Saturday, November 30, 2019
ટૂંકો લેખ: માનસિકતા
Friday, August 30, 2019
સત્યઘટના: એક કેળાની લારી
સત્યઘટના: એક કેળાની લારી
આજે શિવમંદિરની બહાર એક વિચિત્ર ઝઘડો જોયો. પાંચ-છ ભીખ માંગવાવાળા એક કેળા વેચનાર લારીવાળાની જોડે રકઝક કરી રહ્યા હતા. એમની મુશ્કેલી એવી હતી કે મંદિરમાં આવતા જતા લોકો ભિક્ષુકોને પૈસા આપવાની જગ્યાએ કેળા આપતા હતા. આ વર્ષના પવિત્ર શ્રાવણમાસનો છેલ્લો મોકો કોઈ જ ચૂકવા માગતું ન હતું અને ગરીબને પૈસા ન અપાય એ માન્યતા સાથે લોકો કેળા વહેચતાં હતા. એક સ્ત્રીભિક્ષુકને તો જોરદાર રીતે લડતા જોઈ. 'તારા તો બધા કેળા વેચાઈ ગયા પણ અમારા છોકરાઓની તબિયત બગડે છે' લારીમાં એક છૂટું કેળું મારીને બોલી, 'આવા કાચા કેળા કેમ વેચે છે, દૂર જતો રહી અહીંથી.'
બાજુમાં બીલીપત્ર વેચવાવાળો આરામથી પોતાનો ધંધો કરી રહ્યો હતો અને ઝગડો જોઈ રહ્યો હતો. એનાથી ભિક્ષુકોને કોઈ તકલીફ ન હતી. હું આ બધું જોઈ ત્યાંથી નીકળી ગયો અને વિચારતો રહ્યો કે, 'આમેય આજે છેલ્લો દિવસ છે, કાલથી નહિ અહીં આટલા ભક્તો આવે, નહિ કેળાની લારી હોય અને સૌથી મોટી વાત કે નહિ આટલા ભિક્ષુકો હોય. આ તો જેમ ટ્વીટર પર ટ્રેન્ડિંગ ચાલે છે એમ આ બધી વસ્તુઓ આજે ટોપ પર છે. બાકી કાલે ફરીથી બીલીપત્રનું ઝાડ એક વર્ષ માટે ગુમનામ બની જશે અને મોતીચૂરના લાડુ ટ્રેન્ડિંગ કરશે.'
અંતિમ સ્પર્શ:
કોણ સાચું, શું સાચું, કેમ સાચું કશું જ સમજાતું નથી,
જવાબ મળી જશે એ જ ડરથી ઈશ્વરને પુછાતું નથી.
- નિશાંક મોદી
Sunday, August 25, 2019
માઇક્રોફિક્શન વાર્તા: ભગવાનનો વારો
'લે દોસ્ત મારો વારો ગયો, હવે તારો વારો આવશે...' શ્રીકૃષ્ણ એ ગણેશજીને કહ્યું. 'ગજબ છે નહીં પ્રભુ, આપણી જ બનાવેલી સૃષ્ટિના ને આપણે જ બનાવેલા માનવો આપણને જુદી જુદી રીતે મનાવે છે.' ગણેશજીએ વાતના શ્રી ગણેશ કર્યા. 'ક્યારેક વાઘા, ક્યારેક લાડુ, ક્યારેક તો ડ્રાયફૂટ આહાહા... એવું લાગે જાણે સ્વર્ગમાં તો આ બધી વસ્તુઓનો સ્ટોક જ નહીં હોય. પ્રભુ તમને શું લાગે છે, આ બધા ખરેખર આટલો પ્રેમ કરે છે કે ખાલી બાહ્ય આડંબર છે.' ગણેશજીએ શંકા વ્યક્ત કરી.
શ્રીકૃષ્ણ એ કહ્યું, 'લોકોને આપણામાં શ્રદ્ધા તો હોય છે પણ ટકતી નથી. ઘરમાં એકાદ ખરાબ ઘટના બનશે અને લોકો ભગવાન બદલી દેશે. કોઈ એકાદ પ્રાર્થનાથી કામ થઈ જાય તો જેમ વેલને વૃક્ષનો સહારો મળે એમ માણસો પાછા બે-પાંચ વર્ષ માટે નવા ભગવાનને ઘરમાં સ્થાન આપશે. હું રોજ પીપળા પાસે ખંડિત થયેલી મૂર્તિને ફોટો આવતા જોવું છું અને વિચારું છું કે મારું સ્થાન પણ ઘરમાં અખંડિત હશે ત્યાં સુધી જ હશે. શંકાકૂશંકા માનવનો સ્વભાવ છે અને આપણો માફ કરવાનો'
આટલું કહી શ્રીકૃષ્ણ વૃંદાવન નીકળ્યા અને ગણેશજી આગમન માટેના તૈયાર થયેલા પંડાલ તરફ વર્યા...
