Wednesday, December 12, 2018

લેખ: જાણીતું શહેર, અજાણ્યા લોકો

લેખ: જાણીતું શહેર, અજાણ્યા લોકો

કદી એવું સાંભળ્યું કે એક જ શહેરમાં કોઈ વિસ્તારમાં ઠંડી લાગી અને કોઈ વિસ્તારમાં ગરમી? ના એવું કદાચ ન બની શકે. આજે કેટલાક બાળકોને મળવાનું થયું, કોઈ બિચારા કે બાપડા ન હતા પણ ગરીબ વર્ગના હતા. એવું પણ ન હતું કે ભણતર છોડી દીધું તું. પોતાની સ્કૂલમાં એ સારી રીતે ભણી રહ્યા હતા અને એમની પાસે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પણ હતી. ફક્ત ન હતી તો જે આપણે અને આપણાં બાળકો જીવી રહ્યા છે એ લકઝરીયસ લાઈફ.

આ બાળકો ઓફિસમાં આવ્યા હતા અને એમને આ બધું એક ડિઝનીલેન્ડ જેવું લાગતું. ચમકદાર ટાઇલ્સ, એસીની ઠંડી હવા, દીવાલો પર શોભતા વોલપીસીસ, મશીનની ચા કોફી, મસ્ત ઓફિસવેર પહેરેલા એમ્પ્લોઇઝ, કેફેટેરિયામાં ગોઠવાયેલી રંગીન ખુરશીઓ...એમને સ્વર્ગ જેવી અનુભૂતિ થવા લાગી.

વોશરૂમમાં ટીસ્યુ પેપર ડિસ્પેન્સરમાંથી જ્યારે મેં એમને ટીસ્યુ કાઢીને આપ્યો તો બે બાળકોનો એક જ સવાલ હતો કે આ શું છે? મને થોડીક નવાઈ લાગી કે બાળકોએ ટીસ્યુ પેપર નહિ જોયા હોય કે ડિસ્પેન્સર નહિ જોયું હોય! નિર્દોષપણે મેં સમજાવ્યું કે આ એક કાગળનો બનેલો રૂમાલ છે જેને વાપરીને ડસ્ટબીનમાં નાખી દેવાનો. બાળકોએ તો જેમ કીધું એમ કર્યું પણ મને ફરી નવાઈ લાગી કે ભુલ ક્યાં થઈ. એ બાળકોની કે જેમણે આ વસ્તુ વાપરી નથી કે આપણી કે જેણે આ વસ્તુને વર્ષોથી વાપરી છે. વાપરી મતલબ કે ખરીદવા માટે એકદમ સહેલાઈથી પરવડે છે. તો શું આવી કેટલી સામાન્ય વસ્તુઓ હશે જેનાથી આ બાળકો અજાણ હશે. ઘરડાં લોકો જે કહેતા તા કે ભણ્યો પણ ગણ્યો નહિ, એ કદાચ આપણાં જેવા લોકો માટે જ લખાયેલું. આપણે ભણીને પાસબુક અને ઓનલાઈન ટ્રાન્ઝેકશન સ્ટેટમેન્ટ વાંચી કેટલાય હિસાબો સરભર કરી નાખ્યા પણ તોય ક્યાંક ભૂલ તો રહી જ ગઈ છે સમાજમાં જરૂરી ફાળો ન આપીને.

બીજી એક વાત ફાળો એટલે માત્ર પૈસા નહિ. બાળકો સાથે વિતાવતો સમય, આપણા અનુભવ મુજબ એમને આપવામાં આવતી સલાહ, આગળ વધવાની હોંશ અને રીત, બધા જ ઉંચાઈ પર બેઠેલા લોકો વચ્ચે ઉભા રહી શકવાનો આત્મવિશ્વાસ. પૈસા ઉપરાંત બીજી રીતે ફાળો આપી શકાય એ જાણી મને આનંદ થયો. કેટલાંક ટીનેજર્સ પણ હતા અને એમની પાસે સારી સ્કીલ્સ પણ હતી જેનાથી એ લોકો ક્યાંક એક્સઝામ આપીને સિલેક્ટ થઈ શકે એવું હતું. કોમ્પ્યુટરના અઘરા (ફક્ત એમના માટે આપડા માટે નહીં) ઓનલાઈન ફોર્મ તેમના માટે ભરવા મુશ્કેલ હતા. કદાચ કોઈ પૈસાનો ફાળો આપત તો એ ત્યાં કામ ન લાગત. પણ કોઈએ પોતાનું જૂનું ન વપરાતું કોમ્પ્યુટર આપ્યું હોત તો એ વસ્તુ ઘણી કામમાં આવત. માત્ર એક કલાક કાઢી કોઈએ પાંચ જણાને ફોર્મ ભરતા શીખવી દીધું હોત તો એ પાંચ જણા બાકી બધાને મદદ કરત અને બધાના ફોર્મ ભરાઈ જાત.

એક પ્રશ્ન ઉદભવે કે આપણે અને આપણા બાળકો આગળ વધે એ આપણી સફળતા છે. બીજા ઘણા બાળકો જે પોતાની જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે સંઘર્ષ કરે એ પણ કદાચ આપણી જ નિષ્ફળતા છે. એક જ શહેરમાં કોઈ વિસ્તારમાં ઠંડી લાગી અને કોઈ વિસ્તારમાં ગરમી એવો અનુભવ તો મને ક્યારેય નથી થયો પણ એક જ શહેરના એક વિસ્તારમાં જાહોજહાલીનો ધોધમાર વરસાદ અને બીજા વિસ્તારમાં કહેવા પૂરતા ફુવારા જેવા છાંટા પડયાનો અનુભવ થયો અને એમ બની પણ શકે કે કોઈ ત્રીજા વિસ્તારમાં કદાચ દુકાળ પણ પડતો હશે.

