Thursday, December 31, 2020

માઈક્રોફિક્શન વાર્તા: છૂટેલા છેડા

એકબીજાની સમજૂતી સાથે છુટાછેડા લેવા પતિપત્ની કોર્ટમાં હાજર થયા. જજે પહેલો સવાલ કર્યો, "તમે બન્ને સહમત છો?" જી સર બન્ને નો એક જ જવાબ, બીજો સવાલ, "કારણ?" હું કોઈ બીજાને ચાહું છું, બન્ને નો એક જ જવાબ.

સહીઓ થઈ ગઈ ને છેડા છૂટી ગયા ને બંને નીકળી ગયા. જજને મનમાં ત્રીજો સવાલ થયો, "બન્ને સરખું જ વિચારે છે તોય કેમ છુટા પડે છે?" પોતે જ કાગળો ભેગા કરતા જવાબમાં બોલ્યા, "હશે, કદાચ આમની જ ફરી બીજી બે અરજીઓ આવવી જોઈએ..."
- નિશાંક મોદી

Saturday, December 26, 2020

લેખ: વર્ષ ૨૦૨૦- ગો ટુ હેલ

વર્ષ બે હજાર વીસ, બસ પોતાના નામ પ્રમાણે જ ઝડપી આવ્યું અને ઝડપથી પતી ગયું પણ સાથે સાથે લોકો પાસેથી ઘણું બધું છીનવી ગયું. મનની શાંતિ, નોકરી, ધંધાપાણી, સંબંધ, આરોગ્ય, પરિવાર નજીકના સભ્યો, અંગત પરિવારજનો અને આવું ઘણું બધું. 'પહેલો સગો પડોશી' આ કહેવતને પણ મોટાભાગના રહેઠાણ વિસ્તારોએ ખોટી પાડી. જ્યાં પોતાના જ પરિવારના સભ્ય સાથ ન આપી શકે કે સાથે ન રહી શકે તો એ વર્ષને કાળા અક્ષરમાં લખ્યા સિવાય છૂટકો નથી.

૩૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ રાતે ૧૨ વાગે લોકોએ હર વર્ષની જેમ વર્ષ ૨૦૨૦ નો આવકાર કર્યો હતો અને વર્ષોથી વર્ષના પહેલા દિવસે લેવામાં આવતા સંકલ્પ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. વર્ષની શરૂઆતના બે મહિના દર વર્ષની જેમ જાહોજહાલી ભર્યા હતા. કોઈક ને ઘર લેવું હતું, કોઈક ને ગાડી, કોઈના લગ્ન કે બીજા પ્રસંગો કરવા હતા, કોઈ ને ભણવા ફોરેન જવું હતું. નોકરીમાં પ્રમોશન કે ધંધાનો નવો વિકાસ કરવાના સપના સાથે આગળ વધવાની ધગસ થકી માણસ આકાશમાં ઉડવાનું વિચારી રહ્યો હતો ને ત્યાં સમંદરની એક લહેર આવી અને કિનારે બાંધેલા માટીના મકાનો/સપનાઓ જમીનદોસ્ત કરી ગઈ. ખોવાયેલું મળે ગુમાવેલું ક્યાંથી મેળવવું આ પ્રશ્ન સાથે ઘણું બધું વિખૂટું પડ્યું.

વર્ષ દરમ્યાન ઘણા નિયમો બન્યા, આપણે પણ બનાવ્યા, તૂટ્યા ને તોડ્યા પણ ખરા. નવા રોગની સાથે નવી શોધો થઈ. શું સાચું શું ખોટું એમાં આપણા જ પોતાના મંતવ્યો જુદા પડ્યા. માનસિક તાણ વધી, આરોગ્ય ખોરવાયું, નોકરીઓ ગઈ, ધંધામાં નુકશાન થયું, આત્મહત્યાઓનું પ્રમાણ વધ્યું. એક ન દેખાતી વસ્તુએ ઘણું બધું ગાયબ કરી નાખ્યું અને પોતાનું અસ્તિત્વ બતાવી દીધું. અતિ સ્વસ્થ માણસોને પણ મન અને તનથી ડરાવી દીધા. સામાન્ય ખાંસી જેની કોઈ દરકાર નતું લેતું એ શંકાસ્પદ વસ્તુમાં આગવું સ્થાન મેળવી ગયું. ઘડીક થાય ને સેનીટાઇઝર ઘસવાનું, આપણા જ ઉચ્છવાસને શ્વાસ બનાવવો પડ્યો. ઘરમાં કોઈને ખાલી તાવ આવે ત્યાં તો આપણોય શ્વાસ ઊંચો થઈ જાય એમાંય જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરીએ તો હાથમાં માળા ફરતી થઈ જાય.

મકાન માટે લીધેલી લોનના હપ્તા સામે ગુમાવેલી નોકરીવાળા વ્યક્તિને કોઈ પૂછે કે તબિયત કેમ છે? તો જવાબ શું આપવો એ કદાચ એ વ્યક્તિ જ જણાવી શકે. કોઈ નિરોગી વ્યક્તિ વિશે જાણતા હોઈએ ને ત્યાં  સમાચાર આવે કે વ્યક્તિ હવે સંસારમાં રહી નથી તો એ વેદના એ પળ વિચારવાથી જ હાંફી જવાય. જે પરિવાર જોડે ઘરના સભ્યો વર્ષોથી પ્રેમપૂર્વક રહ્યા હોય એ જ ઓરમાયું વર્તન કરે તો જાણે લાગે કે સમયે તમને થોડાક દિવસ માટે મોત આપી દીધું છે. અને આજ ખરો સમય છે જ્યાં માણસ સૌથી વધુ ડરેલ રહે છે. બીજા કોઈને તકલીફ હોય અને આપણે રિપોર્ટ પણ કરાવીએ કદાચ આવું ૨૦૨૦ માં જ શક્ય બન્યું હશે.

'બીત ગઈ સૉ બાત ગઈ' બસ આ વાત સાથે જ નવા વર્ષ ૨૦૨૧ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. જેમ કહે છે ને 'જાન હૈ તો જહાંન હૈ' ફરી તાજગીભર્યા શ્વાસ સાથે, નવી શરૂઆત કરીશું, નવા સપના જોઈએ, નવી ગાડી લઈશું, નવું મકાન કે નોકરી શોધીશું, ધંધાનો બમણો વિકાસ કરશું, તબિયત સાચવીશું, જીવ બચાવશું, મનની શાંતિ મેળવીશું, પડોશી સાથે બગડેલા સંબંધો સુધારશું, પરિવારજનોનું ધ્યાન રાખશું, અંગત માણસોનો વધુ ખ્યાલ રાખશું, દરિયા કિનારે ફરી માટીના મકાનો/સપનાઓ બાંધશું. એક સમંદરની લહેર જે ઘણું બધું બરબાદ કરી ગઈ તેની સામે હવે એક આભમાં નવું સૂર્યકિરણ પણ હશે અને વર્ષ ૨૦૨૧ નું ઉમળકાભર્યું સ્વાગત કરીશું અને સાબિત કરીશું કે, ભલે તું માનવસર્જિત હોય કે કુદરતસર્જિત, હજીય પણ કુદરતસર્જિત બ્રહ્માંડની સર્વશ્રેષ્ઠ સર્જનતા છે 'માણસ' જેને કોઈ વર્ષ ૨૦૨૦ હચમચાવી દે એમ નથી...

અંતિમ સ્પર્શ:
આટલા વર્ષનું મેળવેલું ૨૦૨૦, તે સામટું વાળી દીધું,
મેંય બદલો લઈ લીધો, તારા નામનું કેલેન્ડર ફાડી દીધું.

✍️ નિશાંક મોદી

Sunday, December 6, 2020

માઇક્રોફિક્શન વાર્તા: રોટલી

જવેલર્સની દુકાનમાં કામ કરતો દિલીપ, રોજની જેમ આજે પણ બપોરે એક જવેલર્સની થેલી લઈ બહાર નીકળ્યો. બાઇક પર સડસડાટ જઇ રહ્યો હતો ત્યારે બાજુમાં એક એનાથી વધુ સ્પીડવાળું બાઇક સહેજ અડીને ગયું. દિલીપને ખ્યાલ ન રહ્યો કે, થેલીના નાકા કપાઈ ગયા હતા અને થેલી ગાયબ હતી. ચોરનું કામ એટલું સફાઈપૂર્વક હતું કે દિલીપના બાઈકનું સંતુલન પણ ન ડગ્યું. ના કોઈ હોબાળો ના કોઈ અવાજ, દિલીપ પણ પાછો વળ્યો.

થોડીકવારમાં ચોર ઘરે પહોંચ્યો. એની પત્નીએ કહ્યું કે, શાક થઈ ગયું છે પણ ઘરમાં લોટ નથી, આ વર્ષે પણ ઘઉં ન ભરી શક્યા. તમે પહેલા લોટ લઈ આવો ને, એટલે રોટલી થાય. ચોરને રસ દાગીનાની થેલીમાં હતો, એણે થેલી ઉઘાડીને જોયું તો પ્લાસ્ટિકના ડબ્બામાં પાંચ ગરમાગરમ ઘી ચોપડેલી રોટલી હતી. ગુસ્સે થવાની જગ્યાએ સહેજ ઢીલો પડ્યો. એની પત્નીએ પૂછ્યું, "શું થયું?" જવાબમાં એટલું બોલ્યો, "જેની જરૂર હતી એ મને મળી ગયું છે, આ બધું આના માટે જ કરતો હતો ને" પાછી જવેલર્સની થેલી પર ટેગલાઈન વાંચી, "તારું હશે તો મળી રહેશે, તારું નહિ હોય તો રહેશે નહીં"

✍️નિશાંક મોદી

Sunday, November 29, 2020

ટૂંકી વાત: ચા સાથે માસ્ક (મસ્કાબન નહિ હ...)


