Saturday, July 3, 2021

માઇક્રોફિક્શન વાર્તા: કોનું દુઃખ વધુ?

માઇક્રોફિક્શન વાર્તા: કોનું દુઃખ વધુ?

એક આખો પરિવાર થોડો નિરાશ થઈને બેઠો હતો. એક પારિવારિક મિત્રએ આવીને પૂછ્યું, "ખર્ચો વધુ થઈ ગયો એટલે બધા હતાશ છો!" પરિવારના મોટા સ્વજન બોલ્યા, "શું કરીએ આખાય પરિવારને આ કોરોનાએ ફેંટ મારી, બાર લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો, આખા વરસની કમાણી ચાર જણાં વચ્ચે પંદર દહાડામાં સાફ. ઘરે આવ્યા પછી આ નબળાઈ મળી એ નફામાં. કેટલું બધું ગુમાવ્યું...હિંમત, આત્મવિશ્વાસ, પૈસા, સ્વસ્થ શરીર..હતાશ ના થઇએ તો બીજું શું થાય..."

મિત્રએ એક છાપું આપ્યું અને કહ્યું આ સમાચાર વાંચો. વારાફરતી બધાએ એક તકલીફદાયક સમાચાર વાંચ્યા. જેમાં જન્મ લીધા બાદ એક બાળકના માતાનું કોરોનાના લીધે નિધન થયું હતું. મિત્ર બોલ્યા, હવે કહો, "આ બાળકે તમારા કરતા વધુ નથી ગુમાવ્યું! તમારી એક વરસની કમાણી કદાચ આગળના ચાર પાંચ કે દસ વર્ષમાં સરભર થઈ જશે. તમારું શરીર એકાદ વર્ષમાં પહેલા જેવું થઈ જશે. ગુમાવેલો આત્મવિશ્વાસ થોડાક સમયમાં હિંમત ભરી પાછો મળી જશે. આ બાળકે ગુમાવેલું પાછું મળશે? તમે આટલા વર્ષો સારી રીતે જીવ્યા, જ્યાં આખો પરિવાર પાછો ઘરે આવ્યો. આ બાળકે જન્મતા જ એક દિવસમાં સર્વસ્વ ગુમાવી દીધું. તમારા હાથમાં ગુમાવેલી વસ્તુઓના નિશાન તો છે જ્યાં આ બાળકની મુઠ્ઠી પણ હજી ખુલી નથી."

આ વાત સાંભળી પરિવાર થોડોક હકારાત્મક બન્યો ને 'સર સલામત તો પઘડી હજાર' એમ વિચારી ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યો...
✍️નિશાંક મોદી

માઇક્રોફિક્શન વાર્તા: હીરાનો હાર

એક વેપારી પોતાનો કિંમતી હાર લઈ સોનીની દુકાનમાં ગયો અને પૂછ્યું કે, "આ હારની કિંમત કેટલી?" સોનીએ હાર તપાસી કહ્યું કે, "આશરે ચાર લાખ રૂપિયા" વેપારીએ કીધું, "સારું પણ હમણાં મારે નથી વેચવો, થોડા દિવસ રહીને આવીશ"

થોડા દિવસ પછી વેપારી ફરી પહોંચ્યો. આ વખતે સોનીએ કિંમત નીકાળી "માત્ર પંચોતેર હજાર રૂપિયા" વેપારી ચમક્યો, "છેલ્લે તમે ચાર લાખ કીધા તાને?" સોની મલકાયો અને બોલ્યો, "છેલ્લે તમે આવ્યા ત્યારે આ હારમાં એક ડાયમંડ હતો, હાલ નથી, હવે માત્ર આ સોનાની કિંમત છે" વેપારી બોલ્યો "પણ આ બાકીના ડાયમંડ ની કિંમત શું?" 

જવાબ સાંભળી વેપારી અફસોસ સાથે બહાર નીકળ્યો અને હારને જોઈ રહ્યો જ્યાં બાકીના 'નંગ' ચમકી રહ્યા હતા.
✍️નિશાંક મોદી

Saturday, May 8, 2021

બ્લેકમાર્કેટનું કર્મ

આ પોસ્ટમાં લખેલ માઇક્રોફિક્શન વાર્તા મારી લખેલી નથી પણ બાળપણમાં આ સાંભળી હતી જેને હું મારા શબ્દોમાં રજૂ કરું છું.

વાર્તા: બ્લેકમાર્કેટનું કર્મ

બે બકરીઓ કસાઈવાડે પહોંચી. એક બકરી સખત ધ્રૂજતી હતી. બીજી બકરી શાંત હતી. ધ્રૂજતી બકરીએ પૂછ્યું, "આ કસાઈ હમણાં આપણને કાપી નાખશે અને આપણે મરી જઈશું, તને ડર નથી લાગતો?" બીજી બકરી બોલી, "મને આ કસાઈની ચિંતા છે" ધ્રૂજતી બકરી વિચારમાં પડી, "એટલે?" શાંત બકરીએ સમજાવતા કહ્યું, "આપણે આખી જિંદગી ખાલી ઘાસ ખાધું છે અને કોઈ જીવહત્યા નથી કરી, તો પણ આપણું મૌત આટલું દર્દનાક છે તો પછી આ કસાઈ શું થશે?"

બોધપાઠ: આજકાલ કાળાબજારી કરી રહેલા અને બીજાનો ફાયદો ઉઠાવતા લોકો કર્મનો સિદ્ધાંત ભૂલી રહ્યા છે પણ નિર્દોષ લોકોની થોડીક તકલીફ ભરેલું આ પિક્ચર એવા લોકોના ભવિષ્યનું એક માત્ર ટ્રેલર છે.
✍️નિશાંક મોદી

ટૂંકો લેખ: યે સમય બડા બલવાન હૈ ભાઈ

આજે અમદાવાદમાં ડ્રાઇવ-થ્રુ વેકસીનેશનમાં એક સો પચાસથી વધુ ગાડીઓની લાઇન છે, આવી લાઇન વર્ષો પહેલાં ડ્રાઇવ-ઇન થિયેટરમાં ટીકીટ લેવા માટે જોવા મળતી. આટલી મોટી કતારમાં ઉભા રહ્યા પછી પિક્ચરની ટીકીટ મળવી એ એક ઉપલબ્ધિ કહેવાતી. આજે એ હાથવગું થઈ ગયું તું, ચાર ક્લિક અને ટીકીટ બુક. જો કે બે વર્ષથી એ પણ જતું રહ્યું છે. વસ્તુઓ અને પરિસ્થિતિ કેટલી ઝડપી બદલાય છે.