- નિશાંક મોદી
Friday, June 21, 2019
માઇક્રોફિક્શન વાર્તા: જવાબદારી
અત્યંત ઉત્તેજના અને કશુંક કરી દેખાડવાની ઝંખના સાથે એક રિપોર્ટર બેન કેમેરામેનને લઈને ICU માં પ્રવેશ્યા. ડૉક્ટરના મોં આગળ માઇક રાખી પ્રશ્નોનો મારો ચલાવ્યો. "કેમ હોસ્પિટલમાં વ્યવસ્થા નથી? આટલા 50 બાળકો વચ્ચે એક ડોકટર? તકેદારીના તમે શું પગલાં લીધા? તમને નથી લાગતું તમે તમારી જવાબદારીથી દુર ભાગો છો?" ડૉકટરે શરૂઆતમાં તો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો બાદમાં પ્રશ્નોના જવાબ સાંભળવાની જગ્યાએ બીજા પ્રશ્નોના શસ્ત્રો નીકળ્યા. હળવેકથી ડૉક્ટર સરકી ગયા.
રિપોર્ટરની છેલ્લી સ્પીચ હતી કે, "તમે જોઈ શકો છો અહીં હોસ્પિટલમાં કોઈ જ પ્રાથમિક સારવાર નથી, ડૉક્ટર પણ પોતાના કામથી દૂર જઈ જવાબ આપવાનું ટાળે છે. પ્રશાસન પણ ખાડે ગયું હોય એમ લાગે છે. અહીંયા જો બાળકો ના મોત થશે તો એની જવાબદારી કોની?"
આ સાંભળતા જ એક આઠ વર્ષની છોકરી ખાટલામાં બેઠી થઈ અને રિપોર્ટરને નજીક બોલાવી નિર્દોષતાથી કહ્યું, "મેડમ, આ ડૉકટર તો એમની જવાબદારી ભૂલી ગયા લાગે છે, એક કામ કરોને તમે જ મને નજીકની સારી હોસ્પિટલમાં લઈ જાવને જેથી હું બચી જાવું" આ બધાની વચ્ચે કેમરો પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો અને એમાંથી નીકળતી લાલ લાઈટ રિપોર્ટરને અજાણતા જ એક ફરજચુકની ચેતવણી આપી રહી હતી...
અંતિમ સ્પર્શ:
છોડી હું મારી જાતને બીજાની ભૂલ શોધું છું,
સૂરજ થઈ હું પોતે જ આગની પોલ ખોલું છું.
- નિશાંક મોદી
Saturday, February 16, 2019
લેખ: સોશિયલ મીડિયા વૉર
લેખ: સોશિયલ મીડિયા વૉર
પુલવામા થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલ CRPFના જવાનોને શત શત નમન:🙏
પુલવામા બનેલી આ ઘટના અત્યંત દુઃખદ અને દરેક ભારતીયનું મન અને હૃદય હચમચાવી મૂકે એવી હતી. આ ઘટના પછી લોકોએ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપતા સ્ટેટ્સ, પોસ્ટ, ફોટોગ્રાફ મુક્યા. અજાણ લોકો પણ દેશની સુરક્ષા માટે કાર્યરત એવા જવાનોના બલિદાન માટે દુઃખ વ્યક્ત કરવું ખૂબ જરૂરી જ હતું.
જ્યાં સુધી વાત શોકની હતી ત્યાં સુધી બધું જ બરાબર હતું. ઘટનાના બે દિવસમાં જ આજકાલ લોકો શોક ભૂલી સોશિયલ મીડિયા પર એક નવું જ વૉર ચલાવી રહ્યા છે. શરૂઆત થાય છે શહીદોની વીરતાથી અને આગળ જતાં એ ભૂલી રાજકીય રાજનીતિમાં લોકો મશગુલ થઈ જાય છે.