શિયાળો શરૂ થયા પછીનો પહેલો રવિવારનો દિવસ. ઉકળતી ચાની તપેલી રસોડામાંથી બહાર આવી. રકાબીમાં પીરસાઇ, જાણે મખમલી ચાદર પર ગુલાબની પાંખડીઓ...તરબતર રસ ને મસાલાથી ભરપૂર ચા સાથે છાપું ઊઘડ્યું. ચાર રૂપિયાના સમાચારપત્રમાં ખબરો વાંચી. કાલ સુધી તો માસ્કમાં સોના ચાંદી ઉમેરાઈ ગયા તા આજે હવે એમાં હીરાની જડત વાંચી, આનંદ થયો.

જાણતા-અજાણતા ચા સાથે માસ્કની સરખામણી થઈ ગઈ. કેવી જોરદાર વાત છે ચા ને પીરસવાની પણ. ઘરમાં ચા રકાબીમાં, ઓફિસમાં સોફીસ્ટીકેટેડ મગ કે કપમાં, કીટલી/રેકડી/ટપરી પર બાટલી સોડાના રિયુઝેબલ ગ્લાસમાં પીવાય, કોઈકના મેરેજમાં થર્મોકોલ ગ્લાસમાં અને રેસ્ટોરન્ટમાં.... ખ્યાલ નહિ મને યાદ નથી કે ક્યારેય રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ ને ચા મંગાવી હોય, ગુજરાતી સ્વભાવ યાદ દેવડાવે....આટલી મોંઘી તો કઈ પીવાતી હશે, બહાર જઈને પી લેશું, લીંબુ સોડાને પણ રેસ્ટોરન્ટમાં જલ્દી જશ નથી મળતો. આ બધાના ચક્કરમાં ભુલાઈ જ ગયું કે મહત્વ ચા નું હતું, બાકી બધી સગવડો અને ખર્ચ (કદાચ દેખાડો) કરવાના કારણો. બે રૂપિયાના માસ્કને પણ લોકો સગવડ પ્રમાણે કાપડ, ફિલ્ટર, લેયર, સોના, ચાંદી, અને ઠેક હીરા સુધી લઈ ગયા. પણ ક્યાં પહેરવું એ હજુ લોકોને શીખવવું પડે એમ છે. બધી વાત સાચી પણ એક પ્રશ્ન હજીય કોયડો જ છે બહાર દસ રૂપિયાની ચા પીવા ભેગા થઈશું અને માસ્ક ગળે હશે તો આ ચા એક હજારમાં પડશે, કદાચ રેસ્ટોરન્ટમાં ચા પીવાનું સપનું આ રીતે પૂર્ણ થઈ શકશે😀

- નિશાંક મોદી

Sunday, November 15, 2020

શુભેચ્છાઓ: માટીનું કોડિયું, માટીનો માણસ

શુભેચ્છાઓ: માટીનું કોડિયું, માટીનો માણસ

માટીની કિંમત લગભગ શૂન્ય, કોડિયું બન્યા પછી કિંમત બે, પાંચ કે દસ રૂપિયા, એક તેલની પરી ભરોને સુંવાળી રૂ ની દિવેટ મુકો એટલે મૂલ્યવાન વસ્તુ બનવા તૈયાર. એક દિવાસળીનો તીખારોને પ્રગટે એટલે... ના માટી, ના કોડિયું, ના તેલ, ના રૂ, ના દિવેટ ફક્ત એક જ વસ્તુ "ઉજાસ પાથરતો દીવો". જેની કિંમત અમૂલ્ય. ઓલવાય એટલે પાછો શૂન્ય. માટીના બનેલા માણસનું પણ કઈક આવું જ છે, આમ કિંમત કઈ નહિ, એના પ્રકાશની જરૂર પડે ત્યારે અમૂલ્ય અને વળી પાછો શૂન્ય. શૂન્ય થી શૂન્યની સફર ખેડતા પહેલા દીવો બની સહેજ ઉજાસ પાથરવાની કોશિશ એ જ આપણી શુભ દિવાળી✨

વડીલોને વંદન🙏 નાનાઓને સ્નેહ😍

✍️📸 નિશાંક મોદી

#diwali

Saturday, October 24, 2020

માઈક્રોફિક્શન વાર્તા: મસાલાની મોકાણ (દશેરા સ્પેશિયલ)

"પાનસો ફાફડાને અઢીસો ચોખ્ખા ઘી ની જલેબી..જલ્દી હ.." ચાલુ સ્કુટરે એક બૂમ પડી. "વડીલ લાઈનમાં આવવું પડશે" ઉકળતા તેલમાંથી ફાફડા ભરેલો ઝારો નિકાળતા કારીગર બોલ્યો. પચીસ ત્રીસ લોકોને લાઈનમાં ઉભા જોઈ, સ્કૂટરવાળો બોલ્યો,"એ સારું નંબર રાખજો, આવું હું સ્કૂટર માટે હાર લઈને". દસ મિનિટમાં સ્કૂટરવાળો પાછો વળ્યો ત્યારે આખી દુકાન સાફ. એને પૂછ્યું,"શું થયું? હમણાં તો જબરજસ્ત ભીડ હતી ને, અચાનક ખાલીખમ?" 

દુકાનદાર બોલ્યો, "ફાફડા ઉપર હિંગ-ધાણાજીરું-સંચરનો મીક્ષ મસાલો છાંટી રહ્યો હતો, માસ્કના ઇરિટેશનથી સહેજ નાક પાસે ખણ આવી. આ પ્લાસ્ટિકના મોજા સાથે ખણતાં મસાલો સહેજ નાકમાં ઉડયો, અંતરસ ગયો ને ખાંસી ઉપડી. પાંચ મિનિટમાં તો મહામારીની અસર લાગવાની અફવાથી બજાર ગરમ થયું ને મારો ધંધો ઠંડો પડી ગયો." સ્કૂટરવાળો ન વેચાયેલા ફરસાણ સામે તાકી રહ્યો. 

એક બાજુ જાડા ફાફડા ચાસણી નીતરતી જલેબીને જાણે કહી રહ્યો હોય કે, "આ લગભગ હવે આપણું વગર વાંકે લોકડાઉન જ છે" ને બીજી બાજુ સંચર મીક્ષ મસાલો ગુના સાથે હવામાં મદમસ્ત બની ઉડી રહ્યો હતો...
- નિશાંક મોદી

વિજયાદશમીની શુભેચ્છાઓ🙏

Saturday, September 26, 2020

લેખ: દીકરી...પિતાના નસીબનું ધન

#happydaughtersday

લેખ: દીકરી...પિતાના નસીબનું ધન

લિંગ પરીક્ષણ તો કાયદાકીય રીતે ક્યારનું બંધ થઈ ગયું, જો હજુ પણ થતું હોત તો પહેલ કરનાર, બાળકનો પિતા જ હોત. કારણ એક જ કે દીકરી હોય તો વધુ ખુશી હશે. જમાનાના બદલાવાની સાથે માણસોની માનસિકતા પણ બદલાઈ છે. હવે લોકો બાળકના સ્વરૂપમાં લક્ષ્મી અવતરે તો વધુ પ્રેમથી વધાવે છે. બે દીકરી અવતરે તો રિદ્ધિ સિદ્ધિ અને ત્રણ અવતરે તો ગંગા જમના સરસ્વતી એમ માને છે. અંતે તો આ દર્શાવે છે કે કાલની કાચા મનથી દીકરીને સ્વીકારવાની વાત આજની બદલાયેલી માનસિકતાથી દીકરીને ખૂબ સારી રીતે સ્વીકારે છે.

ઘરડાઓ એવું કહેતા કે અધુરે દહાડે આવેલી જો છોડી હોય તો બચી જાય, છોરો હોય તો કદાચ ના બચે. દીકરીઓની વિજય તો આ જન્મતાની માન્યતા સાથે જ શરૂ થઈ ગઈ હતી. જન્માક્ષરમાં ના માનનાર પિતા પોતાની છોકરીનું નામકરણ રાશી પરથી થાય એના માટે બે-ચાર વિદ્વાન જોડે ખાતરી કરાવે છે. એવું પણ નથી હોતું કે મા દીકરીનો સંબંધ એટલો મજબૂત નથી હોતો પણ ખ્યાલ નહિ મારુ (કદાચ ઘણા બધાનું) માનવું છે કે દીકરીનો પિતા સાથેનો અને દીકરાનો મા સાથેનો સંબંધ વધુ ગાઢ હોય છે.

જન્મ બાદ હજુ વિધિના લેખ છઠ્ઠી સુધી લખવાને ભલે વાર હોય પણ એક પિતા પોતાની દીકરીના જન્મની ખુશી ફેસબુક કે વોટ્સએપ સ્ટેટ્સમાં લખી જ નાખે છે. મીઠાઈના બોક્ષ પર લગાડવામાં આવતા સ્ટીકરોની પંસદગી ચાલુ કરી દે છે. મેં એવા ઉત્સાહી પેરેન્ટ્સ પણ જોયા છે કે જે દરેક રાશિ પરથી દીકરીનું નામ પહેલેથી જ નક્કી કરી રાખે છે.

પિતા પોતે કોઈ રોગથી પીડાતો હોય અને પોતાનો છેલ્લે રિપોર્ટ ક્યારે કરાયો એ યાદ નથી હોતું પણ, દીકરીના વેકસીનની ફાઇલ ખૂબ સાચવીને રાખે છે. ટાઈમ્સર એક પણ ના કામ કરનાર પિતા, જરૂર પડે તો વેકસીનના દિવસે બોસ જોડે ઝઘડીને પણ સમયસર દવાખાને પહોંચી જાય છે. હિંમતની ડંફાંસો મારનાર એક જોહુકમી પુરુષ, દીકરીને લગાડવામાં આવતી ઇન્જેક્શનની સોયનો ઘા જોઈ શકતો નથી અને ડિસ્પેન્સરીની બહાર મુઠ્ઠીવાળી બેસી બસ એટલું જ વિચારતો હોય કે કશું અજુગતું ના થાય. પાછો પીડિયાટ્રીશીયનની જોડે ખાતરી કરી લે કે રસી પૈનલેસ તો હતી ને!