અંતિમ સ્પર્શ:
ના હાથમાંથી પૈસા કે કામમાંથી સમય છૂટે છે,
લોકો એ સંપૂર્ણ હતા આપણામાં કશુંક ખૂટે છે.
- નિશાંક મોદી

Sharing the page where you can contribute
https://www.facebook.com/Manav.sadhna/

Monday, December 10, 2018

પ્રોજેકટ ફૅઇલર

આજે એક જૂનો મિત્ર મળ્યો. વર્ષોથી એક સારી કંપનીમાં જોબ કરતો હતો. પૂછ્યું કેમ છે દોસ્ત, કેવી ચાલે જોબ? જવાબ મળ્યો, ના બસ દોસ્ત છોડવી પડી. આશ્ચર્ય સાથે મારે પૂછવું પડ્યું કેમ? જવાબમાં એણે બધી આપવીતી કીધી જે હું અહી એક ઉદાહરણ તરીકે રજૂ કરું છું.

એક નદી હતી. એમાં એક હોડી હતી. હોડીમાં એક કાણું હતું. એક ખલાસી અને બીજા મુસાફરો હોડીમાં સવાર હતા. ખલાસી વારંવાર કાણાંમાંથી આવતા પાણીને રોકવાનો પ્રયાસ કરતો. ક્યારેક એના પર પગ મૂકીને, ક્યારેક આંગળી ભરાવીને, ક્યારેક કાગળનો ડૂચો લગાવીને, ક્યારેક તો આખો સુઈ જતો. સાથેના મુસાફરો આ બધો જ તમાશો જોતા, સલાહ આપતા, હસતા અને સમજાવાનો પ્રયત્ન કરતા કે ના મહેનત કરાય આટલી. દૂરથી એક નેવીગેટર ખૂબ માહિતી આપતો કે કેવી રીતે છટકી શકાય.

સવાલ આવતો હશે પહેલા બે ફકરાનો સંબંધ શું? નદી એટલે કંપની, હોડી એટલે પ્રોજેકટ, હોડીનું કાણું એટલે પ્રોજેકટની પ્રોસેસ, ખલાસી એટલે મારો મિત્ર, બીજા મુસાફરો એટલે પ્રોજેકટ ક્લીગ્સ. મારો મિત્ર પ્રોસેસ સુધારવાનો ખૂબ પ્રયત્ન કરતો, ખોટું થતું અટકાવવા ખૂબ મહેનત કરતો, ક્યારેક કામમાં હાથ ચલાવીને અને ક્યારેક મીટીંગની દોડધામ કરીને, ક્યારેક ઈમેલ કરીને તો ક્યારેક રાત દિવસ એક કરીને. દૂર બેઠેલો નેવીગેટર જે હોડીમાં જ નથી બેઠો એની માહિતી, સ્વિમિંગની ચોપડી વાંચી સ્વિમિંગ કરતા આવડી જાય એવી હતી.

વાત હજી અહીં પુરી નથી થઈ, હોડી ડૂબી ગઈ અને વાંક આવ્યો મારા મિત્રનો. કહેવામાં આવ્યું કે પૂરતો પ્રયત્ન નથી કર્યો બચાવવાનો. બધાને એમ જ થયું કે હોડી ડૂબવાનું કારણ માત્ર ખલાસી જ હતો. કાણું પડેલી હોડી અને મુસાફિરોનો કોઈ જ વાંક ન આવ્યો. ખલાસીને અફસોસ એક જ વાતનો હતો કે એણે હોડીને બચાવવાનો ખોટો પ્રયત્ન કર્યો...કારણ કે કોઈને કાણું દેખાયું જ નહીં અને કોઈએ એ પુરવાની કોશિશ પણ ન કરી.

મિત્રએ અંતે કીધું કે "જવાબદારી લેવી એ પણ જવાબદારીનું કામ છે" અને મને લાગ્યું કે આની જિંદગીની હોડી ક્યારેય નહીં ડૂબે....

અંતિમ સ્પર્શ:
નાહકના મથે તું અહીં કશુંક બચાવવાને માટે,
હાથ જ અહીંયા કામે લાગ્યા ડૂબાડવાને માટે.
- નિશાંક મોદી

Friday, December 7, 2018

માઇક્રોફિક્શન વાર્તા: ભીનો કચરો, સૂકો કચરો

અભણતરના અફસોસ સાથે પ્લાસ્ટિકની થેલીઓ વીણતા  નવ-દસ વર્ષના છોકરાએ જ્યારે પૂછ્યું, "અંકલ, અંગ્રેજીમાં લખેલું છે એટલે ખ્યાલ નથી આવતું, તમે કહો ને આ હલકી પ્લાસ્ટિકની થેલીઓ કયા ડબ્બામાં નાખું લીલા કે વાદળી?"

