Friday, July 22, 2011

ચાલ, બદલીએ જિંદગી

આપણે ઘણી વખત વિચારીએ છીએ કે જિંદગીમાં સૌથી મહત્વની વસ્તુ કઈ? ઘણાના મતે મહત્વની વસ્તુ પૈસા છે. પણ એ તો કામની વસ્તુ છે મહત્વની નહિ. આપણી આસપાસ કેટલાંય લોકો જોવા મળશે જેમની પાસે કુબેરના ભંડાર હશે પણ મનમાં સહેજ પણ શાંતિ નહિ હોય. કદાચ એ લોકોને જઈને પુછીયે તો ખબર પડે કે પૈસાનું મહત્વ કેટલું છે. માણસ આખી જિંદગી વસ્તુઓં પાછળ ભૂખ્યોને તરસ્યો દોડતો રહે છે. કોઈકને ઝડપથી ધનવાન બનવું છે, કોઈકને પોતાનો પ્રભાવ બીજા લોકો પર પાડવો છે, કોઈકને બીન્દાસ નોકરી કે ધંધો કરવો છે. આ માણસો સતત જીવનમાં એક પછી એક વસ્તુઓં કે વ્યક્તિને મેળવવામાં વેડફી નાખે છે. એક ઉદાહરણ જોઈએ કે એક વ્યક્તિ પાસે સાઈકલ હતી, એને એમ થતું કે સાલું એકાદ બાઈક હોત તો કેટલું સારું. બાઇકવાળો વિચારતો કે એકાદ નાની ફોર વ્હીલર હોત તો બાકી એટેસ્ટથી જિંદગી જીવતો. નાની ફોર વ્હીલરવાળો વિચારે મોઘી દમદાર મર્સીડીઝ હોત તો બજારમાં રોલો પડી જાત. આ બધાથી વિપરીત મર્સીડીઝવાળો વિચારે કે એક કરતા બે-ત્રણ મર્સીડીઝ હોત તો સમાજમાં છવાઈ જાત. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો માણસની ઇચ્છાઓ અખૂટ છે. તે એક પછી એક લાલસાનો ભોગ બનતો જાય છે.

પહેલા માણસ પોતાની જીજ્ઞાશાવૃતિ અને પ્રેરણાથી જીંદગીમાં પૈસા મેળવવા પરસેવો પાડે છે. અને પછી જયારે વૈભવવિલાસથી રાચતો આ જ માણસ પોતાના ઘરની અગાશીમાં હિંચકા પર બેસી એટલું જ વિચારે છે કે મેં પૈસા તો ખુબ કમાયા પણ સાલું હજી કઈક ખૂટે છે. આવા વ્યક્તિને મળો તો ખ્યાલ આવે કે પૈસાનું મુલ્ય કેટલું. માણસ પહેલા પોતાનો સ્વભાવ બદલે છે, પછી વ્યવહાર બદલે છે અને આખરે પોતાની જિંદગી બદલે છે. જે જિંદગીની નાવ સમતોલ ચાલી રહી હોય એ અચાનક ડામાડોળ થવા માંડે છે. આપણે સૌએ પૈસા માટે થોડી રકઝક કરતા લોકોને જોયા જ છે. એમને જયારે જોઈએ ત્યારે એમ થાય કે આતો ખરા ઝગડે છે. થોડાક પૈસા માટે આટલી માથાજીક કેમ કરવાની. આવું વિચારતા હોવા છતાંય આપણે પણ આવી ભૂલો કરી બેસીએ છીએ અને આપણે જ બીજા માટે ઉદાહરણ બનીએ છીએ. જીવનમાં ઘણું બધું પામેલો માણસ જયારે નાના બાળકને જુએ ત્યારે એમ જ વિચારે કે બાળક હોઈએ તો કેવી શાંતિ, આપણે બસ મજા જ કરવાની, ટાઈમસર ખાવા પીવા મળી જાય, આનંદ કરવા બે-ચાર રમકડા કે રમતો મળી જાય. આ ટેન્શનવાળી જિંદગીમાં શું મઝા છે? સૌથી પહેલા આપણે જ પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. માણસને તકલીફ વધુ વિચારે ત્યારે પડે છે. નાનું બાળક હંમેશા હસતું બોલતું એટલે રહે છે કેમ કે તે ઓછું પણ સારું વિચારે છે. જેમ જેમ મોટો થાય તેમ તેમ વધુ વિચારતો જાય છે અને વળી પોતાની સાથે બીજાનું પણ વિચારમાં માંડે છે. પછી એ માણસ એવા સ્ટેજ પર પહોંચી જાય છે જ્યાં એને ઈર્ષા, કઠોરતા, ક્રોધ, અજ્ઞાનતા જેવા શત્રુઓનો સામનો કરવો પડે છે. અને પેલા ખુશ રહેતા બાળકના બધા જ ગુણો ખાલી થઇ જાય છે ને દુ:ખી થાય છે.