ઘણીવાર વિચાર આવે કે ભણેલા ગણેલા લોકો કરતા પેલા અણપઢ લોકો સારા જેમણે ક્યારેય ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ખોલ્યું જ નથી. લોકોએ સમજવું જોઈએ કે કૉમેન્ટ્સમાં મારેલી ગોળીઓ અને સરહદ પર જવાનો જે ખાય છે એ ગોળીઓ અલગ છે. દેશસેવા કરવા માટે જરૂરી નથી કે તમે આર્મીમાં જ જોડાવો. આર્મીમાં જોડાવા માટેના નિયમો હોય છે અને એ પાર કરવાની આપણી લાયકાત પણ નથી. આપણે સૈનિકો જે પોસ્ટ પર કામ કરે છે ત્યાં પહોંચી શકતા નથી એટલે જ આપણે બેઠા બેઠા ફેસબુક અને વોટ્સએપમાં પોસ્ટ કરીએ છીએ.
ઘણી પ્રજા મૂર્ખ છે અને એજ કારણથી વોટ્સએપ પોતાની એપ્લિકેશનમાં ફોરવરડેડનું ફીચર લાવ્યું. ટીવીમાં જ્યારે વોટ્સએપની એડ જોવું ત્યારે લોકો માટે દુઃખ થાય. આજે એક સમાચારપત્રનો વિરોધ થઈ રહ્યો છે પણ માત્રને માત્ર સોશિયલ મીડિયા પર. કોઈ હિંમત બતાવી સામે પડવા તૈયાર થતું નથી. થોડાક દિવસ પછી બધા બધું ભૂલી જશે અને એક જ વાક્ય સામે આવશે 'બે છોડને યાર આપડે શું!'
દેશ સેવા સરહદ પર ગયા વગર પણ થઈ શકે. ટ્રાફિકના નિયમો ફોલો કરીને, કોઈ સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં પોતાનું કામ ઈમાનદારીથી કરીને, જરૂરતમંદને મદદ કરીને, લાંચ આપ્યા અને લીધા વગર, રસ્તામાં થયેલ કોઈ અકસ્માત માટે મદદ કરીને, 108 ને રસ્તો આપીને, પબ્લિક ટ્રાન્સપોર્ટને નુકશાન કર્યા વગર. મીણબત્તી આખા ઘરમાં પ્રકાશ પાથરી શકે પણ એનો ઉપયોગ સારી રીતે થાય તો. નહિતર ઘર બાળવાની શક્તિ એ મીણબત્તી ધરાવે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કંઈક આવો જ છે.
મોટાભાગના લોકોએ ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હશે. કોઈને યાદ છે કે કોઈ એમાં જીત્યું હોય. એ એક એવી સ્પર્ધા છે જેમાં દરેક વ્યક્તિ પોતાનો મત રજૂ કરે છે અને એને સાચો સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. સામેવાળો એનો વિરોધ કરે છે. મોટાભાગની ડિબેટમાં ઓળખીતા વ્યક્તિઓ વચ્ચે મનમોટાવ થઈ જાય છે. આજની સોશિયલ મીડિયા વૉર માણસોના સંબંધ બગાડવામાં એજ રોલ પ્લેય કરે છે. સામસામે એકબીજાની જોડે થયેલી સામાન્ય રકઝક આપણું મગજ ફેરવી નાખે છે આતો વર્ચૂયલ વર્લ્ડ છે જેમાં સામેવાળાને આપણે જોઈ પણ શકતા નથી. માની લઈએ કે, સામેવાળા તમે ચૂપ થઈ જાય એવો જવાબ પણ આપી દો તો શું આપણને પરમવીર ચક્ર મળી જશે. એના અને આપણા બંનેના મન ઊંચા થઈ જશે.
