Sunday, February 4, 2018

વાંચજે ઈશ્વર, મારો પત્ર

---------વાંચજે ઈશ્વર, મારો પત્ર------

પ્રભુ! તમારો ખૂબ ખૂબ આભાર, આ માનવદેહ આપીને તમે મને વિશ્વની સર્વશ્રેષ્ઠ ભેટ આપી છે. કેટલાંય દિવસથી તારી સાથે વાત નતી થઈ એટલે લાગ્યું કે ચાલ પત્ર લખી તારા સમાચાર પૂછી લઉં. સૌ સારાવાના હશે, આશા રાખું છું કે, સ્વર્ગમાં બધાની તબિયત પણ સારી હશે. કળિયુગમાં તારે વધુ કામ રહેતું હશે એટલે તને પત્ર લખવાનો સમય નહિ મળતો હોય. તો મને થયું લાવ હું જ તારા હાલચાલ પૂછી લઉં. પત્ર મળતાની સાથે જ ઉત્તર આપજે.

થોડાક દિવસ પહેલાં રસ્તા પર એક અકસ્માત જોયો. એક ગાડી એક દ્વિચક્રી વાહન સાથે અથડાઈ અને દ્વિચક્રી વાહનચાલક લોહીના ખાબોચિયામાં તરબતર થયો. આસપાસ લોકો ભેગાં તો થયાં પણ મદદ માટે કોઈ તૈયાર ન થયું. આ જોતાં જ મને તારી યાદ આવી કે કદાચ તું ક્યાંક વેકેશન માણતો હોવો જોઈએ. કારણ કે જો આ ઘટના તારી જાણમાં હોત તો તું પહેલેથી જ રોકી દેત. કાંતો બે મિનિટ ગાડીવાળાને કાંતો દ્વિચક્રી વાહનને મોડો પાડત. લોકોના મન વાંચનાર તું ત્યાં ઉભેલા લોકોના મન બદલી ના શક્યો. હશે જે બન્યું એ તારી મરજી સમજીને જવા દીધું.

અમે સ્વીકારીએ છીએ કે આ બ્રહ્માંડ, જીવસૃષ્ટિ, નદી, પર્વતો, પ્રેમ, લાગણી બધાનું સર્જન તે કર્યું. પણ અમે માનવો એવુંય માણીએ છીએ કે ઈર્ષા, લોભ, લાલચ, નિંદા, નફરત આ બધાની રચના પણ તે જ કરી હોવી જોઈએ. કારણ કે જો આ બધી વસ્તુઓ અમે લાવ્યા હોઈએ તો તું જ કહે તારી બનાવેલી આ શ્રેષ્ઠ વસ્તું (માનવજાતિ) માં ખામી હોત કે જે આવી ભાવનાઓ બહાર પાડે. મને તારામાં ઘણી શ્રદ્ધા છે પણ ઘણીવાર એવું લાગે કે દુનિયા તે ખામીવાળી બનાવી.

તું ખોટું ના લગાડતો અને મને માફ કરી દેજે. હું એક દાખલો આપું પછી તું જ નક્કી કરજે કે હું યોગ્ય કહું છું કે
ખોટું. બે વર્ષની બાળકી પર જ્યારે કોઈ આધેડ વયનો પુરુષ બળાત્કાર કરે ત્યારે તારી ફરજ નથી કે એને રોકવો.  માણસના મનમાં એક મિનિટમાં સો થીય વધારે વિચાર આવી ને ચાલ્યા જાય છે, તું એકાદ વિચાર સારો મૂકી કોઈનું હૃદય પરિવર્તન ના કરી શકે. તું જ કહે છે ને કે તારા વગર સૃષ્ટિમાં એક પાંદડુંય ના હલે તો પછી આ લોકોના ધરતીકંપમાં ઘર કેમ હલી જાય છે. કોઈ દેહ દર્દથી પીડાતો હોય ત્યારે તું ઉપદેશ આપે કે આત્મા ખાલી શરીર બદલે છે તો પછી દુઃખદર્દ શરીરને કેમ આપે. અમે માનીએ કે તું તો પ્રેમનો ભૂખ્યો છે તો જવાન છોકરાના મોતથી આઘાત પામેલા એના માતાપિતાના નિસાસા કેમ લે છે. લોકોની ફરિયાદો સાંભળી સાંભળી થાકી ગયો હોઈશ પણ એક ચપટી કેમ નથી વગાડતો જેનાથી બધું જ સારું થઈ જાય. માંગે એ મળે એવું નથી કહેતો પણ એના યોગ્ય ન હોય તો માંગે જ નહીં એવી સદબુદ્ધિ તો આપીજ શકેને.