એને તો જવાબ મળી ગયો. પણ ત્યાં જ એક લક્ઝુરિયસ કાર પસાર થઈ અને સ્કૂલ યુનિફોર્મ પહેરી બેઠેલા એક છોકરાએ વેફર્સનું ખાલી પેકેટ કારમાંથી બહાર ફેંક્યું. ત્યારે મને ભણતરનો અફસોસ થયો અને એક જવાબ ન મળ્યો કે કયો છોકરો સૂકો રહી ગયો અને કયો ભીનો?
- નિશાંક મોદી

Saturday, November 3, 2018

લેખ: હું, વિજ્ઞાન અને બીજું કશુંક

'આ સૃષ્ટિ હું ચલાવું છું કે મારાથી ચાલે છે.' આવું કહેવાવાળા કેટલાય માણસો ભૂતકાળ બની ગયા. કારણ એક જ કે એ લોકો આ વિશ્વ નતા ચલાવતા. તો આ દુનિયા કોણ ચલાવે છે? આ સવાલનો જવાબ કોઈ વિજ્ઞાન પાસે નથી. કદાચ એવું બને કે એનું કોઈ વિજ્ઞાન જ નથી. હા પણ એક વસ્તુ ચોક્કસપણે કહી શકાય કે કોઈક એવી તાકાત છે જે આ બ્રહ્માંડ ચલાવે છે.

અજાણ હોવાને કારણે આપણે એને ડીવાઇન એનર્જી, ઈશ્વર, અલ્લાહ કે કુદરત એવી ઓળખ આપી દીધી. શરૂઆત કરીએ તો માણસના સર્જનથી. વિજ્ઞાને એવું તો શોધી દીધું બાળકનું સર્જન કેવી રીતે, ક્યાં અને કયા કારણોસર થાય છે પણ એ હજુ સુધી નથી જણાવી શક્યું કે બાળકમાં જીવ કોણ પુરે છે. XX રંગસૂત્રોના મિલનથી બેબી ગર્લ અને XY રંગસૂત્રોના મિલનથી બેબી બોય એનું જ્ઞાન વિજ્ઞાને આપી દીધું પણ આનું મિલન કઈ ના દેખાતી શક્તિથી શક્ય બને છે એ નથી સમજાવી શકતું.

શરીરમાં કેટલા અંગો છે અને દરેકનું કાર્ય શું બધાની શોધખોળ થઈ ગઈ. કોઈ તકલીફ હોય તો એક્સ રે, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટથી નિદાન થઈ જાય અને એના મુજબ ટ્રીટમેન્ટ પણ મળી જાય પણ કોઈ દિવસ વિચાર્યું કે હાડકાં, સ્નાયુ, શરીરનો ઢાંચો કોણે નક્કી કર્યા. અને વપરાતી દવાના રસાયણોનું બંધારણ કુદરતે કઈ રીતે નક્કી કર્યું હશે. શું એવું હશે કે પીરીઓડિક ટેબલ અજાણી શક્તિએ બનાવ્યું હશે અને કોઈક વૈજ્ઞાનિકને મળી ગયું હશે.

નવમહીના ના સમય દરમ્યાન સ્ત્રી બાળકનું સર્જન કરે છે, સ્ત્રી તો કારક જ ગણાય કારણ કે ઘણીવાર બીજા બ્લડગ્રુપનું બાળક પોતાની અંદર ઉછરી રહ્યું હોય અને વિજ્ઞાન તો એમ કહે છે કે બ્લડગ્રૂપ મિસમેચ થાય તો માણસનો જીવ જોખમી બને. તો શું વિજ્ઞાન ખોટું છે. હવામાં શ્વાસ વગર માણસ જો જીવીના શકે તો ગર્ભમાં બાળક કેવી રીતે જીવે. કોઈ કહેશે બાળક નાળથી જોડાયેલું હોય છે એટલે. એ તો વિજ્ઞાન કહે છે. આ નાળ કેમ કરી એ જ વખતે કાર્યરત થાય છે અને કામ પતી ગયા પછી કેમ અકાર્યરત બને છે.

બાળક લગભગ ત્રણ મહિના થાય એટલે પલટી મારતા શીખે. તો શું વિજ્ઞાન કહી શકે કે એવી કઈ ઘડિયાળ અને કેલેન્ડર બાળકના મગજમાં ફિટ છે જે એને યાદ દેવડાવે છે બોસ પલટી મારવાનો સમય થઈ ગયો છે, લેટ્સ ડુ ઇટ.

છ મહિના થાય એટલે બાળક બેસતા અને ભાખોડીયા ભરતા શીખે. આવી ગણતરી કઈ રીતે બાળકનું મન કરી શકે. આ પાછળ વિજ્ઞાન એટલું કહી શકે કે હજુ બેસતો નથી તપાસ કરવી પડશે, કશુંક એબનોર્મલ લાગે છે. નવમહીનાંનું બાળક જ્યારે સોફા કે પાટ પકડી ઉભું થાય અને પગલાં ભરવાની કોશિશ કરે ત્યારે ફરી વિચાર આવે બોલી ન શકનાર બાળકને આવી સમજણ કઈ રીતે મળે છે. કેમ ચાલતી વખતે પડે ત્યારે માથું ભટકાય તોય બ્રેઈન ડેમેજ નથી થતું કે એના હાથ પગે ફ્રેક્ચર નથી થતું. એવું તો ના હોય ને કે ટ્રેનિંગકાળ દરમ્યાન આ બધું ઇગ્નોર થાય.

આતો થઈ ખાલી એક કેટેગરી (માણસ જાત) ની વાત. વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો ચલો આપણે જીવોનું વર્ગીકરણ કરીયે. એટલા પ્રકારના સજીવો, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ છે કે કદાચ આપણે ગણી પણ ન શકીએ અને દરેક જાતિમાં આગળ કીધેલા અનુભવો નો સમયગાળો જુદોજુદો. સર્જનના ગાળાથી લઈ વિકાસના ગાળા સુધીનો. તો આ બધું ટાઇમટેબલ લાઈવલિ કોણ મેનેજ કરે છે.