પેટ્રોલપંપ પર મોબાઈલના રેડિયેશનના કારણે સ્વીચ ઓફ અથવા તો ના વાપરવાની સલાહ મળતી. હવે આજે તો પેમેન્ટ જ મોબાઈલથી ચાલુ થઈ ગયું. એક જગ્યાએ તો મેં પંપની બાજુમાં QR Code નું સ્ટીકર ચોંટાડેલુ જોયુ તું. તો શું સમય જતાં રેડિયેશન બદલાઈ ગયું કે પછી પેટ્રોલની જ્વલનશીલતા ઘટી ગઈ🤔

બે વર્ષ પહેલાં સેનિટાઇઝર, પલ્સ ઓક્સીમીટર, ઓકિસજન કોન્સન્ટ્રેશન મશીન આવી ઘણી બધી વસ્તુઓ જે મેડિકલ સ્ટાફ સિવાય કોઈને ખબર પણ નતી, આજે એ ઘરે ઘરમાં ઓળખાતી થઈ ગઈ. સામાન્ય તાવ, ઉધરસ, ખાંસી, પેટમાં દુખાવો, ઝાડાઉલ્ટી, ખંજવાળ જેવી વસ્તુઓ માટે હવે લોકો પણ ડોકટર જોડે જવાનું ટાળે છે. પ્રાથમિક સારવાર હવે મોટા ભાગે ઘરેથી જ થઈ જાય છે. નહિતર પહેલા લાલપીળી ત્રણ ચાર ગોળી લેવા માટે પણ કતારમાં બેસતા હતા.

હું પણ નથી ઈચ્છતો આ વેવ વધુ ચાલે, નહિતર છેલ્લા બે વર્ષમાં જન્મેલા બાળકોને એવું જ લાગશે કે દુનિયામાં કપડાંની જેમ માસ્ક પણ પહેરવાનો રિવાજ છે. બે ત્રણ વર્ષનું બાળપણ જો ઘરમાં જ જાય તો જાણે એવું લાગે કે ઘરની બહાર જવાનો કોઈ નિયમ નથી. અમે સ્કૂલમાં હતા ત્યારે પેલું CRTવાળું ટીવી પણ દૂરથી જોવાની સલાહ મળતી અને થોડાક સમય પહેલાં બાળકોને સ્કૂલમાંથી મોબાઈલ દૂર રાખવાની સલાહ અપાતી, હવે શિક્ષણ પદ્ધતિમાં મોબાઈલ અને કોમ્પ્યુટર જાણે ચોપડી કરતા પણ વધુ મહત્વના છે. તો શું વાયરસ આંખોમાં ચમક ભરી ગયો?

ધર્મસ્થાનો પર નિયમ મુજબ જવું અને ચુસ્તપણે પોતાના નિયમોનું પાલન કરવું. આજે ધાર્મિક સ્થાનો અને નિયમો બધું જ બંધ થઈ ગયું અથવા તો લોકોએ જાતે જ બંધ કરી દીધું જવાનું. વર્ષોથી એક વસ્તુ કહેવામાં આવે છે સગવડીયો ધર્મ. આપણે બધી જ વસ્તુઓ અને પરિસ્થિતિ માટે નિયમો બનાયા અને સમય જતાં એ નિયમો રિવાજ બની ગયા અને હવે આપણે જ આમાં ફેરફાર કરીએ છીએ અને વળી નિયમો બદલીએ છે. હકીકતમાં સમય બળવાન બની આપણને ફેરવે છે અને આપણને એવું લાગે છે ઘડિયાળના કાંટા ફરે છે. આજકાલ સમયે ઘણું બધું બંધ કરી દીધું, સગાંવહાલાંના ઘરે જવાનું, મૉલ, થિયેટર, પીકનીક, ટ્રાવેલિંગ, ઘણાના બેંક એકાઉન્ટ અને ઘણાંના તો શ્વાસ. બસ ખુલ્લા છે તો ટ્રાફિક વગરના રોડ, ખુલ્લી છે જરૂરિયાતની વેચાતી વસ્તુઓ, મેડીકલની દુકાનો અને ખુલ્લું છે એક આકાશ, જેમાંથી હજુ પણ એક આશા છે કે સમય હજીય ફરી બદલાશે અને ફરી પાછું બધું નોર્મલ થઈ જશે...કારણ સમય કાલે પણ બળવાન હતો, આજે પણ છે, કાલે પણ રહેશે અને આપણે એની આગળ તણખલું છીએ...🤗

✍️નિશાંક મોદી

Tuesday, May 4, 2021

ટૂંકો લેખ: જીવનનો અર્થવિસ્તાર

ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ;
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ

ઉપર રજૂ કરેલી કહેવત વર્ષો જૂની છે અને જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવ તો આના ઉપર અર્થવિસ્તાર ચોક્કસથી લખ્યો હશે. કદાચ નિશાળમાં આના પર અર્થવિસ્તાર લખવું અઘરું હતું અને સમજવું તો એનાથી પણ વધુ મુશ્કેલ. પાંચ ગુણમાં પુછાતા આવા ઘણા અર્થવિસ્તાર ગુજરાતીની પરીક્ષામાં આપણે છોડી દીધા હશે અથવા તો એનો બદલામાં અપાતો વિકલ્પ પસંદ કર્યો હશે.

હવે આજે વિચારીએ તો આના જેવા ઘણા અર્થવિસ્તાર જીવનની પરીક્ષામાં કામમાં લાગે એવા છે. જયારે વાંચીએ ત્યારે એમ થાય આપણે આ વાક્યોને પરીક્ષા પૂરતા જ સીમિત રાખ્યા હતા હકીકતમાં આ આખા જીવનમાં ખૂબ ઉપયોગી હતા. આનો અર્થ ટૂંકમાં સમજીએ તો ગુમાવેલી સંપત્તિ પાછી મળી શકે છે, દૂર સુધી ગયેલા વહાણ પાછા ફરી શકે છે, બસ ગુમાવેલો સમય પાછો મળતો નથી અને ગુમાવેલો જીવ પણ પાછો મળતો નથી.