ઘરડાઓ એમ પણ કહેતા કે દીકરીને જીભ પહેલા આવે પગ પછી એટલે કે બોલતા જલ્દી શીખે. ડેડી કે પપ્પા આખું બોલતા તો વાર લાગે પણ એ પહેલાં એક એક શબ્દ પ, પા, ડે, ડી માટે પિતા એટલો હરખાય જાણે ચક્રવ્યૂહના એક એક કોઠા હલ કરી રહ્યો હોય. આખું ડેડી કે પપ્પા સાંભળે ત્યારે તો જાણે લગ્ન પછીનું આખું મહાભારત જીતી ગયો હોય એમ અનુભવે. એક વર્ષમાં રાતભર કરેલા ઉજાગરા પછી જાણે કોઈ અધૂરા સપનાઓ પૂર્ણ થઈ રહ્યા હોય એમ માને. મા ની છાતી સરસી ચાંપેલી દીકરીની ભૂખ, પિતાના ખભા પર મૂકેલા માથા ને હાથેથી થાબડેલી પીઠથી નીકળેલા ઓડકારથી પૂર્ણ થાય છે.

ચાલતા શીખે એટલે બે ત્રણ જાતની ચાલણગાડી આવી જાય. રમકડાં તો બજાર જાય એટલે વધુ વિચાર કર્યા વગર લેવાતા જ જાય. થોડાક સમયમાં તો ઘર જ રમકડાંઘર લાગવા લાગે. બિન્દાસ રહેવાવાળો એક પતિ હવે જાણે જવાબદારી સ્વીકારી હોય એમ વાત વાતમાં પૂછતો રહે દીકરી માટે કશું લાવવાનું તો નથી ને. આખા દિવસનો થાક સાંજે દીકરીનો ચહેરો જોઈ વિરામ બની જાય છે.

થોડીક મોટી થાય ત્યારે સવાર એની બુમો ને તોફાનથી જ થાય છે. ક્યારેક આજ પિતા રોજ ઉંઘતી દીકરીનો ચહેરો જોઈ ઉઠતો હતો અને હવે દીકરી જ પીઠ કે પેટ પર ચઢી ઉઠાડે છે. મા ને કહી શકાય કે બસ પાંચ મિનિટ સુવા દે, પત્ની ને કહી શકાય થોડીકવાર સુવા દેને યાર. દીકરીનું ઉઠાડવાનું ફરમાન એ આદેશ જેવું હોય છે અને માનવાનું પણ મન થાય. કાલ સુધી જ્યાં વસ્તુની પસંદગી આપણે કરતા હતા ત્યાં હવે વાહનનો રંગને અને ઘરના ફ્રીઝની ડિઝાઇન પણ દીકરીની પસંદગીની બને છે. કોઈનું ના સાંભળનાર પિતા દીકરી આગળ જી હજુરી કરતો થઈ જાય છે. ભણતીવેળાએ જો દીકરીને મા વઢે કે થપ્પડ લગાવે તો પિતા ખારો થઈ જાય છે. ઘણીવાર દીકરીના વર્તનથી પિતાને પણ ગુસ્સો આવે પણ ન જાણે કેમ કઈ કહી શકતો નથી. લેટ ગો ની ભાવના વધુ પડતી ઉજાગર થઈ જાય છે.

દીકરી જુવાન થાય એટલે વધુ પડતી ફિકર બાપને જ હોય છે. નવરાત્રીમાં દીકરી મિત્રમંડલ જોડે બહાર હોય તોય વારંવાર ફોન કરી પૂછપરછ ચાલુ જ રાખશે. ઘણીવાર પિતાનું વલણ કઠોર લાગે પણ આ પાછળનું કારણ પણ દીકરીના હિત માટેની એક લાગણી જ હોય છે. પોતાની જુવાનીમાં સ્ત્રીના ગુલાબી ગાલ જોઈ લાળ ટપકાવતો પુરૂષ, પોતાની દીકરી તરફ આવતી એક પણ ખરાબ નજર સહન કરી શકતો નથી અને પોતે જ લાલચોળ થઈ જાય છે. પુત્રના વાહન પર પાછળ કે બાજુમાં બેસીને સલાહ આપતો પિતા જ્યારે પુત્રીની સાથે બેસે ત્યારે સ્કૂલમાં મોં પર આંગળી રાખેલા આદર્શ વિદ્યાર્થીની જેમ મૌન વર્તે છે. એનું કારણ એનો દીકરી પ્રતેયનો વિશ્વાસ છે.

દીકરી લગ્ન ઉંમરે પહોંચતા જ મુરતિયા શોધવાની શરૂઆત થાય છે. મોટા ભાગના પહેલા તો રિજેક્ટ જ થાય છે એમાંય જો દીકરી કહે કે એણે કોઈને પંસદ કર્યો છે, તો પછી સમજજો કે સામી પાર્ટીએ અઘરી પરીક્ષાઓ પાસ કરવાની છે. જો બધી જ પરીક્ષા પાસ થઈ જાય તો, પિતા પોતે જ લગ્નની તૈયારીમાં લાગી જાય છે. હૉલ બુકીંગ, માંડવો, ડેકોરેશન, ફૂડ આઈટમ, ફોટોવીડિયોગ્રાફર, સંગીત સંધ્યા અને બાકીના કાર્યક્રમ, મહેમાનોનું લિસ્ટ, ડોલી બધી જ વસ્તુ બે વાર ચેક કરે. મનમાં એક જ વિચાર હોય કઈ જ બાકી ના રહી જાય અને લગ્ન યાદગાર બની જાય. 

પછી એક ખૂબ સંવેદનશીલ પ્રસંગ આવે. થોડાક વર્ષો પહેલા જે પગલાં પોતાની તરફ આવતા જોયા હતા એ જ પગલાંને વિદાય થતા જોવાનો સમય આવે છે. કાલ સુધી નાની ઢીંગલીની જોડે ઘરઘતા રમતા ને ઓઢણી ઓઢવતા પિતાને આજે પાનેતર પહેરેલી દીકરીને બીજાના ઘરે મોકલવાની હોય છે. પુરુષ જાત જો રડે તો એના માટે બીજા ઘણા શબ્દ મળે પણ આ સમયે જો પુરુષ રડે તો એના માટે 'બાપ' જેવો બીજો કોઈ જ શબ્દ શબ્દકોશમાં નથી હોતો. સાફાનો છેડો આંખો લૂછી આ યાદગાર પ્રસંગનો અંતે સાક્ષી બને છે.

દીકરી વિદાય થઈ એટલે શું વાત પૂરી!...ના ભાઈ ના...એ શક્ય જ નથી. પિતાના નસીબને કારણે દીકરીનો જન્મ નથી થતો પણ એનો જન્મ થાય છે પિતાના નસીબને માટે. બધી જ જવાબદારી છોડી પિતાની એક બુમે જે હાજર થઈ જાય એ કદાચ દીકરો નહિ દીકરી જ હશે. આ એમ જ હશે જેમ બાળપણમાં દીકરીની એક બુમે પિતા ઉઠી જતો હતો.

આ કુદરતની માયા કહો કે નિયતિ, દીકરી તો આ જન્મમાં પિતાનું ઋણ ચૂકવી જાય છે પણ પિતા દીકરીનું ઋણ આજીવન ચૂકવી શકતો નથી. જેમ પહેલા કીધું એમ માનસિકતાને જમાનો બદલાયો છે હવે તો પિતાને દીકરી કાંધ પણ આપે છે અને અગ્નિદાહ પણ. ભલે પછી એને આપણે દીકરી કહીએ, લક્ષ્મી કહીએ, રિદ્ધિ સિદ્ધિ કહીએ, ગંગા જમના કે સરસ્વતી કે સ્ત્રીનો એક ના ચૂકવી શકનાર ઋણી અવતાર....

અંતિમ સ્પર્શ:
પા પા પગલી સાથે સાંભળી મધુર ઝાંઝરનો ઝણકાર,
ઈશ્વર ખુદ પૂછે કેમ કરી મેળવું? આ પિતાનો અવતાર