કેટલા પ્રકારના બ્લડગ્રુપ છે એ શોધ્યા પછી પણ માણસ બ્લડ માટે એકબીજા પર હજુય આધાર રાખે છે. જે કઈ પણ શક્તિ છે એને ખ્યાલ છે કે, આ લોહી બનાવવાની રીતની જો શોધ થઈ જશે તો સૃષ્ટિનો વિનાશ થઈ જશે. આ વસ્તુ બ્લડ ટ્રાન્સફુઝન સુધી જ રોકાય ત્યાં સુધી સારું છે. આટલી બધી શોધ થયા પછી પણ માણસને કાયમી જીવતો રાખવો શક્ય નથી અને ત્યાં વિજ્ઞાન કારણ આપી શકે પણ નિરાકરણ નહિ. અને જ્યારે નિરાકરણ આપી દેશે તો ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે 'વિપુલ સંતતિપ્રમાણ' થી વિશ્વ માણસોથી ઉભરાઈ જશે.

માણસ જોડે બનતી એક એક ઘટનાનો જવાબદાર માણસ જ છે એવું નથી. કેટલીક વસ્તુ આપણાં હાથમાં જ નથી. જેમ કે તમે યાદ તો કશુંક રાખી શકો છો પણ કશુંક ભૂલી જવા માંગો એ શક્ય નથી. એ ભૂલવાની શક્તિ પણ કોઈક ડીવાઇન એનર્જી જ આપે છે.

વિજ્ઞાન કહે રાતે તમે થાકો એટલે ઊંઘ આવે પણ આ ઊંઘ લાવનાર અને ઉઠાડનાર કોણ. તૂટી ગયા પછી ઉભા કરવાની શક્તિને વિલપાવર શબ્દ તો મળી ગયો પણ જે વસ્તુ (વિલપાવર) શરીરમાં દેખાતી જ નથી એને મન સુધી લઈ જનાર કોણ. ગુજરાતીની એક કહેવત જે કહે દાંત આપ્યા છે એ ખાવાનું પણ આપશે. બધું જ નકારાત્મક થતું હોય ત્યારે આવો હકારાત્મક વિચાર આપનાર કોણ.

આ લેખનો વિચાર મને એક રીંછ અને તેના બચ્ચાનો વીડિયો જોઈને આવી. એમાં એક રીંછનું બચ્ચું વારંવાર બરફના પહાડ પરથી નીચે પડી જાય છે અને એને બચાવવાવાળું કોઈ નથી હોતું છતાંય અંતમાં એ બચ્ચું જાતે કપરો બરફનો પહાડ ચઢી પોતાની માં ને મળે છે. તો શું આવી નાનામાં નાની વાતોનું ધ્યાન કોણ રાખતું હશે અને મુશ્કેલીમાં પડેલ દરેક માણસ પશુ પ્રાણી પક્ષી જીવજંતુ કે અન્ય જીવને બચાવતું કોણ હશે. કદાચ એનો જવાબ ખ્યાલ નથી એટલે જ આપણે એને ડીવાઇન એનર્જી, ઈશ્વર, અલ્લાહ કે પછી કુદરત કહીએ છીએ જે કદાચ આ સૃષ્ટિ ચલાવતો હશે....

અંતિમ સ્પર્શ:
હું અને મારું વિજ્ઞાન ફક્ત કારણો જણાવે છે,
'સ્પર્શ:' વિશ્વનું વહાણ બીજું કોઈક ચલાવે છે.
- નિશાંક મોદી

Sunday, October 14, 2018

લેખ: સિઝનનો માલ

કોઈ પૂછે કે આઉટડોર ગેમમાં શું શું આવે? તો જવાબ સાંભળવા મળે કે ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, વોલીબોલ, ફૂટબોલ વગેરે વગેરે....પણ મારા જેવા 90's કિડને પૂછીએ તો જવાબની શરૂઆત થાય લખોટી, ફોટા, છાપો, સતોલિયુ, ઈંડું, ભમરડાં, ગિલ્લી દંડા, આઇસ્પાઇસ, ગોચમણી (વરસાદમાં રમાતી રમત) અને પછી શરૂ થાય ઉપર જણાવેલું લિસ્ટ વગેરે વગેરે...

મને યાદ છે બાળપણમાં દરેક રમતની એક સિઝન આવે. સોસાયટીમાં બધા જ બાળકો એકસરખી જ રમત રમે. જો લખોટી રમાતી હોય તો બધે જ લખોટી રમાતી હોય. લગભગ બે ત્રણ મહિના સુધી એક જ રમત રમાય. એકવાર ભમરડાં ચાલુ થાય એટલે એ ચકરી પણ ત્રણ મહિને ફરે. અને પહેલા સોસાયટી કઈ દસબાર છોકરાઓની ન હતી. કોઈની વર્ષગાંઠ પર જો પાર્ટી થાય તો જાણે પચાસ (મિનિમમ) છોકરા છોકરીઓનું ટોળું જામે, વડીલો જતા ખચકાતા...સાચું કહું તો સમજતા કે બાળકોની પાર્ટી છે...હવે અંતર વધી ગયું હોવાથી વાલીને પણ સાથે જવું પડે છે.

