક ઉંમર પછી વાલીઓ એ તેમના દીકરા-દીકરીને સલાહ ન આપવી જોઈએ. અને વડીલવર્ગ એમ કહે છે, અમુક ઉંમર પછી ટીનેજર્સને સલાહ આપવી જ જોઈએ.

એવું નથી કે કાયમ યુવાનોનો જ વાંક હોય છે. આમાં જુનવાણી લોકો પણ એટલું જ આ જનરેશન ગેપ વધારવાનું કામ કરે છે. જો કોઈ પેરેન્ટ્સ યુવાન છોકરા-છોકરીને જાહેરમાં સલાહ આપે તો આ યુવા વર્ગને એ હાસ્યાસ્પદ લાગે છે અને એમને પોતાનો ઈગો હર્ટ થતો હોય એવું લાગે છે. પિતાની જમા-ઉધારની ચોપડી અને દીકરાના કોમ્પ્યુટર એડવાન્સ એકાઉન્ટના સોફ્ટવેરનો કદીય જલ્દી મેળ બેસતો નથી. કોમ્પ્યુટર જાણકાર દીકરો-દીકરી પપ્પા-મમ્મીને બેંકમાં ધક્કો ના ખાવો પડે એટલે કેટલાય વ્યવહારો ઈન્ટરનેટથી કરે છે. એ યુવાની વર્ગ સારું અને સાચું વિચારે છે. પણ જુનવાણી લોકોને હજુ પણ બેંકમાં જઈને પાસબુકમાં એન્ટ્રી ના પડે ત્યાં સુધી વિશ્વાસ આવતો નથી. આજે મોબાઈલ અને ઈ-મેઈલના જમાનામાં પેલા ૨૫ પૈસાવાળા પોસ્ટકાર્ડ વચ્ચે જે ફરક છે એ જ જનરેશન ગેપ છે. ૨૫ પૈસાવાળું પોસ્ટકાર્ડ વાપરનાર જયારે ઈ-મેઈલથી કોમ્યુનીકેશન ચાલુ કરે અને ઈ-મેઇલનો જાણકાર ૨૫ પૈસાવાળું પોસ્ટકાર્ડ કઈ રીતે વપરાતું એ સમજે ત્યારે જ આ જનરેશન ગેપ ઘટાડી શકાય. આ ગેપ કાયમીક દુર કરવાનો તો કોઈ ઉપાય નથી પણ હા, આ ગેપને ઘટાડવાના ઉપાયો છે. આપણે બધાયે સમજણ શક્તિ વધારવાની જરૂર છે. જ્યાં સુધી આપણે પોતાની જાતને અને પરિવારના સભ્યોને નહિ સમજીએ ત્યાં સુધી આપણને ઘરબહારની વ્યક્તિઓને સમજવામાં મુશ્કેલી પડશે. જનરેશન ગેપ ઓછો કરવાનો ઉત્તમ ઉપાય છે એક બીજાને સમજવા અને સમજાવવાની વાત. તમે પોતે પહેલા વાતને સમજો અને યોગ્ય લાગે તો તમે સામીવાળી વ્યક્તિને તમારી વાતને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરજો તે ચોક્કસપણે માની જશે. અને ન માને તો એ વાતને ત્યાં જ વાત ભૂલી જજો. કારણકે જેને સમજવું નથી એને કોઈ સમજાવી શકતું નથી. મેં એક જગ્યાએ સુંદર વાક્ય વાંચ્યું હતું, સારા બનો, એમની સાથે પણ જે તમારી જોડે સારું વર્તન નથી કરતા, કારણ કે એ ખરાબ છે પણ તમે તો સારા જ છોને. કોઈ પણ સમયમાં માં-બાપ સાચા હોય છે, અને આપણે પણ સાચા હોઈએ છીએ બસ બધાનો દ્રષ્ટિકોણ જુદો પડે છે.

હાર્ટ-સ્પર્શ:

મારો સંગીતમાં મિજાજ ક્લાસિકલને તારો ર્રેપ હતો,
દીકરા, આ બીજું કઈ નહિ એક જનરેશન ગેપ હતો.

(ર્રેપ- મોર્ડન સંગીતનો એક પ્રકાર છે.)

- નિશાંક મોદી ‘સ્પર્શ’