બીજા અર્થમાં કહીએ તો સંપત્તિ ગુમાવવાનું દુઃખ ન કરવું, વધુ પરિશ્રમ અને સારા વિચારો સાથે માલ મિલ્કત ફરી કમાવી શકાશે. કઈક વસ્તુ ગુમાવી હોય તો પાછા મળવાની શકયતા છે એટલે આશા ન છોડવી. બસ જે શક્ય નથી પાછું આવવાનુ એટલે કે સમય એનો અફસોસ મનાવવાની જરૂર નથી અને ગુમાવેલા સ્વજનો જેણે જીવ છોડી દીધો છે એમને યાદમાં રાખી બાકીનું જીવન આગળ વધારવાનું છે.
✍️નિશાંક મોદી

Thursday, April 29, 2021

માઇક્રોફિક્શન વાર્તા: કફન

જગ્યાના અભાવે એક વીઆઇપી માણસને બીજા એક મધ્યમ વર્ગીય વ્યકિત સાથે સેમી ડિલક્ષ રૂમ શૅર કરવો પડ્યો. વીઆઇપી માણસ પેલા વ્યક્તિને જોઈ મોં ફેરવી લેતો એને કોમન બાથરૂમ વાપરવો ન ગમતો. વારંવાર ફરિયાદ કરે કે સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરો. હોસ્પિટલનો સ્ટાફ કહે ભાઈ તમને આવી પરિસ્થિતિમાં ઓકિસજનવાળો બેડ મળ્યો છે એનો આભાર માનો ને ક્યાં આવી માનસિકતા રાખો છો. એ જ રાતે વીઆઇપી માણસ શાંતિથી સૂતો હતો, ઊંઘમાં ને ઊંઘમાં ઓકિસજન માસ્ક સહેજ ખેંચાઈ ગયું અને હાથમાં લગાવેલું મશીન બીપ બીપના અવાજની ગુંજી ઉઠ્યું. રાતનો સમય અને સ્ટાફ પણ પુરા દિવસના થાકથી સુઈ ગયો તો. પેલો મધ્યમ વર્ગીય વ્યક્તિ જાગ્યો અને દોડીને બ્રધરને બોલાવી આવ્યો. અને એણે તરત જ માસ્ક લગાવી દીધું અને વીઆઇપી માણસ તડપતા તડપતા શાંત પડ્યો.

સવારે ઉઠીને પેલા મધ્યમ વર્ગીય વ્યક્તિનો આભાર માન્યો અને પૂછ્યું કે તમને એમ ના થયું કે આ માણસ આટલો ખરાબ વ્યવહાર કરે છે મરવા દો... મધ્યમ વર્ગીય વ્યક્તિ બોલ્યો, 'મારો ધંધો કફન વેચવાનો છે, છતાંય હું કદીય ઈચ્છા નથી રાખતો કે લોકો મરે અને મારો ધંધો વધુ વિકસે.' વીઆઇપી માણસ એટલું જ વિચારતો રહી ગયો કે કફનમાં ક્યાં કોઈ વીઆઈપીનો ટૅગ હોય છે....
✍️નિશાંક મોદી

Tuesday, April 20, 2021

સંપૂર્ણ સત્ય ઘટના: રંગાઈ ગયા તા રંગમાં

સંપૂર્ણ સત્ય ઘટના: રંગાઈ ગયા તા રંગમાં

માર્ચ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ સતત ધ્યાન રાખ્યું પણ જાણે કોરોના નું વર્ઝન ૨.૦ આપડી રાહ જોઈ બેઠું હોય એમ લાગ્યું. આમ તો કદીય કોઈને એપ્રિલ ફૂલ બનાવ્યા નથી પણ આ મહિનો એટલે કે એપ્રિલ ૨૦૨૧ની શરૂઆતમાં જાણે કોરોના એ નાકમાં ચુપકેથી કહી દીધું....થપ્પો...રવિવાર રાત સુધી કઈ જ નહીં અને સોમવારે સવારે ઉઠો તો કમરમાં દુખાવો, ઝરતું નાક, ખોખરા ખાતું ગળું, ફેફસાં ફાડી દે એવી ઉધરસ, શરીરને અડો તો ધગધગતો તાવ, અને કપાળમાં જાણે વજનીયા મુક્યા હોય એવો ભાર. 

છેલ્લા વીસ વર્ષમાં સામાન્ય તાવ પણ આવ્યો નતો એટલે લાગ્યું કે કંઈક અજુગતું છે. લોકોના અભિપ્રાયો અને ઈન્ટરનેટની હોશિયારી થી અડધા ડોકટર તો થઈ જ ગયા (કહેવા પૂરતા જ હો), અડધો કલાકમાં મેં જાતે જ ડાયજ્ઞોસીસ કરી લીધું કે આપણે કોરોના ના રંગમાં રંગાઈ ગયા છે. ખાતરી કરવા વિચાર્યું કે નજીકના ડોમ સેન્ટર પર જઈ આવીએ. હજુ તો ડોમ ખુલ્યું જ ન હતું ત્યાં તો પચીસ ત્રીસ જણા પહેલેથી જ ઉભા હતા. દસ વાગ્યાના ધોમધખતા તાપમાં (ભાઈ અમદાવાદમાં ગરમી લાગે હો) આપણો નંબર લાગવાની રાહ જોવા માંડ્યા. વારો આવે એ પહેલાં તો કોઈક ની જોડે વાત કરવા ખ્યાલ આવ્યો કે RT-PCR જ કરાવી લ્યો ને. કતાર અને નંબર છોડી લેબમાં પહોંચ્યા. આપણે રડીએ એ પહેલાં જ લેબવાળો રડવા માંડ્યો. કાલના નવસો સેમ્પલના રિઝલ્ટ જ નથી આવ્યા. આજે માણસ નથી આવ્યો. હમણાં નહિ થાય. બીજા ડોમ તરફ પ્રસ્થાન થયું. લાંબી લચક લાઇન જોઈ એમ થયું કે ઘરે વળી જઈએ પણ પછી વિચાર આવ્યો કે રેશનિંગની લાઇન હોય કે એરપોર્ટ પર સિક્યુરિટી ચેક, નંબર જલ્દી આવી જ જાય. ફરી તડકાની મજા લેવા બેઠા.