- નિશાંક મોદી

Monday, August 10, 2020

ટૂંકી વાત: પિસ્તા સ્ટોરી

ટૂંકી વાત: પિસ્તા સ્ટોરી

રાત્રે જમ્યા પછી એક વાડકીમાં પિસ્તા લઈને ખાવા બેઠો. હા, ખ્યાલ છે રાત કરતા સવારે ડ્રાયફુટ ખાવું સારું. પણ ચાલે શરીરને આઈડિયા આવી ગયો છે કે અત્યારે રાત દિવસ સરખા જ છે. જમીને સહેજ લંબાઈને મુખવાસની જગ્યાએ પિસ્તા આરોગવા બેઠો, પેટને સહેજ દબાવ્યું ટેબલની જેમ સમથળ કર્યું અને પિસ્તા ભરેલી વાડકીની ગોઠવણ કરી. જીમમાં ન જવા છતાંય પેટ એટલું બધુંય નથી વધી ગયું કે પિસ્તાની વાડકી ગબડી પડે. બંધ થયેલા થિયેટર પછી માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ મુવી જોવાતું હોય એમ મોબાઇલની ગોઠવણ કરી. એક બાજુ પ્રાઈમ ફોક્સ મુવી અને બીજું બાજુ વઘારેલી ધાણીની જગ્યાએ ખારા પિસ્તા (જે હોય એનાથી ચલાવું પડે ભાઈ). આંખોને બીજા કામે લગાડીતી, હાથ પોતાના કામે લાગ્યા તા, જીભ, મોં અને પેટની તો ડિમાન્ડ હતી એટલે એ તો પહેલેથી જ કાર્યરત હતા. પાંચ મિનિટ તો પ્રોસેસ સરળ રહી પછી એક ભૂલ થઈ એવું લાગ્યું. ફોતરાં આજ વાડકીમાં ન'તા નાખવાના યાર. હવે જેટલીવાર હાથ નાખીએ એટલી વાર ફોતરાં જ હાથમાં આવે. ચાર પાંચ પ્રયત્ન પછી એક પિસ્તુ (એકવચન આજ થતું હશે નહિ!) હાથમાં આવ્યું, પણ ઓછા બોલું લાગ્યું એનું મોં બંધ હતું, જાણે અડધી રાતે કોઈને ઊંઘમાંથી જગાડ્યું હોય અને ઝીણી આંખે જોતું હોય એટલી જ પાતળી જગ્યા. જાણે કહેતું હોય કે પ્રભુ દ્વાર ઉઘાડો. આપડે પાછા હોંશિયાર...સોશિયલ મીડિયા પર જોયેલો એક વિડીયો યાદ આવ્યો જેમાં શીખવ્યું તું કે પાર્શિયલ લોક થયેલા પિસ્તાને ફોલેલા પિસ્તાના ફોતરાંથી કેમ કરી અનલોક કરવું (યાદ આવ્યું ને). કદાચ આઈફોન ના ખુલે પણ આ તો પિસ્તુ છે, ખુલશે જ એ આશા સાથે વાડકીમાં ફોતરાં માટે હાથ નાખ્યો. ત્રણ વખત પ્રયત્ન કર્યો અને ત્રણેય વખત ફોતરાંની જગ્યાએ બચેલા ત્રણ પિસ્તા જ વારાફરતી હાથમાં આવ્યા. દરેક પિસ્તુ જાણે કહેતું હોય કે દોસ્ત, દરેક વખતે આપડે ધારીએ એવું ના પણ થાય, કદીક જે જોઈએ એનાથી ઉલટું જ મળે. ક્યારેક પિસ્તાની શોધમાં ફોતરાં મળેને ક્યારેક ફોતરાં માંગીએ તો પિસ્તા મળે. ત્રણ પિસ્તાને બાજુમાં મૂકી વાત લખવાનું મન થયું...ચાલો ફોતરાં નાખી આવું...સહેજ ચાલવાથી પેટ જે ઓછું થાય...પાછી વાડકી પણ આપડે જ ધોવાની છેને...બોલો!

- નિશાંક મોદી

Friday, July 31, 2020

😀अच्छा, अब पता चला क्या बुरा है😀

😀अच्छा, अब पता चला क्या बुरा है😀

अच्छा लीडर: जो गधो को घोड़ा बनाता है
बुरा लीडर: जो घोड़ो को गधा बनाता है
अच्छा बोस: जो लीडर के गधो को घोड़ा बनाने को अच्छा गिनता है
बुरा बोस: जो लीडर के घोड़ो को गधा बनाने को अच्छा गिनता है
अच्छा गधा: जो घोड़ा बनना चाहता है
बुरा गधा: जो गधा ही रहना चाहता है
अच्छा घोड़ा: जो गधा नही बनना चाहता है
बुरा घोड़ा: जो गधा बन जाना चाहता है

सब मिलके एक रेस चलाते है, कभी कभी अच्छा घोड़ा हार जाता है, बुरा गधा जीत जाता है...जब ट्रॉफी मिलती है तब पता चलता है, रेस तो गधो के बीच मे चल रही थी, घोड़े तो सारे निकल गए थे अच्छे लीडर और अच्छे बोस के साथ...
- निशांक मोदी

માઇક્રોફિક્શન વાર્તા: બાળ કલાકાર

માઇક્રોફિક્શન વાર્તા: બાળ કલાકાર

એક ચાઈલ્ડ લેબર ઉપર શોર્ટ ફિલ્મ બની રહી હતી. દસ વર્ષનો બાળક મીલ મજદૂરનો રોલ કરી રહ્યો હતો. ફિલ્મને રિયલ બનાવવા માટે એક નવ વર્ષનો બાળક જે હકીકતમાં મીલ મજદૂર હતો, એને બોલાવતો. ફિલ્મ વખતે દસ વર્ષના બાળકની અદ્ભૂત એક્ટિંગ જોઈ એના માતાપિતા અને ત્યાં ઉભેલા ફિલ્મ ક્રૂ મેમ્બર્સ તાળીઓથી વધાવી રહ્યા હતા. દસ વર્ષના બાળકે નવ વર્ષના બાળકને પૂછ્યું કે, "તું મીલમાં નોકરી કેમ કરે છે?" નવ વર્ષના બાળકે કીધું અને પૂછ્યું,"પૈસા માટે અને તું એક્ટિંગ કેમ કરે છે?"  બાળ કલાકાર બોલ્યો, "પૈસા અને નામના બંન્ને મેળવવા માટે" બાળ મજૂર વિચારતા બોલ્યો, "દોસ્ત, તારા પર પણ એક ફિલ્મ ના બનવી જોઈએ?"

- નિશાંક મોદી

Sunday, June 21, 2020

હેપ્પી ફાધર્સ ડે- ૨૦૨૦

#Happy_Fathers_Day

No, I do not miss him, I always remember him & his words.

"સાઇકલના બે ટુકડા થઈ જાય તોય ઘરે રોતો ના આવતો" આ શબ્દો મારા નહિ મારા પપ્પા મને કહેતા. એ જાણતા હતા લાગણીસભર માણસો બહુ ઝડપથી તૂટી જાય. સ્વભાવના કારણે લાગણીઓ કંટ્રોલ કરવાનું તો ના બદલાવી શક્યા પણ મન મક્કમ કરી રડયા વગર ઉભા રહેતા શીખવી ગયા. એક હજાર રૂપિયાના મહિને પગારમાં છોકરાની જીદ આગળ નમી 600 રૂપિયાના રોકર્સ શૂઝ (પહેલા સ્પ્રિંગવાળા સ્પોર્ટ્સ બુટ) અપાવવાનું જીગર કદાચ મારી જોડે પણ નથી. હું ખૂબ નસીબદાર છું, જેમણે મારી પર નાની ઉંમરે બધી જવાબદારી સોંપીતી. એમણે પોતાની બધી પૈસા મિલકતની જવાબદારી મારી પર છોડી દેતા કહ્યું કે, "તને જેમ યોગ્ય લાગે એમ કર, મને તારા પર વિશ્વાસ છે." હું કહેતો તમારા નામે તો કંઈક રાખો તો કહેતા, 'અમારી તો તું જ મૂડી છે". જીવનના મુશ્કેલ સમય દરમ્યાન મેં એમને પૂછ્યું તું કે, "મેં કોઈને કદીય નુકશાન નથી કર્યું તો હું તકલીફમાં કેમ?" સ્વભાવે ખૂબ ઓછું બોલનાર મારા પિતા એક બ્રહ્માસ્ત્ર જેવું વાક્ય કહી ગયા જે જીવનમાં હજીય ખૂબ કામ લાગે છે, 'તપવું સોનાને પડે, પરીક્ષા સોનાની થાય, પિત્તળની નહિ"  કામમાં નિષ્ઠાવાન, ઈમાનદાર, સારા કરતા સાચાનો થવાનો ને સાથ દેવાનો, જવાબદારીમાંથી છટકવાને બદલે જવાબદારી ઉપાડવાની અને આવા કેટલાય સારા ગુણો આપનાર મારા પિતાને કોટી કોટી નમન. 

આવા કેટલાય અનુભવો લોકોને પોતાના જીવનકાળ દરમ્યાન થયા હશે પછી કદાચ એ કોઈ પિતા, પુત્ર, પુત્રી, કે ઘરના જમાઈ કે પુત્રવધુ હોઈ શકે. ગુજરાતીમાં એક કહેવત છે, "પાયાની ઈંટોને દેખાવું ન ગમે" આવી કેટલીય ઈંટો જેના થકી પૂરો સમાજ ટકેલો છે એમાં પિતાનો કિરદાર એવો છે જે ભાર સહન કરી વજન ઓછું દેખાડવાનો છે.

લેખ કે આત્મકથા ટૂંકાવી પડશે, કારણ પાંત્રીસ વર્ષના પિતા સાથે જોડાયેલી નાની મોટી વાતો, ઘટના, અનુભવો યાદ તો છે પર એક પોસ્ટમાં સમાવવું મુશ્કેલ છે અને વળી પાછી લાગણીઓ દરેકની જુદી જુદી હોય કે જ્યાં આપણો ઉત્સાહ કે ઉદાસીનતા દરેકને ના સ્પર્શે. ટૂંકમાં કહીએ તો, પિતા આકાશ જેમ અમાપ છે, આકાશ માટે કઈક લખવા માટે આખું આકાશ જોઈએ, એક કાગળ નહિ ચાલે....

અંતિમ સ્પર્શ:
नहीं समझ पाएंगे हम, की वो कितना बोझ ढोते है,
घर की कोई छत नही, पिता पूरा आसमान होते है।
- निशांक मोदी

Thursday, June 11, 2020

માઇક્રોફિક્શન વાર્તા: બાળ કલાકાર

માઇક્રોફિક્શન વાર્તા: બાળ કલાકાર

એક ચાઈલ્ડ લેબર ઉપર શોર્ટ ફિલ્મ બની રહી હતી. દસ વર્ષનો બાળક મીલ મજદૂરનો રોલ કરી રહ્યો હતો. ફિલ્મને રિયલ બનાવવા માટે એક નવ વર્ષનો બાળક જે હકીકતમાં મીલ મજદૂર હતો, એને બોલાવતો. ફિલ્મ વખતે દસ વર્ષના બાળકની અદ્ભૂત એક્ટિંગ જોઈ એના માતાપિતા અને ત્યાં ઉભેલા ફિલ્મ ક્રૂ મેમ્બર્સ તાળીઓથી વધાવી રહ્યા હતા. દસ વર્ષના બાળકે નવ વર્ષના બાળકને પૂછ્યું કે, "તું મીલમાં નોકરી કેમ કરે છે?" નવ વર્ષના બાળકે કીધું અને પૂછ્યું,"પૈસા માટે અને તું એક્ટિંગ કેમ કરે છે?"  બાળ કલાકાર બોલ્યો, "પૈસા અને નામના બંન્ને મેળવવા માટે" બાળ મજૂર વિચારતા બોલ્યો, "દોસ્ત, તારા પર પણ એક ફિલ્મ ના બનવી જોઈએ?"