એકવાર જે રમતની સિઝન ચાલુ થાય એનો સ્ટોક પણ દુકાનવાળો એ રીતે જ ભરે. દુકાનની બહાર, ભમરડાની રંગબેરંગી જાળ લટકતી હોય, કિંમત ખાલી પચાસ પૈસા.. બે રૂપિયામાં લાકડાનો અને ત્રણ રૂપિયામાં પ્લાસ્ટિકનો (મટિરિયલ તો ખ્યાલ નહિ અમે એવું કહેતા તા) ભમરડો મળે અને ચાલે કેટલો ખબર છે બે મહિના....સાડા ત્રણ રૂપિયામાં બે મહિનાનો આનંદ, એક કે સાત તારીખે થતા પગાર કરતા પણ વધુ હતો.

સિઝન બદલાય એટલે વાર્તા બદલાય. એવું ન હતું કે ક્રિકેટ નતા રમતા પણ એ બધાની શરૂઆત માધ્યમિક શાળાથી શરૂ થતી. પ્રાથમિક શાળામાં તો પ્રાથમિક રમતો જ રમાતી. ખાલી એક રમત ન હતી કે ચલો લખોટી રમીએ, એમાં આવે ગોમણ, ઢોંસ, ગબ્બીદાવ, દુરદુરની ઉડામ અને પોપટ કાણીયો..આ છેલ્લી લાખોટીની રમતનું નામ તો કેમ પડ્યું કદાચ કોઈ જ જાણતું નહિ હોય. એમાં દિવાલ પર લખોટી મારી દાવ લેવાનો હતો. મોટા ભાગની રમતમાં સબાક, સેકન્ડ,ને થર્ડથી ઇન્ડેક્સિંગ થતું☺️ એ જ રીતે ફોટા રમતી વખતે 'આશરો' વપરાતો. આશરો એટલે જે મુવીના ફોટામાં ત્રણ કે એથી વધુ હીરો હોય એ ફોટો પાછો આપી દેવાનો, ભલે ને સામેવાળો ધાપમબાજીમાં પુરી ગેમ જીતી જાય.

આખી સિઝન પુરી થઈ ગઈ, બધી જ રમતો વિસરાઈ ગઈ, સમય બદલાયો અને વીડિયોગેમ આવી. શરૂઆત બ્રિક ગેમથી (ટુ ઇન વન) થઈ અને લોકો માથું ખંજવાળે કે આ ગેમ રમાય છે કેમ કરીને. બે હજાર રૂપિયાથી બ્રિક ગેમ શરૂ થતી (શરૂઆતમાં ખૂબ મોંઘી હતી અને કસ્ટમનો માલ કહેવાતો) થોડાક વર્ષોમાં તો બસો ત્રણ સો ની થઈ ગઈ. ટીવીની વિડીયોગેમ બહુ ચાલી એમાંય સુપર મારીઓ અને સુપર કોન્ટ્રાએ વગર બાઈકે ધૂમ મચાવી. 72 ઇન 1 અને 64 ઇન 1 નો તફાવત જો જાણી શકો તો જ વીડિયો કેસેટ શું છે એ સમજી શકશો. 9999999 આ એક ફિગર એ વખતે જબરી મિસગાઈડ કરતી હતી અને વીડિયો ગેમ માટે આ એક અભિશાપ હતી....

હવે બધા જ બાળકો મોટા થઈ ગયા છે પણ સિઝનની પ્રથા હજુય ચાલુ જ છે. સુપર કોન્ટ્રા અને પબ જી વચ્ચે એક કાઉન્ટર સ્ત્રાઈક નો દસકો વીતી ગયો. વાઇસ સીટી જેવી ગેમ અને વાઇસ ઇન્ટરનેટે આખી દુનિયાને રમત રમતી કરી દીધી અને સોશિયલ મીડિયાએ એમાં આગ ચાંપી.

હજુ પણ મને એ જ સિઝનનો અનુભવ થાય છે જ્યારે કોઈ નવું ફણગો બહાર આવે છે. ભવિષ્યમાં કોઈ પૂછે કે તમે સોશિયલ મીડિયામાં શું શું જોયું? તો જવાબ સાંભળવા મળશે કે ચોટી કાપવાની ખબર, મોબ લિચિંગ, કિકી ચેલેન્જ, મિટુ મૂવમેન્ટ વગેરે વગેરે...પણ આ વખતે હેશટેગ સાથે....પહેલા અને આજની વસ્તુઓમાં સામાન્ય હજીય એ છે કે આ બધી જ સિઝન બે ત્રણ મહિના પૂરતી જ રહે છે અને ભગવાન જાણે હજી કેટલાય નવા પ્રોગ્રામ આવવાના બાકી હશે અને ભવિષ્યમાં આનંદ તો હાલ એક કે સાત તારીખે થાય છે કદાચ એટલોય નહિ હોય....

અંતિમ સ્પર્શ:
ખોવાય...રમત હોય કે ખબર સિઝન હોય છે,
અંતે તો સમય નામનું જ એક રિઝન હોય છે.
- નિશાંક મોદી

Friday, October 12, 2018

લેખ: હસતો ફોટો રડતો ચહેરો

લેખ: હસતો ફોટો રડતો ચહેરો

સોશિયલ મીડિયા પર લગભગ પચાસથી વધારે જાણીતા અને અજાણીતા લોકોના પ્રોફાઈલ પીક્સ જોયા. એવું લાગ્યું કે દરેક માણસે પોતાનો સૌથી બેસ્ટ ફોટો રાખ્યો હશે. જીવનની યાદગાર પળો જેમ કે સગાઈવાળો, લગ્નપ્રસંગનો, બાળક સાથેનો, કપલ, નિખાલસ ચહેરાવાળો નેચરલ, ફેમિલી, સુંદર અથવા સ્પેશિયલ ઇફેકટવાળો કે આ ઉપરાંત આનાથી પણ કોઈ વિશેષ ફોટો.