બસ વારો આવવાનો જ હતો ને ત્યાં PPE કીટ પહેરેલો માણસ જ બહાર આવ્યો માણસો ગણવા બેઠો. આપણી બે નંબર પહેલા જ રોકી દીધા અને કીધું કે બાકીના બપોર પછી, કીટ ખલાસ થઈ ગઈ છે.  કીટ બાબતે રકઝક કરવામાં ક્યાં મજા હતી. નીકળ્યા ત્રીજો ડોમ ગોતવા. બે કલાકના અથાગ પ્રયત્ન બાદ માંડ નંબર લાગ્યો. ફોર્મ ભરાવ્યું, એક ડગમગતી પ્લાસ્ટિકની ખુરશીમાં માથું લંબાવ્યું. દાઢી કરાવવા જઈએ એના કરતાંય વધારે પાછું કરવાનું, સહેજ પાછળ હોત તો એવું જ લાગે ગબડી જાત. એક સળકડી નાકના બંન્ને ભૂગળામાં વારાફરતી નાખી, હાથની મજબૂત મુઠ્ઠી એ ટેસ્ટ કરનારને તકલીફ ના પડવા દીધી પણ આંખોમાંથી પાણી નીકળી ગયું. કદાચ પહેલીવાર એવું લાગ્યું કે આંખમાંથી નીકળતું પાણી દર વખતે ખારું નથી હોતું.

છેલ્લે આમ તો પ્રેગ્નન્સી ટેસ્ટ વખતે બે લાઇન જોઈને મન ખુશ થઈ ગયું હતું પણ આજે આ કિટમાં બે લાઇન જોઈને એટલું જ દુઃખ થયું.   ઓલા લોકો કનર્ફમ કરે એ પહેલાં આપડે જ કર્નફમ કરી દીધું...પોઝિટિવ ને? કીધું તું ને નામના અડધા ડોકટર. પુરાવાના ફોટા પાડી, ખિસ્સામાં દવાના પડીકા ભેગા કરી, જાન ઘરે આવી. આપણે તો ટેન્શનમાં હતા હવે બીજાને પણ સમાચાર આપવાના હતા. સાંભળી બધાના મોતિયા મરી ગયા. હોમ કોરોન્ટાઇનનું ખરું પાલન ચાલુ થયું.

વારંવાર તાવની તપાસ, ઓક્ઝિમીટરના ઉતારચઢાવ હૃદયના ઉતાર ચઢાવ સાથે મેચ થવા લાગ્યા. છેક ૯૧ સુધી SPO2 જઇ આવ્યું, મન  મનાવવા સેલ બદલી નાખ્યા. જીવનમાં બધું પહેલી થી જ વસાવી લેવાની આદત આજે કામમાં લાગી, ખરા સમયે ગોતવા ના નીકળવું પડે, એ વાત યોગ્ય લાગી. બધી જ વસ્તુઓ ઘરમાં હતી.

પહેલો દિવસ તો વીતી ગયો. વાસણ, કપડાં જાતે કરવાની ખરેખર તો મજા પડી. કદાચ કુદરત માણસને પાંગળો કરી દે કે જેથી કદીય અભિમાન ન કરી શકે. દરવાજાને હાથ લગાવવામાં પણ જો વિચાર આવે તો માનસિક પરિસ્થિતિ કેવી હશે તે સમજી શકાય. એક તરફ પોતાની તકલીફ સાથે ઘરમાં કોઈને ફેલાય નહિ એની ચિંતા સાથે પ્રથમ દિવસ પૂર્ણ થયો.

બીજા દિવસે સગાસંબંધીઓ અને મિત્રોના મેસેજ, ફોન કોલ્સ ની વણઝાર, બધાનો એક જ સવાલ ક્યાંથી લઈ આવ્યા. જવાબ પણ એક જ ખબર નહિ. આવા સમયે બધા સલાહ સુચન આપે પણ ગમે જ નહીં. કોઈ ખોટા નથી હોતા બધાને લાગણી હોય એટલે જ તો વાત કરે નહિતર હશે આપડે શું કહી છોડી ના દે. બોર્ડની એક્ઝામ યાદ આવી ગઈ જ્યારે બધા કહે આમ કરજે આમ નહિ, અને મને પણ લાગ્યું કે બોર્ડની એક્ઝામ કરતા આ પરીક્ષા થોડીક ભારે છે.

થોડા રિપોર્ટ કરાવ્યા, પ્રમાણમાં સારા આવ્યા પણ તાવ ૧૦૧ નો ચાંલ્લો છોડવા તૈયાર જ નતો. સાડા છસો મિલિગ્રામ ની પેરાસીટામોલ લઈએ તો સેન્ચુરી સુધી માંડ પહોંચે. સાંજે મસ્ત મજાના થેપલાં ખાધા પણ સ્વાદ ન આવ્યો. તરત લાઈટ થઈ ગઈ કે બોસ ટેસ્ટ ગયો. કમ્ફર્મ કરવા નાકે સૌથી સ્ટ્રોંગ ટાઇગર બામ ઘસ્યું, લાય તો જબરજસ્ત બળી પણ સુંગધ ના આવી. કોમન સેન્સે જાહેરાત કરી કે બોસ, પાંચમાંથી બે સેન્સ હાલ રજા પર ઉતરી ગયા છે.

લોકોને ઘણા સારા નરસા અનુભવો થયા હશે પણ મને તો લાગ્યું કે કોઈએ સાથ નથી છોડ્યો. ઘરના હોય, મિત્રો, સગાંસંબંધીઓ બધાય મદદ કરી, હાલચાલ પૂછ્યા, સૌથી મહત્વની વાત હિંમત અકબંધ રાખી. બે દિવસના પુરા થાક સાથે દિવસનો અંત થયો અને ત્રીજા દિવસની શરૂઆત થઈ.

સવાર પડતાં જ મોકાણ ચાલુ થઈ ગઈ, બોડી ટેમ્પરેચર ૧૦૨.૫ મનમાં કીધું આજે આપડે ગયા. નબળાઈ વધતી ગઈ, બે દિવસની દવા પછી આજે એસીડીટી ઉપડી. ટેસ્ટ પાછો ન આવ્યો એટલે ખાવામાં મજા બંધ થઈ ગઈ, ખોરાકના ડૂચા મારતા હોય એવું લાગે. માંડ થાળી પુરી કરી અને બે ઉલટી એ બધું બહાર. મગજ પણ કંટ્રોલમાં નહિ, બે ચાર જના ને ફોન કરી હોસ્પિટલાઈઝ થવાની તૈયારી રાખી. અડધો કલાક રાહ જોઈ અને પ્લાન મોકૂફ રહ્યો. ઘરમાં બીજાને ખાંસી ખાતા જોઈ માહોલ થોડો ડરવાનો લાગ્યો. 