- નિશાંક મોદી

Wednesday, June 3, 2020

ટૂંકો લેખ: સાયકલ મારી સરરર ગઈ...🚲

ટૂંકો લેખ: સાયકલ મારી સરરર ગઈ...🚲

આજે વર્લ્ડ બાયસીકલ ડે. કોઈ જંતુનાશક દવાની જાહેરાતની ભાષામાં કહીએ તો લગભગ નવ્વાણું પોઇન્ટ નવાણું ટકા લોકોનું પહેલું વાહન એટલે સાયકલ, જેમાં ના કોઈ લાઇસન્સની જરૂર, ન કોઈ કાગળિયાની. મજાની વસ્તુ એ કે ઉંમર પ્રમાણે પૈડાંની સંખ્યામાં વધઘટ થતી જાય. ચાલો જોઈએ કેવી રીતે...

જેમ કે બાળપણમાં પહેલી સાઇકલ (ટ્રાઇસીકલ) માં ત્રણ પૈડાં, બ્રેક વગર ચલાવવાની અને ક્યાંક અથડાઈને આનંદ લેવાનો. કદાચ પગથી બ્રેક મારવાની સ્ટાઈલનું આ પહેલું પગથિયું ત્યારથી જ વાવેલું હશે. પડો તોય વાગે નહિ, સિંગલ સવારીની સીટ, કોઈને બેસવા દેવાના નહિ, હા ધક્કો મારવો હોય તો અલગ વાત છે.

થોડા મોટા થઈએ એટલે બેલેન્સ વ્હીલવાળી સાયકલ. ચાર પૈડાંવાળું પ્રથમ વ્હીકલ, આ ગાડી બાડી બધું પછી આયુ હ કે, બાકી બધાની જોડે બાળપણથી જ ફોર વ્હીલર હોય છે. ડાબી જમણી બાજુ ના પડવામાં મદદરૂપ થતા બેલેન્સ વ્હીલસ, સપોર્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરે એ શીખવે. બસ સાયકલમાં થોડુંક બેલેન્સ આવી જાય એટલે એક બેલેન્સ વ્હીલને નિકાળવાનું સાહસિક પગલું બાળપણથી જ લેવાઈ જાય છે. ચાર પૈડાવાળું વાહન વળી પાછું ત્રણ પૈડાંવાળું બની જાય અને એકતરફી વજન આપી દોડે, જેમ કે જ્યારે ગેસનો બાટલો જમણા હાથે ઉંચેકેલો હોય ત્યારે બાકીનું શરીર ડાબી બાજુ આપમેળે ઢળી જાય છે એમ જ ડાબું વ્હીલ કાઢ્યું હોય તો જમણી બાજુ સાયકલ આપમેળે નમી જાય. 

થોડોક સમય જાય અને બીજું સપોર્ટ વ્હીલ નીકળે અને જીવનની પહેલી પરીક્ષા શરૂ જેમાં બધા નાપાસ થાય. સાયકલ પરથી પડતા હસું અને રડું બંન્ને આવે, ક્યારેક ઈજા પણ થાય, ફરી ઉભા થઈએ, ફરી પડીએ, ફરી ઉભા થઈએ, એક વખત એવો આવે કે જ્યારે પગભર માણસ સાયકલભર થઈ ગયો હોય. ના પડવાનો ડર અને બેઝિક લેવલ પાસ કરી કોઈ એડવાન્સ લેવલે જ જાય અને માણસ બાવીસ કે ચોવીસ ઇંચની સાયકલ ખરીદે. સાયકલ પસંદગીમાં પણ કેવું ગજબ કહેવાય નહીં, બાળપણમાં ગમે તે સાયકલ મળે એ ગમે જ અને મોટા થયા પછી ચોઇસ મળેને માણસ ગૂંચવાય. આગળ જમ્પરવાળી, બે જમ્પરવાળી, ગીયરવાળી, જાડા કે પતલા ટાયરવાળી, કેરિયર, સાઈડ સ્ટેન્ડ બધા ઓપશનની ચકાસણી પછી જ મન ગમતી સાયકલ લે અને નીકળી પડે મસ્ત હવાનો આનંદ લેવા. સીટ ઊંચી નીચી બરાબર છે પણ સ્પ્રિંગવાળી સીટ, હદ થાય છે માર્કેટિંગમાં પણ.

સાયન્સ, કોમર્સ કે આટર્સ..ભણતર ગમે તે પ્રવાહમાં કરે, પણ દરેક વિધાર્થી ઓટોમોબાઇલ એન્જીનીયર તો પોતાના સાયકલની ચેન ચઢાવીને થઈ જ ગયો હોય છે. પાછળની ચેન ઉતરે એટલે આગળની ચેન ચક્કરમાંથી ઉતારી, પાછળની ચઢાવવાની એ માર્ગદર્શન લગભગ દરેકની ગળથુથીમાં હશે જ. માપ વગરની હવા, વાલ્વપીનમાં લાગેલું એક ઇંચનું રબર અને પંચરના થિંગડા સાથેનો સાયકલને સ્મૂથ ચલાવવાનો અનુભવ કઈ આજનો ટ્યુબલેસ ટાયરવાળો જમાનો ના સમજી શકે. ટ્યૂબ અને ટાયરનો ભેદ કદાચ એક સાયકલવાળો જ સમજી શકે. બાઈકમાંય વાલ્વ કપાઈ ગયો છે એટલે ટ્યૂબ બદલવી પડશે આવો કિસ્સો કદી સાયકલમાં ગેરવલ્લે જ બને. ડામાડોળ થતી સાયકલ વ્હીલ થ્રુ કરાવવા જઈએ ત્યારે સાયકલવાળો તૂટેલા સ્પોકે એક રૂપિયો થશે, ત્યારે ઈચ્છા રાખીએ કે બે ચાર જ સ્પોક તૂટે. આડકતરી રીતે સાયકલ પૈસાની બચતનો કોન્સેપ્ટ પણ સમજાવી જાય. લેડીઝ અને જેન્ટ્સ સાયકલનો ભેદ પણ રંગ અને એક ડંડાથી થતો. ડંડો વિકર્ણમાં રાખો તો લેડીઝ અને આડો રાખો તો જેન્ટ્સ સાયકલ. આવો ભેદ ઉજાગર કરનાર વ્યક્તિ પણ કોઈ કલાકાર જ હશે...નહીં?

કોલેજમાં આયા પછી નવું બાઇક કે ટુ વ્હીલર આવી જાય, હેલ્મેટ કરતા ગોગલ્સ વધુ કિંમતી હોય. રિલેક્સ થઈ બાઇક કે અન્ય ટુ વ્હીલર ચલાવતી વખતે ક્યારેય સાયકલનો આભાર માનવાનો વિચારે નહિ આયો હોય કે આ બેલેન્સ ક્યાંથી રહે છે. હવા નીકળેલી અને પંખાના સ્ક્રુ નીકળેલી સાયકલ, ઘરની બહાર એવી રીતે પડી હોય જાણે કોઈ નવી પરણેલી દુલહન હમણાં જ વિધવા થઈ હોય, ના સાસરી પક્ષ સાચવે ના પિયરપક્ષ. રોજેરોજ કાટ ચડતો જાય પણ વેચવાય કોઈ ના જાય. એક દિવસ સાયકલનું નામ બદલાઈ ભંગાર થઈ ગયું હોય. આખરે પાંચસો થી હજાર કે મફતના ભાવે બાળપણની પહેલી યાદ વિદાય લઈ લે. સાથે સાથે છૂટા હાથે ચલાવેલી, સમયાંતરે ઊંચાઈ પ્રમાણે સીટ ઊંચી કરવાની, ઉભા થઇ ચલાવેલી પળો પણ વિદાય લઈ લે છે.

વાત કઈ એમ થોડી પુરી થાય. કોલેજ પુરી થયા પછી જોબ લાગે, બાઇક કે કાર પર જિંદગી પુરપાટ વેગે જતી હોય અને પાછી મનમાં અચાનક ચાનક ચડે. કમર, પેટ અને વધેલા થાપા, મગજ ને ગેરમાર્ગે દોરે. ફરી સાયકલ લેવાનું મન કરાવે. હવે તો પૈસા ય હોય, સારામાં સારી સાયકલ લઈ શકીએ પણ એને ચલાવવાનું મજબૂત મનોબળ હજીય ના મળે. શિયાળો આવવા દો, આ વખતે સાયકલ લઈ સવારે ચલાવવા જઈશું ના ખોટા વાયદા થાય. ગુલાબી શિયાળો અને ગરમ રજાઈ, સાયકલની અને લીધેલા પ્રણની પથારી ફેરવી દે. ના લો એ જ સારું છે, નવી વહુ નવ દહાડા, પાછી એને આપણે વિધવા જ કરવાના છીએ. આસપાસ જુઓ તો ખ્યાલ આવે કે ગણાગાંઠિયા લોકો (બાળકો સિવાય) સાયકલ પર જોવા મળે.