સૌથી મહત્વની ચીજ જીવન જીવવાની આવડત છે. જેટલું જીવો સારું જીવો. ખુશ રહો. અમુક પરિસ્થિતિ બદલાવાની નથી તેને સ્વીકારી લો. જિંદગી માટે હકારાત્મક અભિગમ કેળવો. જિંદગી સુંદર છે એને જીવી જાણો. બધું જ આપણી ઈચ્છા મુજબ થાય એ શક્ય નથી. ક્યારેક ઘણું બધું સમય પર છોડી દેવું પડે. જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલો ને જુઓ કે જિંદગી કેટલી રંગીન છે.....

હસતાં બોલતા રહી જીવનનો દ્રષ્ટિકોણ બદલીએ,

બસ બહુ થયું, ચાલ દોસ્ત હવે જિંદગી બદલીએ.....

- નિશાંક મોદી

ના, હું ઈશ્વરમાં માનું છું

એક ભાઈ કોઈ પણ સારું કામ કરવા બહાર જાય તો પોતાના ઘરના મંદિર પાસે દીવો કરીને જતા. કોઈક જણ ગળામાં લોકેટ પહેરે છે તો કોઈક જણ હાથમાં નાડાછડી બાંધે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. આ સૂચિત કરે છે કે તમને ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે. મનમાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે એમ કે મારી સાથે ઈશ્વર છે. ઈશ્વર કોઈ પણ સારું કામ કરીએ તો આપણી સાથે જ હોય છે. માણસ ખોટું કામ કરે ત્યારે જ ઈશ્વરથી ડરે છે. ભક્તિ, શ્રદ્ધાની વાતો જીવનમાં હકારાત્મક અભિગમ કેળવવામાં મદદ કરે છે. ઈશ્વર, અલ્લાહ, જીસસ માં માનવું કોઈ પણ રીતે ખોટું નથી. આ બધા લોકો કુદરતને જુદી જુદી રીતે જોવે છે. પણ તેમનો મર્મ એક જ હોય છે કે તે છે તેમની શ્રદ્ધા. દરેક માણસ સીધી કે આડકતરી રીતે કુદરત ને માને છે. કોઈ પણ વ્યક્તિ જીવનમાં કાયમ નાસ્તિક કે આસ્તિક નથી રહેતો. ક્યારેક ક્ષણ માટે પણ તેનો ઈશ્વર તરફ નો અભિગમ ડગે છે. અણધાર્યું કામ થઇ જાય તો ઘડીક વાર માટે વિચારે કે, હા ઈશ્વર છે. અને કયારેક ધાર્યું કામ ના થાય તો વિચારે કે શું ઈશ્વર છે?