ચોથા દિવસે સતત તાવના ઉતારચઢાવ સાથે કહી ના શકાય તબિયત કેવી છે. કારણ એક જ થોડીક વાર સારું લાગે અને ઘડીકમાં બેચેની વધી જાય. બધું જ સમજી શકાય પણ સતત મનમાં ભય રહ્યા કરે અને કઈ જ કામ કરવાનું મન ના થાય. ટૂંકમાં કહીએ તો જાણે આપણું શરીર બીજા કોઈએ કાબુ કર્યું હોય એવી ફિલિંગ આવ્યા કરે.  નિર્ણયશક્તિ બહુ જ નબળી અને જાણે એમ લાગે કે આત્મવિશ્વાસ શૂન્ય સ્તરે પહોંચી ગયો હોય. તાવ, ઉધરસ એ બધા કરતા આ સ્વાદ વગરનું ખાવાનું મનને ય મારી નાખે. મારા અનુભવ પરથી લાગ્યું કે જો સ્વાદ ના જાય તો માણસ ખાવાનું ખાઈને જ જલ્દી સ્વસ્થ થઈ જાય. રાતના ૧૧ વાગ્યાનો સમય, અચાનક તાવ ૧૦૩.૫ અને અસહનીય, દાખલ થવાની પરિસ્થિતિ આવી, એક બહુ જ નજીકના સગાંવહાલાંની મદદથી માંડ ૧ બેડની વ્યવસ્થા થઈ, બે ખાસ મિત્રો ૧ ફોન કોલમાં દોડી આવ્યા. બધાની મદદથી હોસ્પિટલમાં એડમિટ થયો. મેડિસિન અને ઇન્જેક્શનના કોર્સ ચાલુ થયો.

પાંચમા દિવસની શરૂઆત હોસ્પિટલમાં જ થઈ. બ્લડ સેમ્પલ લીધા, રિપોર્ટ થોડાક ખરાબ આવ્યા. એક દિવસ કોઈ જ ફરક ના પડ્યો, ઉપરથી આખો રૂમ ખાલી એટલે દ્રશ્ય વધારે ડરામણું લાગે. સ્ટાફ પણ ઓવરલોડેડ એટલે એ લોકો પણ જલ્દી પહોંચી વળે. વાંક કોઈનો નહિ બસ આપણી પરિસ્થિતિનો જેમાં આપણે સતત ચિંતામય રહીએ. જેમતેમ કરી દિવસ નીકળી ગયો અને રાત પણ.

છઠ્ઠા દિવસની શરૂઆત એક ખૂબ જ પોઝિટિવિટી સાથે થઈ, એક તરફ કેરલાઇટ્સ ક્રિચસન વ્યક્તિ (ફેબિનભાઈ) જે હોસ્પિટલ સ્ટાફ ના ઇન્ચાર્જ હતા અને ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા હતા. એમના એક અવાજ પર દરેક વસ્તુ હાજર થઈ જાય પછી એ દવા હોય, ઇન્જેક્શન હોય કે નાસ્તો કે લિકવિડ ડાયટ. ગર્વમેન્ટ ની ડિમાન્ડના કારણે હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને પ્રિ/પોસ્ટ ઓપરેશન એરિયાને કોવિડ વોર્ડમાં રૂપાંતર કર્યા છે. મારી સાથે રહેલા બંન્ને પેશન્ટ માં અજીબ પોઝિટિવિટી જોવા મળી. ફેબિનભાઈનો કામ પ્રત્યે લગાવ જોઈ એવું લાગે કે સતત કામ કરનાર પોતાની જાતમાં જ ખુશ રહી શકે અને બીજાને પણ હકારાત્મક અભિગમ તરફ લઈ જાય. બીજી તરફ ડોકટર્સની મહેનત, દવા, ઇન્જેક્શનમાં ફેરબદલ થી થોડોક બદલાવ આવવા લાગ્યો. બસ આ અશક્તિના લીધે થોડું મન નબળું લાગે. સાંજ પડતા એક ખરાબ સમાચાર મળ્યા, મમ્મીનો RTPCR પોઝિટિવ આવ્યો. ચિંતા ફરી વધી. પણ ફેવર ૯૯ ની આસપાસ રહેતો અને ઓક્સિજન પણ ઉંમર પ્રમાણે યોગ્ય હતું. સાચું ખોટું ખ્યાલ નહિ પણ મારું અંગતરૂપે માનવું છે કે કોવિશિલ્ડનો એક ડોઝ કદાચ પ્રોટેક્ટ કરી ગયો અને એમની પણ એન્ટિબાયોટિક દવા ચાલુ થઈ ગઈ. મારુ SPO2 નું ઘટતું પ્રમાણ, ઓકિસીજનનો બાહ્ય સપોર્ટ લેવાની ફરજ પડી. જે વસ્તુની આટલી નાની ઉંમરમાં આશા નતી રાખી એમ જ બની. કોરોનામાં આમેય ક્યાં કોઈનું ધાર્યું થયું છે, એટલે આય સ્વીકારી લીધું. લખાણમાં હિંમત દેખાતી હશે પણ મન તો મારું પણ સતત ભયમાં રહેતું.

સાતમો દિવસ રવિવાર, આખો દિવસ નોર્મલ ગયો, ફોન કોલ્સ ઘટી ગયા, તબિયતમાં પણ બહુ ઉતાર ચઢાવ નહીં, બે દિવસથી માઇનોર ડોઝના સ્ટીરોઈસના ઇન્જેક્શન પણ ચાલુ થઈ ગયા. જમવામાં પણ થોડોક ફરક લાગ્યો, ટેસ્ટ નથી આવ્યો પણ કદાચ બોડી એડજસ્ટ કરી લીધું એવું લાગ્યું. ઓકિસજન નો સપોર્ટ પણ હટી ગયો. રવિવારે ડિસચાર્જ લઈ ને ઘરે આવ્યો. સગાંવહાલાં, મિત્રો, સ્નેહીજનો, ડૉક્ટર, નર્સિંગ અને હોસ્પિટલ ના સ્ટાફની મદદ અને કોઈ એકાદ કરેલા સારા કર્મના ફળ રૂપી જીવનમાં ફરી શ્વાસ લેવાની ઉજ્જવળ તક મળી છે. શરીરમાં થોડીક નબળાઈ છે પણ લગભગ એક બે અઠવાડિયામાં એ પણ આ શરીર જોમજુસ્સા સાથે ફરી ઉભું થઈ જશે. 

મારા જીવનના આ કપરા કાળ દરમ્યાન જે કોઈ વ્યક્તિ એ મારી સાથે વાત, ચેટ કે કોલ નો પ્રયાસ કર્યો હતો એમને હું કદાચ ઉત્તર આપી શક્યો નથી. બસ સમજજો કે હું માત્ર થોડા દિવસ મારી જાત પાછળ ખર્ચી ગયો.🙏 હજુ પણ જીવન ને પાટા પર આવતા વાર લાગે એમ છે પણ શરૂઆત થઈ ચૂકી છે.