કેટલાય લોકો સમાજ નામના બજારમાં માત્રને માત્ર નેગેટીવી ફેલાવવા માટે છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતે અને બીજાને દુઃખી કરે છે. આ એક પ્રકારનો રોગ જ છે. શહીદો જે લડે છે એને વૉર કહેવાય જ્યાં જાન લેવા અને આપવા બન્ને માટે તૈયાર રહેવું પડે. બાકી ચાર પાંચ મેસેજ ફોરવર્ડ કરી, ડીપી બદલી, લોકો સાથે કૉમેન્ટ્સમાં ઝગડી આપણે આપણું અને સમાજનું નુકસાન જ કરી રહ્યા છે. અને એનો ફાયદો જ આ આતંકીઓ લઈ જાય છે. અફસોસ હજીય એ જ વાતનો છે કે બાળપણમાં શીખેલી પેલી સાત કાઠીવાળી વાર્તા હજુ પણ આપણે સમજી શક્યા નથી અને સાથે રહીને પણ આપણે જુદા છીએ અને અનાયાસે અંદરોઅંદર જાણતા અજાણતા એક સાયલન્ટ વૉર સોશ્યલ મીડિયા થકી ચલાવી રહ્યા છીએ.
અંતિમ સ્પર્શ:
ભૂલી જવાનોની શહીદી, હું કેવો જીદે ચઢું છું,
સમાજ વિખેરી, જોને હું સમાજ માટે લડું છું.
- નિશાંક મોદી
Friday, January 18, 2019
ટૂંકો લેખ: વિશ્વાસ
ટૂંકો લેખ: વિશ્વાસ
થોડાક સમય પહેલા એક સુવાક્ય (મારા મતે નહિ) ઈન્ટરનેટ પર પ્રખ્યાત થયું તું, જેનું ગુજરાતીમાં ભાષાંતર એવું હતું કે, "જંગલનો રાજા ભલે સિંહ હશે પણ મેં કદીય શિયાળને સર્કસમાં જોયું નથી" વાક્યનો અર્થ એટલો જ હતો કે તમે શિયાળ જેવા બનો, એની વૃત્તિ લુચ્ચાઈ ભરેલ હોય, ષડયંત્ર, કાવતરામાં એ પારંગત કરાય, શિકાર કરે નહિ પણ સિંહે તરછોડેલા શિકારને ચુપકેથી ખાઈ જાય. તમે એવા બનો જેથી લોકો તમારો ફાયદો ના ઉઠાવી જાય અને તમે બીજાનો ફાયદો ઉઠાવી શકો.
વાક્ય વાંચીએ તો એવું લાગે શું વાત છે, વાત સાચી છે. બધા જ લોકો સ્વાર્થવૃત્તિથી વિચારે તો વાક્ય સો ટકા સાચું જ લાગે. પણ એનો બીજો અર્થ કોઈએ કદાચ નહિ વિચાર્યો હોય. આજ વાક્યને આપણે પોતાના સ્વાર્થ વગર વિચારીએ તો ખ્યાલ આવશે કે, "આપણે કદાચ જંગલના રાજા સિંહ પર વિશ્વાસ મૂકી શકીએ, પણ શિયાળ પર ક્યારેય નહીં"
કોઈની જોડે બોલીચાલી, ઝગડીને, કાવતરા કરીને કે કરાવીને આપણે જીતી તો શકીએ પણ સામેવાળાને મનને નહિ. સિંહને શિયાળવૃત્તિની ખબર જ હોય છે પણ એ શિયાળની જોડે પોતાની સરખામણી નથી કરતો. સિંહ જો શિયાળની ભાષા બોલે તો ગર્જના શબ્દ જે ખાલી સિંહ માટે બન્યો છે એ નામશેષ બની જાય. કાવતરા કે ષડયંત્ર કરીને તમે જીતી તો જશો પણ કોઈ વિશ્વાસ નહિ કરે. આપણે ગમે તેટલા સારા દેખાવાની, મોંઢામાંથી નરમાશ ભરેલા શબ્દો બોલવાની કોશિશ કરીએ પણ લોકો એટલાય મુરખા નથી કે સિંહ અને શિયાળ વચ્ચેનો ભેદ ના સમજી શકે. માણસ ખુદની નજરમાં ત્યારે જ જીતી શકે જ્યારે એના પર કોઈક વિશ્વાસ કરી જાય.
પહેલું વાક્ય ખૂબ સાચું લાગે પણ શિયાળ બનવા કોઈ તૈયાર થશે? કદાચ આપણું ખુદનું મન માની જાય એ વાતને કે શિયાળ જેવું બનવું જોઈએ. પણ મેં એવુંય કદી પણ નથી સાંભળ્યું કે જંગલનો રાજા શિયાળ હોય. સાહેબ સિંહ ભલે જંગલમાં હોય કે સર્કસમાં, એનો ડર બંન્ને જગ્યાએ સરખો જ રહે છે. બાળવાર્તાઓમાં હજીય જંગલનો રાજા સિંહ જ હોય છે અને શિયાળની આગળ વિશેષણ લાગીને હજીય એ 'લુચ્ચું શિયાળ' તરીકે જ ઓળખાય છે...