મજાની વાત એ કે દરેક ફોટો હસતો ને ખુશખુશાલ જોવા મળે. તો શું બધા આટલા જ ખુશ હશે? અને જો હોય તો આજનો માણસ અંદરથી દુઃખી કેમ? કદાચ એમ બને કે હાલ વાત સ્વીકાર્ય ન લાગે કેમ કે હાલ કોઈ તકલીફ ન હોય. પણ વાતનો ખ્યાલ ત્યારે આવે જ્યારે તકલીફમાં હોઈએ અને આપડો જ હસતો ચહેરો સોશિયલ મીડિયામાં જોઈએ અને કહીએ જો કેટલો ખુશ હતો/હતી હું પહેલાં.....

કોઈ ક્યારેય તકલીફમાં હોય તો નીરસ ફોટો અપલોડ નહિ જ કરે. હકીકતમાં આપણને સૌથી બેસ્ટ વસ્તુ પસંદ કરવાની આદત પડી ગઈ છે અને સહેજપણ ના પસંદ વસ્તુ કે વ્યક્તિને આપણે સ્વીકારી શકતા નથી. પોઝિટીવીટી બાજુ એટલા આગળ વધી ગયા છીએ કે નેગેટિવ વસ્તુ પચાવી જ નથી શકતા. ફોટો અપલોડ કરતાની સાથે જ બે ચાર લાઈક આવી જાય એટલે મન ખુશ અને એના પછી થોડાક સમયનો વિરામ પડે એટલે વિચારવાનું ચાલુ, નેટ બંધ નથી ને, એપ્લિકેશન રિફ્રેશનો પ્રોબ્લેમ નથી ને. થોડાક મિનિટ પહેલા ચાલતું ઈન્ટરનેટ અને એપ્લિકેશ કઈ આપડા ફોટાના અપલોડથી બંધ ના થઇ જાય.

માની લઈએ કે બસો લોકોએ તમારો ફોટો પસંદ કર્યો છે પણ એમાંથી પંચાણું ટકા લોકોને તમારી હાલની પરિસ્થિતિની ખબર જ નહીં હોય. ગેલેરીમાં હજારો ફોટોસ પડ્યા હશે પણ એમાંથી સૌથી સારો શોધવાનું કહીએ તો આખો દિવસ નીકળી જાય અને નક્કી જ ન કરી શકીએ સૌથી બેસ્ટ કયો. કદાચ આટલો જ સમય આપણે પોતાના સાચા ચહેરા પાછળ આપીએ તો આપણામાં ઘણો ફરક પડી જાય. અને એક વાત તો બધા માનશે કે જે ફોટો અચાનક અને કારણ વગર પડ્યો હશે કદાચ એ જ સૌથી સારો હશે કેમ કે એમાં બનાવટ નહીં હોય. તમે તમારી મોજમાં હશો અને કોઈક ક્લિક કરી ગયું હશે તે ફોટો સૌથી રૂપાળો લાગશે.

મોઢા પર નિરસતાને વાતોમાં નિરાશ લોકોના હસતા પ્રોફાઈલ પીક્સ જોઈ લાગે કે માણસ હસમુખી હોવો જોઈએ. પાછી આપણામાં એક આવડત હોય છે કે માણસના ફોટા જોઇને આપણે એનો સ્વભાવ નક્કી કરી લઈએ છીએ. કદીક એમ બને કે હસતો ફોટો અંદરથી દુઃખી હોય અને સોગિયા મોઢાવાળો અંદરથી મજા લેતો હોય. પોતાનું બેસ્ટ પીક્સ મુકવામાં કોઈ જ વાંધો નહીં પણ પોતાની જાતને જોવી વધુ મહત્વની છે. આમ બાળકને મારે પણ અહીં બાળક જોડે વ્હાલ કરતો ફોટો મુકે એ કોને છેતરવા જેવું લાગે પોતાની જાતને જ ને.

જે આપણને ઓળખે છે એને ખબર જ છે આપણે કેવા છીએ, રંગમાં, રૂપમાં, સ્વભાવમાં, અણબનાવમાં. બીજાને  પ્રભાવિત કરવાના ચક્કરમાં આપણે પોતાની ઓળખ ગુમાવીએ છીએ અને બીજા ચલાવે એમ ચાલીએ છીએ. એક વસ્તુ તો પાકી છે કે જેને તમે ગમો એને તમારી સારી ખોટી બધી જ આદતો સારી લાગશે અને જેને તમે નથી ગમતા એને બધી જ સારી ખરાબ આદતો ખરાબ લાગશે. તો હવે પછી બીજીવાર પોતાનો બેસ્ટ ફોટો (જે કદાચ હજુ પાડ્યો નહિ હોય) એ બદલવા જાવો ત્યારે એકવાર અરીસાને પૂછી લેજો કે અપલોડ કરું ને સાચો છે ને...

સૌથી ખરાબ સમયમાં કોઈ સૌથી સારું પ્રોફાઈલ પિક્ચર મૂકી દે એને પણ પોતાના માટે કરેલું મીઠું ઈમ્પ્રોવેમેન્ટ (#MeToo મૂવમેન્ટ નહિ) જ કહેવાય.....