અંતિમ સ્પર્શ:
ક્ષણે ક્ષણે મરી, ફરી જીવંત રહેવાની આશ ભરી આવ્યો છું,
વર્ષોથી ગૂંગળાયેલ ઉચ્છવાસ ત્યજી, નવા શ્વાસ ભરી આવ્યો છું.
✍️નિશાંક મોદી

Sunday, March 7, 2021

ટૂંકો લેખ: હૅપ્પી વિમેન્સ ડૅ- ૨૦૨૧

International Women's Day

ટૂંકો લેખ: હૅપ્પી વિમેન્સ ડૅ- ૨૦૨૧

પૃથ્વી ઉપર જો સ્ત્રીઓનું મહત્ત્વ સમજવું હોય તો કદાચ ભગવાન શ્રીકૃષ્ણના જીવનયાત્રા પર આપણે નજર નાખવી જોઈએ. કદાચ આ લેખ પરથી આપણે પુરુષના જીવનમાં સ્ત્રીઓનો ફાળો સમજી શકીએ...

જન્મ દેનાર સ્ત્રીનું રૂપ: દેવકી
બાળકનો જન્મ થાય તો માતા ખુશ થાય છે પણ ભગવાનને જન્મ આપનાર એક મા કેટલી ખુશ અને ખુશનસીબ હશે એ તો એ સ્ત્રી જ જાણી શકે જેણે ઈશ્વરને જન્મ આપ્યો હતો. સામે પુરુષરૂપી કૃષ્ણને પણ જન્મ લેવા એક કૂખની જરૂર પડી હતી બાકી સ્ત્રી રૂપી સીતા વગર કૂખે ધરતીમાંથી જન્મ લઈ શકી હતી.

પાલન કરનાર સ્ત્રીનું રૂપ: જશોદા
પોતાના મુખમાં જે કૃષ્ણ આખું વિશ્વ સમાવી શકે એને ઉછેર માટે એક સ્ત્રીની જરૂર પડી? મા ના વ્હાલ વગર દરેક બાળક અનાથ જેવો છે અને વળી એક મા થી બીજી મા સુધી પહોંચવામાં પણ એક નદી કારણભૂત હતી અને એ યમુના પણ એક સ્ત્રી કે દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

નામ વિનાના સંબંધનું બનેલું સ્ત્રીનું રૂપ: ગોપીઓ
કૃષ્ણ અને ગોપી વચ્ચે ના તો મૈત્રીનો સંબંધ હતો કે ના કોઈ પ્રેમનો. એમની વચ્ચે જે સંબંધ હતો એ કદાચ લાગણીનો જ હશે. વૃંદાવનમાં જે કૃષ્ણને રાસલીલામાં મંત્રમુગ્ધ કરી દે એ જ ગોપીઓને કૃષ્ણ ચીર ચોરી પરેશાન કરે અને તોય એમને માફ કરી દે એવી સ્ત્રીઓ વિના કૃષ્ણનું જીવન અધૂરૂ જ હોત.

પ્રિયતમા બનેલ સ્ત્રીનું રૂપ: રાધા
બધું પામેલ કૃષ્ણને કદાચ પૂછવામાં આવે કે ગુમાવેલી વસ્તુઓમાં પાછું શું જોઈએ છે તો જવાબ આમ હોત "મારી રાધા અને વાંસળી" ભગવાન શ્રી કૃષ્ણ, રાધા અને વાંસળી આ બંન્નેથી વિખુટા ન પડ્યા હોત તો સહેજ પણ દુઃખી ના થાત. નફરતોથી ભરેલ એક એવું કુરુક્ષેત્ર જીતનાર, કદાચ માણસ વિરહ પછી પ્રેમમાં હારી ગયો.

પત્ની બનેલ સ્ત્રીનું રૂપ: રૂકમણિ
એક અધૂરા છૂટેલા પ્રેમીને કોઈ પત્ની જીવનમાં સાથ આપી દે તો પછી ભગવાનનો ખુદનો પૃથ્વી પરનો ફેરો સફળ થઈ જાય. કૃષ્ણ જોડે ભલે રાધાનું નામ જોડાયેલું હોય પણ જીવન તો રૂકમણિ સાથે જ જોડાયેલું હતું.

ભક્તિ કરનાર સ્ત્રીનું રૂપ: મીરાંબાઈ
કવિયત્રી અને ભક્ત તરીકે કોઈની જ્યારે પણ વાત થાય તો એમાં મીરાંબાઈ નામ મોખરે જ હોય. ભજન અને ભક્તિનો લગાવ એવો કે ત્યાગ ઉજાગર કરવામાં પણ સ્ત્રી પાછળ ના રહી શકે. એની સાબિતી એટલે મીરાં.

બહેન બનેલ સ્ત્રીનું રૂપ: સુભદ્રા
હાથની કલાઈ પર જો એક રાખડી ન હોય તો પુરુષનું જીવન જાણે વ્યર્થ બની શકે. રક્ષણ આપવાની શરત સામે ખુદ ભાઈનું રક્ષણ કરી દેતા દોરામાં કદાચ તાકત ભરવા માટે સ્ત્રીની જરૂર પડે છે.

સખી રૂપી સ્ત્રીનું રૂપ: દ્રૌપદી
ભાઈ, પિતા સમાન લોકો, પતિ, સગાસંબંધી બધા હાજર હોય પણ જ્યાં વિશ્વાસ કરવાની વાત આવે ત્યાં એક સ્ત્રી એક સખાને પણ યાદ કરવામાં ખચકાતી નથી. સ્ત્રીનો વિશ્વાસ જીતવો અઘરો છે પણ જીતી ગયા તો મુસીબતના સમયે ભગવાનને પણ મદદે આવવું પડે છે.

સગાંવહાલાં રૂપી સ્ત્રીનું રૂપ: કુંતી
આમ તો સંબંધમાં કૃષ્ણના ફોઈ થાય પણ એક બાળક તરીકે રાખે, સલાહ સુચન લે અને આપે. અર્જુનને કુરુક્ષેત્ર સુધી જીતવાનો રસ્તો ભલે કૃષ્ણએ આપ્યો પણ ત્યાં સુધી પહોંચવા માટે બે સ્ત્રીઓ જ કારણભૂત હતી. એક દ્રૌપદી અને બીજી કુંતી.