અંતિમ સ્પર્શ:
કાવાદાવાની રમત હારી, શ્વાસ જીતીને આવ્યો છું,
જેની જરૂર છે મનને એ વિશ્વાસ જીતીને આવ્યો છું.
- નિશાંક મોદી
Thursday, January 10, 2019
લેખ: ગુડ ટચ, બેડ ટચ
લેખ: ગુડ ટચ, બેડ ટચ
આજકાલ નિશાળોમાં 'ગુડ ટચ, બેડ ટચ' નામનો એક નવો ફણગો ફુટેલો છે. બાળકોને શરીરના કયા ભાગોને બીજાથી અડવા દેવાય અને કયા ભાગને ન અડવા દેવાય એની ટ્રેનિંગ અપાઈ રહી છે. આ ટ્રેનિંગ સારી છે પણ શું આની જરૂર ખરેખર પાંચ સાત વર્ષના બાળકોને છે? મારા મતે સૌથી વધુ આની જરૂર ટીનેજર્સની છે. બાળપણ અને જવાની વચ્ચેનો સમય એટલે સૌથી જોખમી સમય. ટીનેજમાં હોર્મોનલ ચેન્જઈસના લીધે મનમાં (યુવાનોના મતે હૃદયમાં) પરપાત્ર માટે જે લાગણીઓ ઉદભવે છે એ અત્યંત આનંદદાયક પણ મુસીબતમાં મુકવા લાયક હોય છે.
શાહબુદ્દીન રાઠોડ સાહેબે સરસ કીધું છે કે,"જવાની હોય ત્યારે બધું રંગીન લાગે છે" ટીનેજર્સ કોઈનું સાંભળતા નથી, પોતાનું ધાર્યું કરે અને સૌથી મોટા દુશ્મન એમને પોતાના પરિવારજનો લાગે છે. અને મિત્રભાવનામાં વહી જઇ પોતાનું સર્વસ્વ ખોઈ બેસે છે, ક્યાં કોઈને અડવા દેવાય અને ક્યાં નહિ એ સભાનતા ખોઈ બેસે છે. કેટલાય લોકો મોટા થયા બાદ જવાનીમાં વિતાવેલ ખરાબ પળો (જવાની વખતે જે આહલાદક હતી) ને વિચારી અપરાધ (ગિલ્ટી)ની લાગણી અનુભવે છે. તો શું આ ટ્રેનિંગ પહેલા એમના માટે જરૂરી નથી?
નાના ભૂલકાં જે હજુ રમકડાં રમતાય નથી શીખ્યા એને આપડે પોતાની જાતને કેમ કરી બચાવવી એના પાઠ ભણાવવાની ટ્રેનિંગ આપીએ છીએ. જાણતા અજાણતા આપણે પાંચ સાત વર્ષના બાળકોને સેક્સ એજ્યુકેશન આપી રહ્યા છીએ જે આ ઉંમરમાં એમને માટે જરૂરી નથી. બાળકોનું મન કુતૂહલવશ હોય છે. સૌથી વધુ સવાલ કરવાની શક્તિ કુદરતે બાળકોને આપી છે. બાળકોના મનમાં અનેક સવાલો ઉભા થાય જેમ કે કેમ ના અડકાય? બસ આ સવાલ આગળ આપણી પાસે જવાબ નથી હોતો. બેડ ટચ પાછળ એટલું ફોકસ થાય છે કે ગુડ ટચ ભુલાઈ જ જાય છે.
જનરેશન આગળ વધી રહી છે એમ લેવલ ઓફ થીંકીંગ પણ અપ જઈ રહ્યું છે. આ બધી ટ્રેનિંગનું કારણ એક જ કે આજકાલના બનતા બનાવો. તો શું આ બધા માટે બાળકો જવાબદાર છે અને આ બધું રોકવા માટે પણ આપણે બાળકોનો ઉપયોગ કરીશું 'ગુડ ટચ બેડ ટચ' નામના શસ્ત્રનો ઉપયોગ કરીને. માણસો (માતા પિતા બન્ને) સવાર સાંજ નોકરી, ધંધામાં બીઝી હોય અને બાળકો ને બીજાના હવાલે કરી દે અને પછી બાળકોને બચાવવા માટે આવી ટ્રેનિંગ કરાવે.