ઉંમર અને માનસિક તાણ વધ્યા પછી રિપોર્ટ્સ થાય. પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલનો કે બધા રિપોર્ટ ખરાબ આવે એટલે જિમ સૂઝે. ત્યાંય પાછી સાયકલ મળે. ત્રણ પૈડાંથી, ચાર પૈડાં, પાછી ત્રણ પૈડાં, પાછી બે પૈડાં થી સફર ખેડી માણસની જાત એક પૈડાંવાળી સાયકલ પર અટકે. બસ ફરક એટલો જ હોય કે અહીં પેન્ડલ વધુ મારવાના હોય છે પણ એક ડગલુંય આગળ વધી શકતા નથી. કદાચ બાળપણની ત્રણ પૈડાવાળી કે બેલેન્સવ્હીલવાળી સાયકલનો આનંદ છોડી એક પૈડાંવાળી સાયકલ મજબૂરી બને જે કદી આનંદ નથી આપી શકતી અને જીવનના પૈડાં સાયકલના બે પૈડાં આગળ ટકી નથી શકતા અને જીવનનું બેલેન્સ ઓછું થતું જાય છે. ઓઇલીગ કર્યા વગરના સાયકલના લોકની જેમ જીવનમાં અંતે તાળું વાગે.

અંતિમ સ્પર્શ:
ના ગજવામાં પાકીટ, ના ઘડિયાળ, ના કોઈ બીમારી,
ને તોય જિંદગીનો લ્હાવો આપતી સાયકલની સવારી.

- નિશાંક મોદી

Sunday, May 31, 2020

માઇક્રોફિક્શન વાર્તા: શબ્દો રોકતું માસ્ક

માઇક્રોફિક્શન વાર્તા: શબ્દો રોકતું માસ્ક

'એલા ટેણીયા, માસ્ક પહેરને!' 'દાદા, આ કોરોના ફોરોના મારું કઈ ના બગાડી શકે.' 'કેમ? તું કઈ રાજા છે?' 'એ તો ખબર નથી પણ ચાર વર્ષનો હતો ત્યારે મારા બાપાએ મારી મા ને મારી દીધી, બાપા જેલમાં છે, સગાંવહાલાંનો સાથ નથી, બે મહિનાથી ચાવાળા એ છૂટો કરી દીધો છે, ત્રણ દિવસથી પેટ ભરીને ખાધું નથી અને તડકામાં જૂતા વગર બે ચાર જણા જે કઈ ભીખમાં આપે એનાથી ચલાવી લવ છું. આઠ વર્ષ જીવી ગયો તો કોરોના તો બેચાર મહિનાનો ઘરાક છે.' દાદાના શબ્દો માસ્કમાંથી બહાર ના નીકળી શક્યા. કદાચ સામે કોઈ તકલીફો પર રાજ કરી રહ્યું હતું.
- નિશાંક મોદી

Thursday, May 21, 2020

Happy Teachers' Day 2019

Happy Teachers' Day 2019

કાળી પાટી પર સફેદ ચોક ફેરવી, ભવિષ્ય રંગીન કરાવે એ શિક્ષક,
હાથ પર સોટી મારી, મુઠ્ઠી મજબૂત કરી જોશ ભરાવે એ શિક્ષક,
થોડોક ડર બતાવી, લડવા માટે નિર્ભય બનાવે એ શિક્ષક,
બાળહઠમાંથી તરુણતા ને પછી યુવાનીની દિશા દેખાડે એ શિક્ષક,
વૃદ્ધવસ્થામાંય બાળપણના સંસ્મરણો યાદ દેવડાવે એ શિક્ષક,
મિત્રોથી જુદા બેસાડી, ગુમાવવાની વ્યથા શીખવાડે એ શિક્ષક,
ધૂળ ચઢેલા પુસ્તક જેવા મનને ખંખેરી, જ્ઞાન જગાડે એ શિક્ષક.

- નિશાંક મોદી

લોકોને લોકડાઉન સમય દરમ્યાન મળેલ શીખ કે અનુભવ:

લોકોને લોકડાઉન સમય દરમ્યાન મળેલ શીખ કે અનુભવ:

- જરૂરિયાતો મર્યાદિત છે
- દુનિયા ઈન્ટરનેટથી ચાલી જાય એમ છે
- (પુરુષ સ્પેશિયલ) વાળ કપાવવા માટેનો સમયગાળો એક મહિનાના બદલે બે મહિના કરી શકાય
- આખો ઉનાળો નીકળી ગયો
- પહેલો સગો પાડોશી અથવા પહેલો દુશ્મન પાડોશી
- રૂબરૂ રોજ મળતા દોસ્તારોના પાંચ ફોન...ના પણ આવે.
- જેલના કેદી ને ઝુ ના પ્રાણીની હાલત નો સાક્ષાત અનુભવ
- સવાર અને રાતમાં ઝાઝો ફરક નથી
- જુના કપડાં માપથી થવા લાગ્યા...વધઘટ માપ અનુસાર
- નાહવાનો સમય ગમે ત્યારે હોઈ શકે
- રસોડામાં પડેલી એકએક વસ્તુઓની જગ્યા યાદ રહી ગઈ
- બાકી હતા એ મુવી કે વેબ સિરીઝ જોવાની પુરી થઈ ગઈ
- તકલીફ દરેકની જુદી જુદી હોય છે
- વિડીયો કોલિંગ વખતે દાઢી કરીએ તો ચાલે (પુરુષ સ્પેશિયલ)
- મેકઅપનો ખર્ચો બચી ગયો (સ્ત્રી સ્પેશિયલ)
- માત્ર બાળક નહિ મોટા પણ જિદ્દી હોય છે
- માણસાઈ હજીય જીવે છે
- આ દુનિયા હજુય કોઈક ચલાવે છે
- માણસજાત શૂન્ય છે અને એની કુદરત આગળ કોઈ ઔકાત નથી
- આ લિસ્ટ અધૂરું છે, આપ પૂરું કરી શકો છો.

- નિશાંક મોદી

Tuesday, May 12, 2020

ટૂંકો લેખ- અને એક હોય છે રિયાલિટી

ટૂંકો લેખ- અને એક હોય છે રિયાલિટી

લોકડાઉનથી સતત ઘેરાયેલા વાદળો વચ્ચે વરસાદના ટીપાં ની જેમ વરસતા હકારાત્મક વિચારોની વણઝાર માણસોને વિચારતા કરી દે છે. એક સરસ કહેવત છે કે, "અતિ ને નહિ ગતિ" એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક અયોગ્ય છે. સાદું ઉદાહરણ એ જ કે ઘણા લોકો કહે છે પુષ્કળ પાણી પીવો. આપણાં માનવશરીરની બનાવટ જ એવી છે કે પાણીની અછત લાગતા તરસ લાગે છે. ડિહાઇડ્રેશનના કેસ નાના બાળકો અને વૃદ્ધોમાં બનવાની શક્યતા વધુ છે. ચાર લિટરના પાણીના નિયમો ખાલી વારંવાર બાથરૂમના જ રસ્તા દેખાડશે. કિડનીને કારણ વગર કામ કરાવવું એ પણ એને ટોર્ચર કરવા જેવી જ બાબત છે. કિડનીનું કામ શરીરની અશુધ્ધિ ઓ બહાર કાઢવાનું છે. હવે કચરો સાફ થઈ ગયા પછી જેમાં પાણી નાખી ફેરવ ફેરવ કરવી એટલે એવું સમજવાનું કે વોશિંગ મશીનમાં પાણી ભરી, કપડાં નાખ્યા વગર ખાલી ચકેદી ફેરવવી. હવે એ વાતને યોગ્ય કહી શકાય?

પ્રવચનો સાંભળી મન હકારાત્મક કરવાના પ્રયત્નમાં માણસ કદીક વધું ઊંડો ઉતરતો જાય અને પછી ડૂબતો જાય છે. જીવનમાં બનતી દરેક ઘટના પોઝિટિવ લેવી શક્ય જ નથી. જો એમ બને તો માણસમાં ગુસ્સો, અહંકાર, રુદન, અફસોસ, સંવેદના, કરુણા બધી જ લાગણીઓ નાશ પામે. ઈશ્વર પણ જ્યારે માનવ જન્મ લઈ જીવ્યો ત્યારે એ પણ આ બધાથી પર ના થઇ શક્યો. એક વિચાર છે જેવો ગણો એને હકારાત્મક કે નકારાત્મક આપની મરજી 'ઉપદેશો સાંભળી જીવનમાં અમલ કરવો શક્ય નથી.' કારણ એ જ કે સલાહ આપવી અને સલાહ સાંભળવી એ બન્ને અલગ વસ્તુ છે. કોઈ ઘટના બન્યા બાદ તમે કોઈને સૂચન આપવુ ખૂબ જ સહેલું છે. જે પરિસ્થિતિમાં નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે પણ ગૂંચવાઈ જઈએ છીએ. ખંતપૂર્વક કામ કરનાર માણસનું મન આપોઆપ જ સારા વિચારો તરફ વળી જાય છે અને એનું એક માત્ર કારણ એકાગ્રતા છે. મીણબત્તીને ધારી ધારી જોઈ એકાગ્રતા ઉજાગર કરવાની રીત વિશે સાંભળ્યું હશે. એ જ માઇન્ડફુલનેસ. આ બધી વસ્તુ અંતે એક જ જગ્યાએ અટકે છે. કોઈ એક જ વસ્તુ પર...જે કોઈ પણ કામ હોઈ શકે, મનને શાંત કરે છે, ભલે ને પછી કચરો વાળવાનું કામ પણ કેમ ના હોય, એકાગ્રતાપૂર્વક થાય તો મનનો કચરોય સાફ થઈ જાય.