માણસ તરીકે તું જન્મ લઈ ચુક્યો છે અને તું પણ દુઃખ ભોગવી ચુક્યો છે. આટલા અનુભવ પછી તો તું બદલાવ લાવ. આજના માનવીઓ કેટલા ઝગડે છે, જ્ઞાતિ, પૈસા, જમીન, પ્રેમ, ધર્મ આ તે કઈ કારણો છે લડવાના. એવું તો નથી ને કે તું માનવ જન્મ લઈને માણસ જેવું વિચારવા લાગ્યો. પ્રભુ આ બધા માણસો તારાથી ડરે છે તો પણ ખોટા કર્મ કરે છે કેમ કે તું એને ત્યારે રોકતો નથી. આ જન્મમાં કરેલા ખરાબ કર્મો બીજા જન્મમાં ભોગવવા પડે એ તો તારો જ હિસાબ લાંબો કરેને. કાયમ પાપની પોટલીઓ વધુ ને પુણ્યનું ભાથું ઓછું જ નીકળશે. બાળપણથી સાંભળ્યું છે કે બધું ઈશ્વરનું ધાર્યું જ થાય તો પછી આ માણસો કેમ ખરાબ કાર્યમાં કારક બને છે અને દુઃખી થાય છે.

હે પ્રભુ! જે લખ્યું એ વાંચજે અને યોગ્ય લાગે તો દુનિયામાં સુધાર લાવજે અને કોઈ ભૂલચૂક હોય તો માફ કરજે. અમે ઈશ્વર તો નથી એટલે ચૌદ બાય નવ ના પોસ્ટકાર્ડમાં બધું ના સમાવી શકીએ પણ તું આને ગાગરમાં સાગર સમજીને મીઠાશ ભરજે. વખતે વખતે હું પત્ર લખી તારા ખબરઅંતર પૂછતો રહીશ અને તને સમય મળે તો મને ઉત્તર આપજે બાકી જ્યારે હું તને મળું ત્યારે ઘણી બધી વાતો કરવી છે, નિરાંતે કરીશું...કારણ કે સૃષ્ટિનો સર્જનહાર, તારણહાર ને વિનાશ કરનાર ભલે તું છે પણ સૃષ્ટિ પર રહેનાર હું જ માનવરૂપે હોઈશ...

અંતિમ સ્પર્શ:
માણસોની વચ્ચે રહી, તું માણસ બની ગયો,
હતો તું ઈશ્વર આ વાત કેમ કરીને ભૂલી ગયો...

- નિશાંક મોદી 'સ્પર્શ:'

કિસ્સો જીવનનો હિસ્સો


ફેસબુકની દીવાલ પર રંગરોગાણ કરતાં કરતાં (scrolling) કોઈ બે સમાચાર સાથે આવી જાય અને બંને સમાચાર વિરોધાભાસી હોય તો હાથ ટાઈપ કર્યા વગર ના રહી શકે.

એક ઈંગ્લીશ ન્યૂઝપેપરના ફેસબુક પેજ પર સમાચાર વાંચ્યા કે ન્યુ જર્સીમાં અધકચરા થિજેલા તળાવમાં એક પોલીસવાળાએ એક શેરી કૂતરાને પોતાના જીવના જોખમે બચાવ્યો. અતિશય ઠંડી હોવા છતાંય પોતાની ફિકર કર્યા વગર કોઈ માણસ એક પશુ ને બચાવે એ ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. અમેરિકાના માણસો માટે થોડુંક માન ઉપજ્યું કે આવા માણસો પણ હોય છે અને મન ખૂબ હકારાત્મક વિચારવા લાગ્યું. કમનસીબે મેં આ સમાચારની નીચે બીજા ગુજરાતી સમાચારપત્રના ફેસબુક પેજ પર પેટ્રોલપંપ પર બનેલી ઘટના જ્યાં એક પોલીસવાળાએ કર્મચારીની ધોલાઈ કરતો વિડીયો જોયો. બધું જ નકારાત્મક થઈ ગયું. ફોરેનમાં પશુને માણસ જેમ સાચવ્યો અને અહીં આપણે ત્યાં માણસ જોડે પશુ જેમ વર્તન કર્યું. ત્યાંના પોલીસવાળાને બ્રેવરી એવોર્ડ અને આપડાવાળાને લોકોએ ગાળો આપી. એક અર્થ એમ કે બંન્ને વ્યક્તિઓ પ્રખ્યાત થઈ જ્યાં એકે પોતાની જવાબદારી હટકે કરી અને બીજાએ હટી ને.

બધા દેશમાં સારી ખોટી ઘટના બનતી હોય છે પણ દરેક માણસ પોતાનું કામ નીતિપૂર્વક કરે તો ઘણું બધું સારું થઈ શકે અને કોઈક ફોરેનમાં આપણું ઉદાહરણ લે તો ખરેખર એ દિવસે ગર્વ લેવા જેવી બાબત બને....

અંતિમ સ્પર્શ:
લૂછ આંસુ, ભીંજવ ના તું કોઈ આંખને,
જીવતાની કદર કર શું સાચવે તું રાખ ને.

- નિશાંક મોદી