નાશ કરવા શક્તિ બનેલ સ્ત્રીનું રૂપ: ગાંધારી
એક મહાન સર્જનહાર કરનાર સ્ત્રી જેટલી સબળા છે એટલી જ વિનાશકારક પણ છે. એની વિનાશકતા એટલી મજબૂત હતી કે એક શ્રાપ થકી કૃષ્ણના યાદવકુળનો નાશ કરી દીધો અને જે પરમેશ્વર કૃષ્ણ આખું જગત જીતી બેઠો હોય અને જેની જોડે સ્ત્રીનું દરેક રૂપ જોડાયેલું હોય એ અંતે ભાલકાતીર્થમાં એકલવાયું મોતને વ્હાલું કરી બેસે.

કદાચ કૃષ્ણના અંતકાળ દરમ્યાન આટલા બધામાંથી કોઈ એકાદ સ્ત્રી ત્યારે હાજર હોત તો કૃષ્ણ આજે પણ આપણી જોડે ઈન્ટરનેશનલ વિમેન્સ ડૅ ઉજવી રહ્યા હોત....

અંતિમ સ્પર્શ:
સર્જન કરું, વિનાશ નોતરું, પુરુષ સાથે સંકળાયેલી વાત રાખું છું,
મારું અસ્તિત્વ એક સ્ત્રીનું, પ્રેમની સાથે અનેક ઝંઝાવાત રાખું છું.
✍️નિશાંક મોદી
તા. ૦૮-૦૩-૨૦૨૧

Pic Creation: Nishank Modi using Stickers of PicsArt App

Sunday, February 28, 2021

ટૂંકો લેખ: જિંદગી એક સફર હૈ સુહાના

હાલ સોશિયલ મીડિયામાં એક સ્વાભિમાની દીકરીના લગ્નજીવનની નિષ્ફળતા બાદ આત્મહત્યાનો વિડીયો ચર્ચામાં છે. વિડીયોની શરૂઆત જોતા એમ લાગે કે જાણે કે કોઈ વ્યક્તિ એક સફરની વાત રજૂ કરવાની હોય પણ હકીકત એ નીકળે કે જ્યાં સફરનો અંત રજૂ થાય ને ઘટના દર્દનાક મળે. મૃત્યુ પહેલા જો કોઈ હસીને ખુલ્લા મને વાત કરી શકતું હોય તો એ મોતને આટલું સરળતાથી કેવી રીતે વ્હાલું કરી જાય. પોતાને માફ કરવાની અને બીજાને માફી આપવાની વાત આટલી જો સહજતાથી કહી શકાય તો પછી મૃત્યુ ને ગળે લગાવવાની હિંમત ક્યાંથી મળે. માણસ જ્યારે પોતાના લોકોથી હારે છે ત્યારે વધુ દુઃખી હોય છે. પ્રેમ આપી દેનાર જો પ્રેમ ના પામે તો પરિણામ પીડાદાયી નીવડે છે.

સોશિયલ મીડિયામાં એક વર્ગ ન્યાયાધીશનો પણ હોય છે. જે નામ, ચહેરો, વિસ્તાર પરથી પોતાનો ન્યાય અને સલાહ સૂચનનો વણઝાર કરી દે છે. આમ કરવાનું હતું, આમ નતું કરવાનું, જિંદગી સરળ હોય છે, ગુનેગારને ફાંસી આપો, મા બાપનો વિચાર કરવો હતો વગેરે વગેરે...આટલા વર્ષે પણ માણસ એ સમજી શકતો નથી કે બીજાના માપનું જુતું આપણને ફિટ ન થાય. દરેક વ્યક્તિની પરિસ્થિતિ, મનની ક્ષમતા, પારિવારિક માહોલ, માનસિકતા, સમય જુદો જુદો હોય છે. જ્યારે નિર્ણય પોતાના માટે લેવામાં આવતો હોય ત્યારે કોઈ સલાહ લેતું નથી બીજા માટે સલાહ આપવા લોકો સતત તત્પર રહે છે.

બનેલી ઘટના કોઈ બદલી શકતું નથી પણ ઘટનાનું પુનરાવર્તન ચોક્કસ બદલી શકાય છે. ઘણા હસતા ચહેરા હૃદયના એક ખૂણામાં દર્દ લઈ ચાલી રહ્યા હોય છે જેને આસપાસના લોકોએ જ સમજવું પડે. માણસ ખુદ લડતા લડતા થાકી જાય એટલે છોડી દે છે પછી એ હઠ હોય, પ્રેમ હોય, નફરત હોય કે પછી જીવન. આસપાસના લોકોને આવા માણસોની અવર્તનિય પરિસ્થિતિને સમજવી પડશે. બાકી બીજાને લીધે દુઃખી થનાર પોતાનું જીવન ટૂંકાતા વાર નહિ કરે. ઘણીવાર માનસિક પરિસ્થિતિ ઉપર લાગણીઓ હાવી થતી જોવા મળે તો ચિકિત્સકની સારવાર પણ જરૂરી છે. શરીરમાં દર્દ ઉઠે તો દવા લેતા માણસ ખચકાતો નથી તો પછી મગજ કે મનમાં દર્દ ઉઠે તો દવા લેતા માણસ કેમ ખચકાય છે. મગજ કે મન પણ શરીરનો એક ભાગ જ છે જે આપણા વિચારો પર કાબુ રાખે છે અને આ વિચારો આપણી નિર્ણયશક્તિ પર.

હસતા હસતા સરળ શબ્દોમાં સૌને માફ કરવાની સાથે પોતાના જીવનને ટૂંકાવી દેનાર એક વ્યક્તિ થોડાક કચાશ ભરેલા શબ્દોમાં કહી ગઈ કે જાણે માણસ જાત પર ભરોસો જ નથી. આવી પરિસ્થિતિ માટે આપણે અને આપણો સમાજ જ જવાબદાર હોય છે. કદાચ એ નાજુક પળ ટળી જાત તો પરિણામ જુદું હોત અને કોઈને દુઆમાં યાદ કરવાની જગ્યાએ વ્યક્તિ ખુદ અલ્લાહ જોડે બીજા માટે દુઆ કરી રહી હોત અને એક નદી જેને આપણે મા કહીએ છીએ એ ક્યારેય વ્યક્તિને સમાવી ના લેત અને જે પિતા સમાન પવનમાં ઉડવાની વાત હતી એમાં આજે પણ કોઈ એક વ્યક્તિની સુંગંધ હોત....