ખોટી દિશામાં ગયેલી શ્રદ્ધા માણસ નું મગજ ખરાબ કરી દે છે. દરરોજ મંદિર જતો વ્યક્તિ એકાદ દિવસ મંદિર ન જાય અને એજ દિવસે કઈ અજુગતું બને તો એ વિચારે છે. આજે હું મંદિર ન ગયો એટલે જ મારી સાથે આવું બન્યું. કઈક એવી વસ્તુ છે જે હર હમેશ પણ કયારેક ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા ને અંધશ્રદ્ધામાં ફેરવી દે છે. જેમ જીવનમાં હકારાત્મક અને નકારાત્મક વિચારો માણસને એક સાચી કે ખોટી દિશામાં લઇ જઈ શકે છે તે જ વસ્તુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પણ બને છે. સાચી શ્રદ્ધા જીવનને તારે છે ને અંધશ્રદ્ધા જીવન ડુબાડે છે. થોડાક દિવસ પહેલા ટીવી પર જોયું હતું કે એક વ્યક્તિ એ પોતાની જીભ કાપીને ઈશ્વરના ચરણોમાં રાખી દીધી. હવે આજના ભણેલા ગણેલા વ્યક્તિ આ વાત સાંભળે તો એવું જ બોલે છે, લોકો પણ ખરા છે, આતો કેવી અંધશ્રદ્ધા. આવા અંધશ્રદ્ધા થી લીધેલા નિર્ણયો જીવન નામની સુંદર નાવને ડુબાડે છે. અંધશ્રદ્ધા જીવનમાં દુઃખ અને માત્ર દુઃખ જ લાવે છે. જયારે શ્રદ્ધા જીવનમાં સુખ લાવે છે. આજ શ્રદ્ધાને અંધશ્રદ્ધા જીવનમાં પોતાનામાં રહેલો વિશ્વાસ અને બીજા પર રહેલો અવિશ્વાસ દેખાડે છે.

જયારે કોઈ વ્યક્તિ જ્યોતિષીની બતાવવા જાય છે. ત્યારે જ્યોતિષી કહે કે તમે આ નંગ પહેરો તમને ફાયદો થશે. હકીકતમાં એ નંગ કામ નથી કરતો પણ આપણો એક વિશ્વાસ કામ કરે છે કે આ નંગથી મને ફાયદો થશે. અને બસ હકારાત્મક શક્તિ વાતાવરણમાં રહેલી હકારાત્મક શક્તિને આકર્ષે છે. એક બીજું અંધશ્રદ્ધાનું ઉદાહરણ છે ભૂત, પ્રેત ને દોરા ધાગાનું. આપણે જોયું છે કે, કોઈક ધુણે છે. તો કોઈક કહે છે આનામાં ભૂત રહેલું છે. ખરેખર ભૂત તો આવું બધું માનનારા માણસના મગજમાં ભરેલું છે. ખરેખર ભૂત, પલીતમાં માનનારાને ઈશ્વરમાં થોડો ઓછો વિશ્વાસ છે એવું સૂચવે છે. કારણ કે જે વ્યક્તિ ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તેને ભૂત-ખરાબ આત્માથી બચવાની કે દોરાધાગાની જરૂર નથી પડતી. ખરેખર ઈશ્વર, અલ્લાહ, જીસસ એ કુદરતની અનુભૂતિ કરાવે છે. જયારે ભૂત-પલીતમાં માનનારા લોકો માણસની અજ્ઞાનતા દર્શાવે છે.

અરે તું ભણેલો કેમ ભૂતપ્રેતથી આટલો ડરે છે,

ગભરાઇશ નહિ દોસ્ત ઈશ્વર તારી સાથે ફરે છે.

- નિશાંક મોદી

બીયર-બાર

બે દોસ્તારો બીયર-બારમાં બેઠા હતા.


પહેલો દોસ્ત: આ જામ જોવું છું તો તને ખબર છે મને કઈ પળનો વિચાર આવે છે?

બીજો દોસ્ત: કદાચ જે પળમાં તારી ગર્લફ્રેન્ડ તને છોડી ગઈ હતી તે પળની.

પહેલો દોસ્ત: ના

બીજો દોસ્ત: તો પછી, જે પળમાં તારી પત્ની ઝગડો કરી પિયર ચાલી ગઈ હતી તે પળની.

પહેલો દોસ્ત: ના

બીજો દોસ્ત: નક્કી, તારા છોકરાની ફી ભરવાની હતી પણ તારી પાસે પૈસા ન હતા તે પળની.

પહેલો દોસ્ત: ના

બીજો દોસ્ત: તો તું જ કહી દેને યાર.

