લેખ- પિંખાયેલા પંખીઓ
'બળાત્કાર'...શબ્દ સાંભળતા જ ગુસ્સો, નિંદા, આક્રોશ, દયા, રુદન, કરુણા જાણે બધી લાગણીઓ ભેગી આવી જાય છે. મારે લેખની શરૂઆત આ શબ્દથી નતી કરવી પણ હાલ આવી જ ઘટનાઓ બની રહી છે. આ ઘટના માત્ર પુરુષથી (ખાલી કહેવાતા લિંગથી) સ્ત્રી ઉપર બળજબરી પૂર્વક થતાં અત્યાચાર પર અટકતી નથી. સ્ત્રીની માનસિકતા પર અસર, એને પૂછવામાં આવતા સવાલો, અંગત લોકોની નજર, મેડિકલ ઇન્કવાયરી, ઘટના પર હાથ શેકતી પોલિટિકલ પાર્ટી, જાત ને ધર્મનો ઉપયોગ કરી લોકોને ભડકાવવા આવી બધી ઘણી ઘટનાઓ કેટલાય દિવસો મહિનો અને વર્ષો સુધી બનતી રહે છે.
પેલું કહે છે સોનામાં સુગંધ ભળી બસ કુદરતની શ્રેષ્ઠ રચના એટલે માનવજાતિ અને એની સુગંધ એટલે સ્ત્રી...અનેક રૂપ છે એના મા, બહેન, પત્ની, દીકરી અને આ બધાથી મોટું એક રૂપ છે સ્ત્રીનું એ છે બાળક ઉત્તપન્ન કરવાની શક્તિ. સ્ત્રીની ગર્ભાવસ્થા એટલે સાક્ષાત કુદરતનો ચમત્કાર. જે જીવનું નિર્માણ કરે એને આપણે જીવનિર્માતા કહીએ છીએ તો પછી સ્ત્રી એક જીવનિર્માતા જ થઈ ને. આમ તો પુરુષને પિતા બનતા માત્ર 2 મિનિટ જ થાય છે પણ સ્ત્રીને માતા બનતા 9 મહિના લાગે છે. કદાચ એટલે જ આ શક્તિ કુદરતે પુરુષને નથી આપી સાથે સામે સ્ત્રીને વધુ સંવેદના આપી છે.
ઘણા સમય પહેલા જ્યારે નિર્ભયાકાંડ વિશે સાંભળ્યું ત્યારે એવું લાગ્યું તું કે કદાચ આ દેશનો છેલ્લો ખરાબ બનાવ હશે. હવે આવા રોજ બનાવો સાંભળવા મળે છે. નિર્ભયા જોડે કાંડ શબ્દ વાપરી આપણે પણ કશું બાકી નથી રાખ્યું. એ ખરાબ ઘટના હતી જેને વખોડી કાઢવી જરૂરી હતી પણ જે વ્યક્તિ ઉપર જ ઘટના વીતી એની પાછળ જ કાંડ લગાડી દીધો. કાયદો, વ્યવસ્થા અને ન્યાયપ્રણાલી એ જ ડાટ વાળ્યો છે. થોડાક રૂપિયા ખાતર માણસ ઈમાન વેચી દે છે બાકી કોઈ બચી કેમ કરી જાય? ઘણીવાર એમ થાય કે મારા ભારતના લોકોને કિમ જોન જેવા સરમુખત્યાર જ મળવો જોઈએ, તો જ ઠેકાણે આવે.
પિશાચી નરાધમો ફૂલ જેવી બાળકીઓને પીંખી નાખે ત્યારે એવા લોકોને બચાઈને આપણે શું કામ છે. આરોપીના વકીલોએ પણ કેસ હાથમાં ન લેવો જોઈએ અને કદાચ ના છૂટકે લેવો જ પડે તો બચાવવાની મહેનત જ નહીં કરવાની...ક્યાંક તો ગર્વમેન્ટ જોબ કરવી પડેને. આવી ઘટનાઓ સાંભળ્યા પછી મને મારા ઈશ્વર પર પણ ગુસ્સો આવે છે કે કળિયુગમાં કૃષ્ણ ક્યાં જતા રહ્યાં તમે. મંદિરમાં થતી ઘટના તું ના રોકી શકે તો તને અમારે શોધવો ક્યાં?
માર્ક ઝુકરબર્ગ જેવો મહાન માણસ જ્યારે ડેટા લીકની પેશીમાં ઉભો ત્યારે પણ એના જવાબો સેનેટર સામે ખૂબ નમ્રતાપૂર્વક હતા. કેટલાક સેનેટર તો ટેક્નિકલ પણ ન હતા છતાંય માર્ક ના ચહેરા પર એક ડર હતો. મારા મતે એનાથી કોઈ એટલી મોટી ભૂલ ન હતી થઈ છતાંય માણસ વિનમ્ર હતો. અને આપણી કોર્ટમાં આરોપી જાણે પહેલથી જ જાણતો હોય કે બચી જશે એમ આવે. રેપ કર્યા પછી જાણે કોઈ ડિગ્રી મેળવી હોય એમ હસતા હોય કેમ કે ડર નથી. જ્યાં ડર ન હોય ત્યાં માણસ પોતાને ભગવાન માનવા માંડે છે.
આવી બનતી ઘટના એકવાર બન્યા બાદ ફેસબુક, વોટ્સએપમાં, લોકોની કોમેન્ટ્સમાં વાગોળાય છે અને આખું સ્વરૂપ બદલાઈને ધર્મવાદને જાતિવાદ થઈ જાય છે. મિત્રો, સ્ત્રીને તમે કોઈ ધર્મ, જાતિ, ઉંમર જુદી જુદી કેટેગરીમાં મૂકી શકો પણ એની આબરૂનું મૂલ્ય સરખું અને અમૂલ્ય જ હોય છે અને એ લૂંટાય એને કોઈ ધન પાછું ભરી શકતું નથી. બાકી પથ્થર ફેંકવાવાળો કોઈક દિવસ ઈંટ મુકશે તો ખ્યાલ આવશે કે ઘર ઈંટોથી બને છે પથ્થર તો ઠોકરમાં જ વપરાય છે...
અંતિમ સ્પર્શ:
કેસરી, સફેદ, લીલો જો ત્રણેય મરી ગયા આજે,
સ્ત્રીના લાલ રંગ આગળ ફરી હારી ગયા આજે...
- નિશાંક મોદી