સતત પોઝિટિવિટીની વાતોથી મન સહેજપણ નેગેટીવી સહન કરી શકતું નથી. માણસ પોતાની જવાબદારીથી ભાગવાનું શરૂ કરે છે અને કહે કે નેગેટીવીથી દુર રહેવાનું. વધુ પડતા હકારાત્મક કે નકારાત્મક વિચારો નુકશાનકારક જ છે. બીજાને સમજાવવા માટે હકારાત્મક વિચારો ખરા સમયે સુજતા નથી. વાહનમાં પેટ્રોલ ન હોય અને સતત પોઝિટિવ વિચારો કે વાહન ચાલુ થઈ જશે તો એવા માણસને તમે શું કહેશો? મૂરખ.... કેમ? તમે વાસ્તવિક્તા ને મહત્વ આપ્યું છે. દરેક પરિસ્થિતિ હકારાત્મક કે નકારાત્મક હોતી જ નથી પણ અમુક વસ્તુ/વ્યક્તિ/ઘટના વાસ્તવિક હોય છે જેનો પહેલો ઉપાય ખાલી સ્વીકારનો જ છે. સ્વીકાર પછી જ અસલ ઉપાય મળે. કોઈને તાવ આવે ને પેરાસીટામોલ લઈ લેવાની કહેવું સહેલું છે ને ખુદને તાવ આવે ત્યારે વધારે ગોળીઓ ના લેવાય બસ આવા જ હકારાત્મક ને નકારાત્મક વિચારો વચ્ચે માનવમન ગુંચવાયેલ છે.

વધુ પડતા પ્રેરણાત્મક વિચારો, સતત નાસીપાસ કરે છે. એક ખૂબ જ સારું ઉદાહરણ આપું. ખૂબ પોઝિટીવી સાથે તમે કોઈ સારો પ્રોફાઈલ પિક્ચર અપલોડ કર્યો અને એના પર ઢગલો લાઇક્સ કે કૉમેન્ટ્સ આવ્યા. સતત મન ખુશ થઈ ગયું, વાહ... ચારેબાજુ વાહ વાહ એવા વિચારો, પાર્ટી ઘણીવાર હવામાં. કદીક ઊલટું ધાર્યા કરતાં લાઇક્સ કે કૉમેન્ટ્સ ઓછા આવ્યા. હવે શું? ફોટો બરાબર હશે ને, ઈન્ટરનેટ તો ચાલુ છે ને, પ્રાઇવેટ શેર નથી થયો ને. અહીં માણસ એક જ વસ્તુ ના કરી શક્યો, વાસ્તવિકતામાં ના રહી શક્યો. ચાર લાઈક આવે કે ચારસો આવે કેટલો ફરક પડવાનો. આ પોસ્ટનું ચાર દિવસ રહી કેટલું મહત્વ?

આ લેખ મારી અને આપની સમજણશક્તિ કેળવવા માટે લખાઈ ગયો છે બસ એટલું જ સમજો કે આ વાસ્તવિકતા છે...કોઈ ઉપદેશ કે સંદેશ નથી.

અંતિમ સ્પર્શ:
અભિમાન લાવશે પોઝિટીવિટી, હતાશા લાવશે નેગેટીવીટી,
સ્થાયી જો મન જીતવું તારે તો સ્વીકારવી પડશે રિયાલિટી.
- નિશાંક મોદી

Sunday, April 12, 2020

મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે

બાર મહિનાના નામ જો શિક્ષણ પદ્ધતિ શરૂ થયા બાદ શોધાયા હોત તો એપ્રિલ કે મૅ મહિનો કદાચ આજે 'વેકેશન' ના નામથી ઓળખાતો હોત. એક તરફ પરીક્ષા પૂરી થવાનો આનંદ હોય, પરિણામની ના કોઈ ચિંતા હોય અને બીજી તરફ વેકેશનનો આનંદ.

વેકેશન શરૂ થયા બાદ કોઈને પણ પૂછીએ તો એમ જ કહે કે, "વેકેશન કરવા મામાને ઘરે જઈએ છીએ." ખાસો સમય વિચાર્યા પછી ખ્યાલ આવ્યો કે દરેક વ્યક્તિ મામાને ત્યાં જ કેમ જાય છે, ના કે કાકાના માસીના કે અન્યના ત્યાં. લગ્ન બાદ સ્ત્રીની સાસરીપક્ષ તરફની જવાબદારી વધી જાય છે અને પિયરપક્ષ ઓછું જવાનું થાય છે. તકલીફ એક જ જણને થાય છે, "ગામમાં પિયરયુ, ગામમાં સાસરિયું" હોય એમને. બાળકોની પરીક્ષા પૂરી થયા બાદ, સ્ત્રી પોતાના બાળકોને લઈ થોડાક દિવસ આનંદ કરવા પિયર જાય. હવે બાળકોને પિયર-સાસરું, મમ્મીનું ઘર, પપ્પાનું ઘર શબ્દો અઘરા લાગે. એનું નિરાકરણ એક જ વસ્તુથી આયુ, મામા ને ઘેર જઈએ છીએ, વેકેશન કરવા. આમેય પહેલાના જમાનામાં બે બાળકોનો નિયમ ન હતો એટલે દરેક ઘરમાં દરેક બાળકને મામા, માસી, કાકા, ફોઈ મળી જ રહે.

બધા બાળકોની જેમ હું, મારી સગી બહેન, મારા પિતરાઈ ભાઈબહેનો બધા મામાને ઘરે જતા. બપોરે ઘરમાં રમાતી બધી જ રમતો રમતા અને સાંજે બહાર ફરવા જતા. જમવામાં તો કશું પૂછવાનું જ ન હોય, ફરસાણ મિષ્ઠાન અને હેલ્થી ખાવાનું બધું જ ભેગું. બાળપણમાં (હાલમાં પણ ક્યારેક) શરમાળ સ્વભાવ હોવાને લીધે હું ઓછું બોલું અને નાનપણમાં મમ્મીને વળગ્યા વગર ઊંઘ ન આવવાની ટેવને કારણે, મારું ક્યાંય ટકવું અઘરું હતું. બે દિવસ થાય અને હું તો ફોન કરી પાછો આવી જાઉં. આ કારણે મારા વેકેશન વિશે વધુ લખવું મુશ્કેલ છે.

હવે સમય બદલાઈ ગયો. જે 'બાબો' (એટલે કે હું પોતે) કાલ સુધી મામાને ઘરે રહેવા જતો એ ખુદ 'મામો' છે અને એના ઘરે એની બહેન, ભાણી, ભાણો વેકેશન માટે આવે છે. બહેનનું સાસરિયું પિયરથી લગભગ એક હજાર કિલોમીટર દૂર છે અને સફર ફ્લાઇટથી જ થાય છે. આવતાની સાથે જ મામા પાસે ડિમાન્ડ શરૂ થઈ જાય છે, અને મામા સપ્લાય ચેનમાં લાગી જાય છે. દોઢ મહિનો રહે પણ આખા વર્ષની ઉર્જા ભેગી કરીને જાય. મોડા ઉઠવાથી શરૂ થાય, શનિરવિ ફરવા જવાનું, એક વખત તો વોટરપાર્ક જવાનું જ. આ દોઢ મહિનાના ગાળામાં, થિયેટરમાં એક કરતાં વધારે મુવી જોવાના. મામાને મુવી ટિકિટ મોંઘી ના પડે, પણ મલ્ટીપ્લેક્સના પોપકોર્ન અને કોલ્ડડ્રિન્ક મોંઘા લાગે. આખો વરઘોડો લઈ જઈએ એટલે એક મુવી બેથી અઢી હજારમાં પડે. એનો ઉપાય, ડ્રાઈવ-ઇન સિનેમા. ઘરના નાસ્તા પાણીની છુટ્ટી અને ત્યાંના પણ નાસ્તા સસ્તાં (મલ્ટીપ્લેક્સની સરખામણીએ). પિક્ચર તો બહાનું જ હોય બસ ફરવા માટે જ વિચારવાનું. ઝોમેટો ને સ્વીગી એપ પર દર બે દિવસે ઓર્ડર થાય. ગમે ત્યારે મેગીને નાસ્તાની જગ્યાએ જમવામાં ઉપયોગ થાય. ઉનાળો ભરપૂર હોય એટલે રાતે બરફગોળા અને સોડાની મજા. મામો શોખીન હોય એટલે ભાણીયા પણ એવા જ મળે ને.

મને યાદ છે ગયા વર્ષે મારી ભાણી જતા જતા રડી હતી અને કહેતી હતી કે મારે નથી જવું. થોડીક મોટી થઈ એટલે સમજણ આવી. અમદાવાદ જેવી છૂટ બીજે ક્યાંય નથી. મોડે સુધી ફરો તોય કઈ નહિ. હોમવર્ક નહિ કરવાનું, મેગી ખાવાના કોઈ નિયમ નહિ (બહેનના ઘરે 15 દિવસે 1 વાર મળે એવો નિયમ છે). સવારે માંગે અને સાંજે હાજર થઈ જાય એ વસ્તુઓ. એક જ કામ મામા એ કરવાનું બધી કંપલેન્ટ સાંભળવાની. આ વખતે વિષમ પરિસ્થિતિને લીધે આવી શક્યા નથી અને એક વર્ષથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા એમાં થોડો લોચો પડી ગયો છે. હા પણ આ વર્ષે હજુય ફરિયાદ થાય છે ઓનલાઈન...વેકેશન થોડુંક લાંબુ પડી ગયું પણ મામાને ઘરે ના જઈ શકાયું.

આ તો મારો વેકેશનનો કિસ્સો હતો અને મોટા ભાગના લોકો સાથે આમાની અને આના જેવી કેટલીય વાતો થતી હશે અને મામાનું ઘર આજેય લોકોને વ્હાલું લાગતું હશે....