પહેલો દોસ્ત: મને એ ખરાબ પળનો વિચાર આવે છે જેમાં હું પહેલીવાર તારા કહ્યા પર આજ બીયર-બારમાં આવ્યો હતો. જો એ પળ ના હોત તો કદાચ હું થોડો જ દુઃખી હોત.

દારૂના નશામાં માણસ સાચું જ બોલે છે.

Save Drinks, Save Lives :)

- નિશાંક મોદી

માનસીક તાણ (સ્ટ્રેસ) – એક ચિંતાનો વિષય

આજના ઝડપી અને કામમાં વ્યસ્થ એવા જીવનથી દરેક વ્યક્તિ પછી એ સ્ત્રી હોય કે પુરુષ થોડે ઘણે કે મહદઅંશે માનસિક તાણ અનુભવે છે. આ માનસીક તાણ એટલે કે સ્ટ્રેસનું કારણ કઈ પણ હોઈ શકે જેમાં સામાજિક, આર્થિક સમસ્યાઓ, ભણતરનો બોજ, ઘડપણના રોગ, બે જનરેશન વચ્ચેનો ગેપ કે પછી અન્ય કોઈ પણ મુશ્કેલી. ભણતરને બાદ કરતા બાળકોમાં બીજી લગભગ કોઈ જ પ્રકારની તાણ જોવા મળતી નથી. આનું પ્રમાણ ટીનેજર્સ અને ઘરડા લોકોમાં વધુ જોવા મળે છે. જેનું એક જ કારણ છે આજની જીવનશૈલી. લોકો પોતાની જીવનશૈલી પોતાની રીતે બદલી શકે છે. આ લેખ તમને તમારી કામમાં વ્યસ્થ અને સ્ટ્રેસફૂલ જીવનના બદલાવ માં મદદ કરશે. નીચે દર્શાવેલા સૂચનોને અનુસરીને તમે એક સારૂ અને ચિંતામુક્ત જીવન મેળવી શકશો. કદાચ આ સૂચનો તમારી જીવનની મુશ્કેલીઓ દુર ના કરી શકે પણ તેને યોગ્ય રીતે સમજવામાં ચોક્કસ મદદ કરશે અને તે મુશ્કેલીઓ માટે બંધબેસતા નિર્ણયો લઇ શકશો. હું એક વસ્તુ કહી શકું કે, “આજની દુનિયામાં, દરેક માણસને પોતાની જીવનશૈલી બદલવાની જરૂર છે.”

માનસીક તાણ દુર કરવાના સૂચનો:

