ટૂંકો લેખ- અને એક હોય છે રિયાલિટી
લોકડાઉનથી સતત ઘેરાયેલા વાદળો વચ્ચે વરસાદના ટીપાં ની જેમ વરસતા હકારાત્મક વિચારોની વણઝાર માણસોને વિચારતા કરી દે છે. એક સરસ કહેવત છે કે, "અતિ ને નહિ ગતિ" એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક અયોગ્ય છે. સાદું ઉદાહરણ એ જ કે ઘણા લોકો કહે છે પુષ્કળ પાણી પીવો. આપણાં માનવશરીરની બનાવટ જ એવી છે કે પાણીની અછત લાગતા તરસ લાગે છે. ડિહાઇડ્રેશનના કેસ નાના બાળકો અને વૃદ્ધોમાં બનવાની શક્યતા વધુ છે. ચાર લિટરના પાણીના નિયમો ખાલી વારંવાર બાથરૂમના જ રસ્તા દેખાડશે. કિડનીને કારણ વગર કામ કરાવવું એ પણ એને ટોર્ચર કરવા જેવી જ બાબત છે. કિડનીનું કામ શરીરની અશુધ્ધિ ઓ બહાર કાઢવાનું છે. હવે કચરો સાફ થઈ ગયા પછી જેમાં પાણી નાખી ફેરવ ફેરવ કરવી એટલે એવું સમજવાનું કે વોશિંગ મશીનમાં પાણી ભરી, કપડાં નાખ્યા વગર ખાલી ચકેદી ફેરવવી. હવે એ વાતને યોગ્ય કહી શકાય?
પ્રવચનો સાંભળી મન હકારાત્મક કરવાના પ્રયત્નમાં માણસ કદીક વધું ઊંડો ઉતરતો જાય અને પછી ડૂબતો જાય છે. જીવનમાં બનતી દરેક ઘટના પોઝિટિવ લેવી શક્ય જ નથી. જો એમ બને તો માણસમાં ગુસ્સો, અહંકાર, રુદન, અફસોસ, સંવેદના, કરુણા બધી જ લાગણીઓ નાશ પામે. ઈશ્વર પણ જ્યારે માનવ જન્મ લઈ જીવ્યો ત્યારે એ પણ આ બધાથી પર ના થઇ શક્યો. એક વિચાર છે જેવો ગણો એને હકારાત્મક કે નકારાત્મક આપની મરજી 'ઉપદેશો સાંભળી જીવનમાં અમલ કરવો શક્ય નથી.' કારણ એ જ કે સલાહ આપવી અને સલાહ સાંભળવી એ બન્ને અલગ વસ્તુ છે. કોઈ ઘટના બન્યા બાદ તમે કોઈને સૂચન આપવુ ખૂબ જ સહેલું છે. જે પરિસ્થિતિમાં નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે પણ ગૂંચવાઈ જઈએ છીએ. ખંતપૂર્વક કામ કરનાર માણસનું મન આપોઆપ જ સારા વિચારો તરફ વળી જાય છે અને એનું એક માત્ર કારણ એકાગ્રતા છે. મીણબત્તીને ધારી ધારી જોઈ એકાગ્રતા ઉજાગર કરવાની રીત વિશે સાંભળ્યું હશે. એ જ માઇન્ડફુલનેસ. આ બધી વસ્તુ અંતે એક જ જગ્યાએ અટકે છે. કોઈ એક જ વસ્તુ પર...જે કોઈ પણ કામ હોઈ શકે, મનને શાંત કરે છે, ભલે ને પછી કચરો વાળવાનું કામ પણ કેમ ના હોય, એકાગ્રતાપૂર્વક થાય તો મનનો કચરોય સાફ થઈ જાય.
સતત પોઝિટિવિટીની વાતોથી મન સહેજપણ નેગેટીવી સહન કરી શકતું નથી. માણસ પોતાની જવાબદારીથી ભાગવાનું શરૂ કરે છે અને કહે કે નેગેટીવીથી દુર રહેવાનું. વધુ પડતા હકારાત્મક કે નકારાત્મક વિચારો નુકશાનકારક જ છે. બીજાને સમજાવવા માટે હકારાત્મક વિચારો ખરા સમયે સુજતા નથી. વાહનમાં પેટ્રોલ ન હોય અને સતત પોઝિટિવ વિચારો કે વાહન ચાલુ થઈ જશે તો એવા માણસને તમે શું કહેશો? મૂરખ.... કેમ? તમે વાસ્તવિક્તા ને મહત્વ આપ્યું છે. દરેક પરિસ્થિતિ હકારાત્મક કે નકારાત્મક હોતી જ નથી પણ અમુક વસ્તુ/વ્યક્તિ/ઘટના વાસ્તવિક હોય છે જેનો પહેલો ઉપાય ખાલી સ્વીકારનો જ છે. સ્વીકાર પછી જ અસલ ઉપાય મળે. કોઈને તાવ આવે ને પેરાસીટામોલ લઈ લેવાની કહેવું સહેલું છે ને ખુદને તાવ આવે ત્યારે વધારે ગોળીઓ ના લેવાય બસ આવા જ હકારાત્મક ને નકારાત્મક વિચારો વચ્ચે માનવમન ગુંચવાયેલ છે.
વધુ પડતા પ્રેરણાત્મક વિચારો, સતત નાસીપાસ કરે છે. એક ખૂબ જ સારું ઉદાહરણ આપું. ખૂબ પોઝિટીવી સાથે તમે કોઈ સારો પ્રોફાઈલ પિક્ચર અપલોડ કર્યો અને એના પર ઢગલો લાઇક્સ કે કૉમેન્ટ્સ આવ્યા. સતત મન ખુશ થઈ ગયું, વાહ... ચારેબાજુ વાહ વાહ એવા વિચારો, પાર્ટી ઘણીવાર હવામાં. કદીક ઊલટું ધાર્યા કરતાં લાઇક્સ કે કૉમેન્ટ્સ ઓછા આવ્યા. હવે શું? ફોટો બરાબર હશે ને, ઈન્ટરનેટ તો ચાલુ છે ને, પ્રાઇવેટ શેર નથી થયો ને. અહીં માણસ એક જ વસ્તુ ના કરી શક્યો, વાસ્તવિકતામાં ના રહી શક્યો. ચાર લાઈક આવે કે ચારસો આવે કેટલો ફરક પડવાનો. આ પોસ્ટનું ચાર દિવસ રહી કેટલું મહત્વ?
આ લેખ મારી અને આપની સમજણશક્તિ કેળવવા માટે લખાઈ ગયો છે બસ એટલું જ સમજો કે આ વાસ્તવિકતા છે...કોઈ ઉપદેશ કે સંદેશ નથી.
અંતિમ સ્પર્શ:
અભિમાન લાવશે પોઝિટીવિટી, હતાશા લાવશે નેગેટીવીટી,
સ્થાયી જો મન જીતવું તારે તો સ્વીકારવી પડશે રિયાલિટી.
- નિશાંક મોદી