પાછા વાલીઓ એકબીજાને ગર્વથી કહે 'આજે તો છે ને અમારા ચીકુડાની સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગ હતી.' હવે તારો ચીકુડો મોટો થઈ ને કશું યાદ નહિ રાખી શકે. સત્યમ વદ, ધર્મમ ચર...આવા શ્લોકો જે બાળપણમાં શીખવાડ્યા એ જ બાળકો ક્યાં મોટા થઈ, સત્ય બોલે છે કે ધર્મનું આચરણ કરે છે અને આપણે પોતે જ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છીએ. હકીકતમાં પોતાની જવાબદારીમાંથી છૂટવાનો આપણે રસ્તો શોધીએ છીએ. બાળકોને સ્પર્શ, હૂંફ, લાગણી, સંવેદના જેવા શબ્દો ભુલાવી એક એમના મનમાં ભય ઉભો કરીએ છીએ. આપણે શસ્ત્રની ધાર (ખરાબ માણસ અને એની હરકતો) માપતા નથી, પણ ઢાલને (બાળકોને) મજબૂત બનાવવામાં લાગી જઈએ છીએ.
આપણું કામ છે બાળકને સાંભળવાનું, જે આપણે કરતા જ નથી. કોઈ બાળક આવીને કઈ ફરિયાદ કરશે કે આ ભાઈ કે બહેન મને અહીંયા અડ્યા તો આપણા મનમાં પચાસ સાઈઠ સવાલો ઉભા થઇ જશે, લડવાના મૂડમાં આવી જઈશું. સાચું ખોટું દેખાશે નહીં કેમ કે બાળકે ફરિયાદ કરી કારણ કે એને એવી ટ્રેનિંગ મળેલી છે અને એમ બને કોઈ એવો ખરાબ મનથી સ્પર્શ પણ ન થયો હોય. પહેલાના જમાનામાં કયારેય આવી ટ્રેનિંગ થતી નતી અને આવી ઘટનાઓય થતી નતી. આજકાલ લોકો ફોરવર્ડ થઈ ગયા, સેક્સ બાબતે ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા હોય છે. પાછા એ વાતનો ગર્વ અનુભવી રહ્યા હોય છે કે પરિવાર સાથે મળી આવી વાતો કરવી જોઈએ, આપણે બધા મોર્ડન છીએ, વેલ એજ્યુકેટેડ છીએ. આમ જોઈએ તો માણસો દેહથી નગ્ન જ હોય છે પણ સમાજની મર્યાદા સાચવવા કપડાં પહેરવા પડે છે પણ આજ જ વાત જ્યારે સેક્સ એજ્યુકેશન પર આવે છે ત્યારે કોઈ મર્યાદા રહેતી નથી. નાના બાળકો ભલે રમતા હોય પણ એમનું ધ્યાન આપણી વાતોમાં હોય જ છે.
સાચા સમયે જ્ઞાન અપાય તો જ કામ આવે. બાળકોને ઉંમર પ્રમાણે ગાઈડ કરાય. સાત વર્ષના બાળકને કાર ચલાવતા ના શીખવાડાય એને તો હજી બેલેન્સ વ્હીલવાલી સાઇકલ શીખવાડાય. અને રોકવાની તાકાત હોય તો પેલા ખટારા (રેપીસ્ટ) જેવા લોકોને શોધવા અને રોકવા પડે જે તરફ આપણે વિચારતાય નથી.
વાતો થોડીક કડવી હતી પણ શંકાઓ પણ આપણી ક્યાં મીઠી હોય છે તોય આપણે કરીએ છીએ ને. કદાચ ભવિષ્યમાં ગુડ ટચ બેડ ટચની જગ્યાએ બાળકોને 'ગુડ ફિલ બેડ ફિલ' ની ટ્રેનિંગ આપે તો સારું જેથી આપણે અને બીજા લોકો બાળકને અંદરથી સ્પર્શી શકીએ....માત્ર બહાર નહિ...
અંતિમ સ્પર્શ:
સાચા સમયે આપેલું જ્ઞાન જ સાચા માર્ગે દોરે છે.
મૂળ કપાતું નથી તારાથી એટલે તું પર્ણને તોડે છે.
- નિશાંક મોદી