અંતિમ સ્પર્શ:
આજે એણે સર્વશ્રેષ્ઠ ફોટો અપલોડ કર્યો,
અરીસો કહે, મને પૂછ સાલાએ ડોળ કર્યો.
- નિશાંક મોદી

Thursday, October 4, 2018

માઇક્રોફ્રિકશન વાર્તા: કિંમતી પાંચ રૂપિયા

માઇક્રોફ્રિકશન વાર્તા: કિંમતી પાંચ રૂપિયા

પેટ્રોલડીઝલના પાંચ રૂપિયાના ભાવઘટાડાને લઈને દિનયો અને મંજુલા આજે ખુશ હતા પણ મજાની વાત એ કે આ પતિપત્ની જોડે ના કોઈ બાઇક, સ્ફુટી, કાર તો પછી આટલા ખુશ કેમ. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, એ બન્ને પેટ્રોલપંપ પર નૌકરી કરે છે. મંજુલા પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરી આપે ને સાઈડમાં દિનયો હવા ભરે.

બન્નેને કામ પ્રમાણે પગાર ઉપરાંત કમિશન મળે છે, ભાવઘટાડો થતા વાહનો અને કમિશનમાં થોડોક વધારો થશે અને આ પૈસાથી હવે દિનયો પોતાની સાઈકલમાં પાછળ કેરિયર પર મંજુલા માટે સોફ્ટસીટ નંખાવી શકશે....બસ આજ ખુશી હતી પાંચ રૂપિયાનાં ઘટાડાની...

અંતિમ સ્પર્શ:
કહે જગત, ચઢે ને પડે ભાવ, ક્યાં ફરક પડે છે,
દોસ્ત પાંચ રૂપિયામાં ક્યાંક તાજમહલ બને છે.

- નિશાંક મોદી

Sunday, September 23, 2018

લેખ: આપણે માણસો- ડબલ ઢોલકી

લેખ: આપણે માણસો- ડબલ ઢોલકી

લેખનું મથાણું થોડુંક વિચિત્ર લાગશે પણ આપણે માણસો આના કરતાં વધારે વિચિત્ર છીએ. હકીકતમાં આપણી જીવન જીવવાની રીતમાં કોઈ જ નક્કી થયેલા નિયમો, એથીક્સ, વિચારો છે જ નહીં આપણે પરિસ્થિતિ પ્રમાણે રંગ બદલીએ છીએ. શરૂઆત આપણે એ વસ્તુની બાળપણથી જ કરી દીધી તી, જ્યારે પાટીપેનનું સ્થાન પહેલા પેન્સિલે અને પછી શાહીવાળી પેને લઈ લીધું. ત્રણેયનું કામ જ્ઞાન આપવાનું જ હતું પણ બાળક ક્યારેય જાણી જ ન શક્યો કે આ બદલવાનું કારણ શું હતું. જે સ્લેટ પર એ એકડો ઘૂંટતા શીખ્યો એ વસ્તુ સમય બદલાતા વ્યર્થ ગણી છોડી દીધી, પછી નોટબુક અને હવે એનું સ્થાન મોબાઈલ/કોમ્યુટર કરે છે. આપણે દરેક માણસો સ્પ્લિટ પર્સનાલિટીમાં જીવએ છીએ અને એક સરખા કામમાં નિર્ણયો પરિસ્થિતિ મુજબ બદલીએ છીએ અને કોઈ પૂછે તો કહીએ દોસ્ત પ્રેક્ટિકલી વિચાર બીજી રીતે કહીએ તો સ્વાર્થનું જ વિચાર. આપણા વિચારો પણ આપણો જ ફાયદો જોવે છે અને નક્કી કરી લે છે અને જે નક્કી કરી લઈએ એને એ ઘડીએ સાચું જ માની લઈએ છીએ. ચાલો ઉદાહરણો જોઈએ.

જેન્ડર ઈકવિલિટી વર્ડથી કોઈ અજાણ નહિ હોય, કોઈ સ્ત્રી પર જુલમ થાય એટલે નિયમો જુદા અને પુરુષ પર જુલમ થાય તો નિયમો જુદા. જો આપણે જેન્ડર ઈકવિલિટીમાં માનતા હોઈએ તો નિયમો સરખા ન હોવા જોઈએ. કે પછી જેન્ડર ઈકવિલિટીમાં પણ એક ફૂડદી મૂકી ટર્મ એન્ડ કન્ડિશન રાખી છે. જેન્ડર ઈકવિલિટીનો મતલબ પહેલા જમાનામાં જ્યારે સ્ત્રીઓને ભણાવવા કે નોકરી કરવા દેવામાં ન આવતા હતા એના માટે થયો હતો અને આપણે પછી એ વર્ડને મારીમચોડી ગમે ત્યાં ફિટ કરી દીધો. મૂળ ધ્યેય ભુલાઈ ગયો અને વુમન એમ્પાવરમેન્ટ પર ચઢી ગયો. આ ઉદાહરણ કોઈ સ્ત્રીને નીચે લાવવા માટે નહીં પણ પુરૂષને સમોવડી રાખવા માટે છે, કારણ કે જો પુરુષ પણ સ્ત્રીની કમપેરમાં નીચે હશે તો એ કિસ્સાઓમાં પણ જેન્ડર ઈકવિલિટી વર્ડ ખોટો પડશે. ઉંડાણમાં જોઈએ તો આપણા બંધારણમાં પણ જેન્ડર ઈકવિલિટી ક્યાં છે નહિતર છોકરીની લગ્નની ઉંમર ઓછામાં ઓછી અઢાર અને પુરુષની એકવીસ કેમ? આ વિષય ડિબેટનો છે અને એમાં પણ આપણે જ પોતાનો પક્ષ બદલી દઈશું એ પણ કારણ આપી પરિસ્થિતિનું.