અંતિમ સ્પર્શ:
જી ભર કે જીનેવાલે કી જિંદગી ફિર એક ખ્વાબ હોતી હૈ,
જબ થક જાતી હૈ યે જિંદગી, તબ મૌત મુબારક હોતી હૈ...
✍️નિશાંક મોદી

Sunday, February 14, 2021

માઇક્રોફિક્શન વાર્તા: 🌹એક જોડી ગુલાબની🌹

બે જુદી ડાળખી પર ઉછરેલા પણ પાસે રહેલા બે ગુલાબ જ્યારથી કળી હતા ત્યારથી સાથે હતા. નસીબ એટલા સારા કે માળી દ્વારા ચૂંટાયા પછી પણ એક જ ટોકરીમાં ભેગા રહ્યા. વેચાણ સુધી વાત ગઈ તો પણ સાથે એક જ ફ્લોરિસ્ટ જોડે પહોંચ્યા. અચાનક એક વ્યક્તિ આવી, પૈસા ચૂકવી એક ગુલાબ લઈ ગયું. વિદાય વેળાએ જાણે એક ગુલાબ બીજા ગુલાબને કહી રહ્યું હોય કે, 'હેપ્પી વૅલેન્ટાઈન્સ ડે.' જવાબ મળે કે ન મળે એ પહેલાં મોહબ્બતના સુગંધિત પુરાવા છુટા પડ્યા.

બીજું ગુલાબ સાંજ સુધી ન વેચાયું. પણ સાંજે એક જણ આવી લઈ ગયું. બન્ને ગુલાબમાં સુગંધ તો રહી હતી પણ સાથે સાથે એક ખાલીપો હતો. પણ પહેલા કીધું એમ નસીબ એટલા સારા હતા કે ગુલાબો ખરીદનાર બંન્ને વ્યક્તિ પોતે જ પતિ પત્ની નીકળ્યા. રાતે બેડરૂમમાં ગુલાબોની આપ લે થઈ. અંતે બેડરૂમમાં બે જોડી ગુલાબની હતી અને દરેક ગુલાબ બીજા ગુલાબને કહી રહ્યું હતું કે, 'હેપ્પી વૅલેન્ટાઈન્સ ડે.' બધા જવાબ મળી ગયા ને મોહબ્બતના પુરાવા મહેકવા લાગ્યા...
✍️નિશાંક મોદી

Saturday, February 13, 2021

માઇક્રોફિક્શન વાર્તા: આઈ લવ યુ😍, આઈ કૅર યુ🤗

માઇક્રોફિક્શન વાર્તા: આઈ લવ યુ😍, આઈ કૅર યુ🤗

વેલેન્ટાઇન ડે ની સવારમાં એક પ્રેમીયુગલ એકબીજાના આલિંગનમાં હતા. કદાચ આગલી મધરાતે પ્રેમપર્વનું વિશ (વિષ નહિ) થઈ જ ચૂક્યું હશે પણ જ્યાં સુધી હાથમાં હાર્ટશેપવાળી વૅલવેટ કૅક, લાલ ગુલાબના ફૂલ, એક સુવાક્ય લખેલું ઓશીકું અને વિલ યુ બી માય વેલેન્ટાઇનના શબ્દો ના હોય તો આ ઉજવણી એવી લાગે કે જાણે કે ફટાકડા વગરની દિવાળી. ઉત્સાહથી ભરપૂર નવયુવાન પોતાની પત્ની કે પ્રેમિકાના ઘૂંટણીયે પડી એક હીરાજડિત સોનાની રિંગ ભેટ કરતા પૂછ્યું કે, વિલ યુ બી માય વેલેન્ટાઈન ફોરએવર? જવાબ નક્કી જ હતો, 'યસ' અને પ્રેમીયુગલ ફરી આલીગનમાં ખોવાઈ ગયું અને શબ્દો હતા આઈ લવ યુ...

થોડેક આગળ એક વૃદ્ધ કાકા હોસ્પિટલના દાદરા ઉતરતા હતા. સહેજ ખચકાયા, પાછા વળ્યા. લાગ્યું કે કશુંક રહી ગયું, ઉપર ગયા અને કાકીનો હાથ પકડીને નીચે ઉતર્યા. અહીં નક્કી જ હતું કે જેનો હાથ પકડ્યો એ એમના ધર્મપત્ની જ હતા. ઘૂંટણના ઓપરેશન પછીની ફોલો-અપ વિઝિટ માટે આવ્યા હતા, લિફ્ટ આવવાને વાર હતી એટલે પગથિયાં ઉતરવા માંડ્યા. એક હાથમાં લાલ ફાઇલ અને થેલીમાં પાણીની બોટલ અને બીજા હાથમાં કાકીનો હાથ અને એક પણ શબ્દનો ઉચ્ચાર ન હતો. ઘૂંટણીયે પડીને એકરાર કરવો કે ઘૂંટણના ઓપરેશન પછી ભાર હળવો કરવો બંન્ને કદાચ વેલેન્ટાઈન ડેની ઉજવણી જ હશે. જાણતા અજાણતા લાગ્યું કે, કાકા કાકીને વગર શબ્દે પૂછી રહ્યા હોય, વિલ યુ બી વિથ મી ફોરએવર? જવાબ નક્કી જ હતો, 'આજીવન'. અહીં આલિંગન વગર એક વૃદ્ધ યુગલ અંજાઈ ગયું અને શબ્દો હતા આઈ કૅર યુ....
✍️નિશાંક મોદી

Monday, January 25, 2021

સંજોગ

સંજોગ

માણસ પરિસ્થિતિ મુજબ જીવે છે અને નિર્ણય લે છે. ક્યારેક માણસ નાહવાની ડોલમાં તરફડીયા મારતી કીડીને પણ બચાવે છે અને ક્યારેક માણસ માઉન્ટ ઍવરેસ્ટ પર બીજા માણસને મરતો છોડી આવે છે. આ વાત કદાચ બસો વર્ષ પહેલાં ચાલ્સ ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદથી સમજાવી હતી. એમાં એક મુદ્દો હતો 'અસ્તિત્વ માટે જીવનસંઘર્ષ' બસ પોતાના અસ્તિત્વ માટે એક માણસ બીજા માણસ સાથે સંઘર્ષમાં ઉતરે છે...હકીકત સમજીએ તો માણસ હજુ પણ ડોલમાંથી કીડી બચાવતું નિર્દોષ સામાજિક પ્રાણી જ છે બસ એના સંજોગ નિર્ણય બદલાવે છે...
- નિશાંક મોદી