- નિશાંક મોદી

Saturday, April 11, 2020

સંપૂર્ણ સત્યઘટના: સસ્તી ડુંગળી

સંપૂર્ણ સત્યઘટના: સસ્તી ડુંગળી

મારી આગળની વ્યંગરચનામાં (https://m.facebook.com/story.php?story_fbid=10212991511341335&id=1798359243) મેં ચોખવટ કરી હતી કે રસોઈ મારું કામ નથી પણ એક વસ્તુ હું કહી શકું છું કે, શાકભાજી અને ફ્રૂટ્સની સારી એવી સમજ છે. અમારી સોસાયટીની બહાર જ રોજ સવારે નાની શાકમાર્કેટ ભરાય છે. દરરોજ ફ્રેશ શાકભાજી લેવા જવાનો થોડો કંટાળો આવે એટલે દર શનિવાર કે રવિવાર જઈ, આખા અઠવાડિયાનું શાક લઈ આવું. આજેય સવારે હું શાક લેવા ગયો હતો, ફરક એટલો કે ચહેરા પર માસ્ક, એક કપડાંની થેલી, એક શાક લાવવાનું લિસ્ટ (નકકી કરેલ વજન સાથે) અને કૃત્રિમ શ્વાસ (મોબાઈલ: જેના વગર હવે કોઈને ચાલતું નથી). લોકડાઉનના પગલે કોઈ જ લારી ઉભી ન હતી પણ ૧૦૦ મીટરના અંતર પર એક ભારે શરીરવાળા બેન બેઠા હતા. જમીન પર બેસી છ-સાત પ્રકારના શાક વેચી રહ્યા હતા. બધી જ વસ્તુની ભેગી કિંમત નક્કી કરીએ તો માંડ પાંચ હજાર રૂપિયાનો સામાન હશે. મેં ડુંગળીનો ભાવ પૂછ્યો. જવાબ મળ્યો, વીસની પાંચસો. હું વિચારમાં પડ્યો. આસપાસ કોઈ જ લારી કે પાથરણાવાળા નથી તોય હાલની પરિસ્થિતિ મુજબ ભાવ વ્યાજબી છે. કદાચ આ બેન ને તકનો લાભ કેવી રીતે લેવો એનો ખ્યાલ નહિ હોય. થોડાક મહિના પહેલા જ, આવી જ ડુંગળી રૂપિયા સાઈઠની પાંચસો ગ્રામ પણ મેં લીધી હતી. ઉનાળાની અનુભૂતિ આજે લાગી. હાલ ઘરમાં છીએ પણ એસી ના લીધે ગરમીનો ખ્યાલ ન હતો. એ બેન જ્યાં બેઠા હતા ત્યાં સીધો તાપ હતો અને ખૂબ પરસેવાથી નીતરતા હતા. એક વસ્તુ હતી કે ચહેરા પર કોઈ જ થાક ન હતો. પરિસ્થિતિ ખરાબ હશે પણ એનો સામનો કરવાની શક્તિ વધુ સારી લાગી. હું ડુંગળી, બીજા બેચાર શાક, ઘણા બધા વિચાર લઈને પાછો ફર્યો.

આ ઘટના જાણે મને ઉપદેશ આપી ગઇ. સમાજમાં કેટલાય લોકો છે જે કાળાબજારી કરી ખૂબ પૈસા કમાય છે અને અમુક ગરીબ પણ મહેનતી પ્રજા સમાજને એક સારી દિશા તરફ લઈ જાય છે. બેંકમાં પૈસા હોવા છતાંય, આજે એક કપડાંની થેલી જ્યારે ગરીબ શાકવાળા પાસે ધરી તો જાણે એવું લાગ્યું કે, પાંચ હજારનો સામાન લઈ બેઠેલી વ્યક્તિ આપણાં કરતા વધુ અમીર હતી. ઘરડા માણસો જે વર્ષોથી કહેતા હોય એમ જ આ ઘટના એ ફરીથી એજ સમજાવ્યું કે, 'તું ક્યારેય અભિમાન ન કરીશ, તું નહિ તારો સમય જ બળવાન છે...બિનજરૂરી તકનો લાભ નહિ લે તો કુદરત તને કોઈની આગળ હાથ લંબાવવાની જરૂર પણ ઉભી નહીં કરે '

- નિશાંક મોદી

Sunday, March 29, 2020

વ્યંગકથા: લીંબુપાણીથી ચા સુધીની સફર

વ્યંગકથા: લીંબુપાણીથી ચા સુધીની સફર

આશરે ઇ.સ. ૧૯૯૫-૯૬ ની આ સત્યઘટના હશે. જ્યારે મે મહિનો ગરમીથી દઝાડતો હતો. પરિસ્થિતિ અનુસાર ના એરકુલર કે એરકન્ડિશન્ડની આદત. ખસની ટટ્ટીને વારંવાર ભીની કરી, પાછળ એક ટેબલફેન લગાવી ગરમીનો વિરોધ ચાલી રહ્યો હતો. કદાચ ઘણાને આ વસ્તુનો ખ્યાલ જ નહીં હોય કે આ દેશીકુલર કેમ કરી બનાવાય. એવા પ્રખર તાપમાં રસોડામાં જવું જ એક જીવનનું સંઘર્ષપૂર્ણ કામ હતું. મમ્મી ગરમીના ત્રાસથી બચાવવા લીંબુપાણી બનાવવા રસોડા તરફ જવા નીકળી અને આપડી અંદરનો એક સુપુત્ર જાગી ઉઠ્યો. ના તું રહેવા દે, મને શીખવ હું બનાવીશ આજે.

કોઈ યુદ્ધની તૈયારી કરવા માટે જેમ આદેશ સાંભળવામાં આવે એમ મેં કાન સરવા કર્યા. મમ્મીએ કહ્યું તું કે એક લોટામાં 1 મોટું લીંબુ નીચવજે, અડધી ચમચી મીઠું, 3 ચમચી ખાંડ, 2 ગ્લાસ પાણી અને 4 બરફના ટુકડા નાંખજે. 1 ચમચા વડે મિક્સરને થોડીકવાર હલાવજે. ટી સ્પૂન કે ટેબલ સ્પૂન જેવા શબ્દો મારા માટે શોધાયા જ ન હતા, અમે ચમચી કે ચમચાથી જ બધુ ઓળખતા તા. યુદ્ધની તૈયારી તો શરૂ થઈ તી, પહેલી તકલીફ શસ્ત્રો શોધવામાં પડી. 5 મિનિટના સોશિયલ ડિસ્ટન્સ અને રસોડાને બહારના રૂમની (હાલની ભાષામાં ડ્રોઈંગ રૂમ) સાક્ષીએ શસ્ત્રસરંજામ એકઠો થયો. તૈયારીઓ ચાલુ થઈ, પુરી થઈ અને યુદ્ધમાં વિજયતિલક સાથે બે ગ્લાસને એક લોટો લઈને હું પાછો ફર્યો તો.

બધું જ બરાબર હતું પણ એક નાની ભૂલ થઈ ગઈ તી. લીંબુપાણીમાં અડધી ચમચી ખાંડ અને 3 ચમચી મીઠું નાખ્યા તા. આવા પ્રકારનું લીંબુપાણીનું (ખારાપાણીનું) એક ઘૂંટ પીતા જ સવારના ગરમ પાણીના કોગળા યાદ આવ્યાં તા. નમકીન પાણીએ લીંબુના દરેક એ દરેક અવશેષ મિટાવી દીધા તા અને ખાંડ પોતે તો નામશેષ થઈ ગઈ તી. આમ જીવનનું પહેલું યુદ્ધ હું હાર્યો હતો. હારીને જીતનારને તો બાજીગર કહેવાય પણ જીતેને હારનારને શું કહેવાય એનો શબ્દ હજુ શોધું છું. એ દિવસે નક્કી કર્યું કે, રસોડા કે રસોડાને લગતી કોઈ પણ ચીજ પર આપડે કોઈ જ અભિપ્રાય આપવો નહિ.

કેટલાય વર્ષો પછી મેગી માટે પ્રયત્ન કર્યા, લાગ્યું કે આખું ગામ મેગી 2 મિનિટમાં બનાવી દે છે કંઈક તો સહેલું હશે. પણ એમાંય નિષ્ફળતાએ આપડો સાથ ન છોડ્યો. ક્યારેક પાણી વધી જાય તો ક્યારેય મેગી ચોંટી જાય. અંતમાં બીજાનો ને મારો મૂડ મરી જાય. બારમું પાસ કરી દઈએ તો દસમુ એમ જ પાસ કરી શકાય. બસ આવા જ આશય સાથે ઘણા સમયથી ચા બનાવવા માટે પ્રયત્ન ચાલુ છે. સવાર પડે અને જો મસ્ત ચા મળે તો મૂડ ફ્રેશ થઈ જાય. આ ચા બનાવવાના કાર્યક્રમમાં પણ હજુ સફળતા મળે એવું લાગતું નથી. કદીક પાતળી ક્યારેક કડક અને ક્યારેક કાચી રહી જાય. ખાંડ હંમેશા બરાબર પડે છે કારણ કે ચા માં મીઠું ક્યારેય દખલ કરતું નથી.

રસોડામાં દોઢ મહિને એક જ કામ બાહુબલી જેમ પૂર્ણ કરી આપતો. સિલિન્ડર બદલવાનું જે સમય જતાં ગેસ પાઇપલાઈને છીનવી લીધું. ઘણીવાર વિચાર આવે કે કેટલીક વસ્તુ આપણા માટે હોતી જ નથી. તેમ છતાં હું ઈશ્વરનો ખુબ આભાર માનું છું કે બાળપણથી લઈ હાલ સુધી હંમેશા મને ટેસ્ટી ફૂડ જ ખાવા મળ્યું છે. ઘરના સદસ્યો આમાં ખૂબ પારંગત છે અને યુદ્ધ હારેલા રાજાને બત્રીસ પકવાન ખુશીપૂર્વક પીરસે છે અને એ પણ ખૂબ સ્વાદિષ્ટ....

અંતિમ સ્પર્શ:
જાણે મારું નામ એમના ચોપડાની ખાસ નોંધમાં છે,
રસોડાની એકોએક વસ્તુ એમ જ મારી વિરોધમાં છે
- નિશાંક મોદી