નોટબંધી વખતના બે કિસ્સા હજુય મને યાદ છે, જ્યારે હું પેટ્રોલ પુરાવા જતો ત્યારે પેલું ડિજિટલાઈઝેશન ચલણમાં હતું અને મોબાઈલની જુદી જુદી એપ્લિકેશનથી પેઇમેન્ટ ચાલુ હતું. ત્યારે મને વિચાર આવ્યો કે હવે મોબાઈલ રેડિએશન વગરના આવતા હશે કારણ કે નોટબંધી પહેલા તો પેટ્રોલપમ્પ પર મોબાઈલ પર વાત ટાળવાના બોર્ડ લાગ્યા તા. આમ જોઈએ તો બંને વાતમાંથી એક તો ખોટી જ છે ને પણ ના પરિસ્થિતિ બદલાઈ ગઈ તી અને એ જ રીતે પેટ્રોલપમ્પ અને આપણી માનસિકતા બન્ને. એ જ રીતે પહેલા આપણે એટીએમ માં કોઈ હોય તો બહાર ઉભા રહેતા અને આપણે અંદર હોઈએ તો બીજાને બહાર ઉભા રહેવાની વિનંતી કરતા પણ નોટબંધી વખતે ટોળેટોળા એટીએમમાં ગોઠવાઈ જતા. તો શું એ વખતે પિનની સિક્યુરિટી બ્રેક નતી થતી?

માણસો ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા છોકરાને બે રૂપિયા એટલે નથી આપતા કે એની આદત બગડી જાય. પણ કારમાં સિગરેટ પીવાની આદત સારી થોડી હોય. જે વ્યક્તિઓ પોતે પોતાની બગડેલી આદત સુધારી શકતા નથી એ બીજાની આદત બગડવાનો વિચાર કરે છે અને આપણા જેવા માણસો જ ફાઈવસ્ટારમાં સો બસોની ટીપ આપીએ છીએ કારણ એનું પાંચ દસ રૂપિયા એનું સ્ટાન્ડર્ડ નથી પણ અહીં આપણા મગજનું ડબલ સ્ટાન્ડર્ડ છે.

એકબાજુ આપણે આપણી સંસ્કૃતિ અને વારસા પર ગર્વ લઈએ છીએ અને બીજી બાજુ વૃદ્ધાશ્રમો ખોલીએ છીએ. વર્ષો પહેલા ગાંધીજીનો એક કિસ્સો ક્યાંક વાંચ્યો તો જે અતિ રસપ્રદ હતો. ગાંધીજીને એક વૃદ્ધાશ્રમના ઉદ્દઘાટન માટે આમંત્રણ મળ્યું તું અને ગાંધીજીએ જવાબમાં એવું કીધું તું કે હું ઉદ્દઘાટનમાં તો નહીં આવી શકું પરંતુ ક્યારેય બંધ થાય તો તાળું મારવા ચોક્કસ આવીશ. આપણે જ પાછા કહીએ કે આપણે વસ્તી વધારે છે એટલે વૃદ્ધાશ્રમો વધારે છે. હકીકતમાં તો આપણા મગજમાં ડબલ ઢોલકીવાળા વિચારો જ વધારે છે.

મેં ઘણીવાર જુદાજુદા ધર્મના લોકોને ધર્મ ઉપર ચર્ચા કરતા જોયા છે. દરેક વ્યક્તિ પોતાના ધર્મમાં થતી દરેક વિધિને સપોર્ટ કરે અને બીજા ધર્મની વિધિ પર આક્ષેપ. કોઈ પણ પોતાને પોતાના ધર્મને બે ઘડી ભૂલીને દલીલ ના કરે. આપણે જ્યારે ધર્મ ઉપર દલીલબાજી કરીએ છીએ ત્યારે સમજી જ લેવાનું કે આપણે પોતાના ખાલી આપના ધર્મ અને ધર્મ પુસ્તક વિશે જાણીએ જ છીએ હકીકતમાં આપણે એને ફોલોવ કર્યું જ નથી.

ખાલી એક વર્ષમાં તમે લીધેલા નિર્ણયો વિશે વિચારજો તો એમાંય કેટલીય વિભિન્નતા હશે. આપણને જ્યાં સ્વાર્થ અને ફાયદો દેખાય એ જ સાચું અને સારું માનીએ. અને જો કોઈ પોતાના નિયમો પર અચૂક રહે તો એને આપણે એરોગન્ટ છે કે બહુ ઇગોવાળો છે એમ કહી છોડી દઈએ. એનું કારણ એ જ છે કે સ્લેટમાં હવે પેલો એકડો ઘૂંટાવાનો બંધ થઈ ગયો છે અને એનું સ્થાન પેલા અહમના એકડાએ લઈ લીધું છે માત્ર પરિસ્થિતિ બદલીને...

અંતિમ સ્પર્શ:
કદીક પ્રગટાવુંને કદીક સળગાવું ફાનસ છું,
પરિસ્થિતિ મુજબ હું બદલાવું માણસ છું.
- નિશાંક મોદી