  • વહેલા ઉઠો: આ એક મહત્વનું સૂચન છે જે તમને તમારો મૂડ બદલવામાં મદદ કરશે. એક સમય નક્કી કરીદો અને તમારી ઘડિયાળમાં એલાર્મ ગોઠવી દો. સવારે ૬:૦૦ કે ૬:૩૦ ઉઠવાનો પ્રયત્ન કરો અને પોતાના ઘરની આસપાસના ખુશનુમા વાતાવરણની વચ્ચે સૂર્યોદય જુઓ અને કુદરતી સૌંદર્યનો આંનદ માણો.
  • બે ગ્લાસ હુંફાળું પાણી પીવો: બ્રશ કરી તરત જ, બે ગ્લાસ હુંફાળું પાણી પીવો જે તમને તમારી પાચનશક્તિ સુધારવામાં મદદ કરશે. આ વાત સાયન્ટીફીકલી સાબિત થઇ છે.
  • ચાલવા કે દોડવા જાવો: સવારે ૩૦ થી ૪૦ મીનીટ દોડવા જાવો. જો દોડવું શક્ય ના હોય તો ચાલવું. તમે હળવી કસરત કરી શકો છો. જેનાથી તમારા શરીરની કેલેરી વપરાય છે જે જરૂરી છે. ચાલવા, દોડવા કે કસરત કરવાથી મગજમાં એન્ડોમોર્ફીન નામનું એક રસાયણ ઉત્પન્ન થાય છે જે ચિંતાનું લેવેલ ઘટાડે છે.
  • સવારે ભારે નાસ્તો કરો: સવારમાં પૌષ્ટિક અને ભારે નાસ્તો કરો જેમાં ફ્રૂટ્સ, દૂધ, ચા, કોફી, ફળોનો રસ, સલાડ, ઘઉંની રોટલી કે પરોઠા લઇ શકાય. સવારે ભારે નાસ્તાથી તમને વધુ શક્તિ મળશે જે આખા દિવસ માટેની કાર્યઉર્જા પૂરી પાડશે.
  • પોઝીટીવ થીન્કીંગ: હમેંશા હકારાત્મક વિચારો કરો જે તમને તમારા જીવન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ કરશે.
  • ઈશ્વર અને પોતાનામાં વિશ્વાસ રાખો: દરેક મુશ્કેલીનો હલ શોધવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં એમ બને કે તમને યોગ્ય હલ ના મળે પણ એ તમને તમારામાં રહેલા આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરશે. માણસજાતની કેટલીક મર્યાદા હોય છે. આનાથી ઉપર પણ કઇક છે જેને આપણે કુદરત(ઈશ્વર) ના જુદા જુદા રૂપો તરીકે ઓળખીયે છીએ. એમ માનજો કે “દરેક પરિસ્થતિમાં કુદરત હમેંશા તમારી સાથે છે.”
  • સ્મિત: કોઈ પણ વ્યક્તિ હરેક પળ ખુશ નથી રહી શકતી. પણ તમારી રમુજવૃતિથી તમે હરેક પળ હસી શકો છો. હાસ્ય શરીરમાં રહેલા કેટલાક રસાયણો જેવા કે કોર્તીસોલ, ઇપીનેફેરીને, ડોપામાઇનનું પ્રમાણ ઘટાડી બીજા હોર્મોન્સનો વિકાસ કરે છે જે તમારો માનસીક તાણ દુર કરે છે. સ્મિત તમારા શરીર માટે એન્ટીડીપ્રીસેન્ટ (તાણ દુર કરનાર દવા) તરીકે કામ કરે છે.
  • સારા પુસ્તકો વાંચો: જો તમારૂ મન નવરું હશે તો સારા અને ખરાબ વિચારો તેમાં આવશે જ. વાંચવાની આદત તમારા વિચારો બદલશે. આ ઉપરાંત તમે છાપામાં આવતા કોયડા પણ ઉકેલો.
  • શોખ: દરેક વ્યક્તિને કોઈ એકાદ શોખ તો હોય જ. ‘શોખ’ એ બહુ સાદો શબ્દ છે પણ તેનામાં વિચારો બદલવાની શક્તિ રહેલી છે. શોખ એ મૂડ બદલવાનો અકસીર ઈલાજ છે.
  • રાત્રે હળવું જમો: રાત્રી દરમ્યાન માનવશરીર વધુ કેલેરી વાપરતી નથી અને માટે તમારે વધુ શક્તિ મેળવવાની જરૂર નથી હોતી. જેમ બને તેમ રાત્રે ભારે જમવાનું ટાળો. જેનાથી તમે સારી ઊંઘ લઇ શકો.
  • સમયસર સુઈ જાઓ: ઊંઘવા માટે એક સમય નક્કી કરી દો. સામાન્ય રીતે મન શાંત રાખવા ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂરી છે. જો તમે વહેલા સુઈ જશો તો તમે ચોક્કસ વહેલા ઉઠી શકશો.

સરળ ઉપાયો:

  • જંકફૂડ ટાળો.
  • મહિને એક વાર ફિલ્મ જોવા જાઓ.
  • શારીરિક અને માનસિક કસરત કરો.
  • નક્કી કરેલી સીરીયલ માટે જ ટીવી જુઓ. સંગીત વધુ યોગ્ય છે.
  • મિત્રો બનાવો.
  • કામમાંથી સહેજ વિરામ લો.

ધ્યાન રાખો:

  • શરીરને માફક આવે તેવી જ કસરત કરવી. કસરતનો સમય દિવસ પર દિવસ વધારવો, એકદમ નહિ.
  • સતત કાર્ય ન કરવું.
  • માનસીક તાણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું હોય તો યોગ્ય સારવાર લઇ શકાય.
- નિશાંક મોદી