Saturday, March 24, 2018

લેખ: છુટેલો પ્રેમ, તૂટેલું દિલ

લેખ: છુટેલો પ્રેમ, તૂટેલું દિલ

ભાઈસાબ, હૃદય તો કઈ તૂટતું હશે? પ્રેમ તો કઈ છૂટતો હશે? આવા સવાલો જો ફેસબુક પર મુકવામાં આવે તો જવાબમાં હાહાકાર મચી જાય. કેટલાંકના ઉત્તર હકારમાં કે કેટલાંક ના નકારમાં. આજકાલના છોકરા છોકરીઓના હૃદય જેમ ઝડપી વાહનો ટ્રાફિક સિગ્નલ તોડે તેમ તૂટે છે. પૂછો તો કહે તમને નહિ ખબર પડે હું એને કેટલો ચાહતો હતો. કોઈકે સરસ કહ્યું છે કે, 'જો તમને કોઈ ફૂલ ગમે છે તો તમે એને ચૂંટી લેશો પણ જો તમે ફૂલને ચાહો છો તો તમે તેની કાળજી લેશો' આજ તો ફર્ક છે લાઈકમાંને લવમાં.

એક વૈજ્ઞાનિકને પૂછો તો કહેશે હૃદય માત્ર પંપ છે, જે પુરા શરીરને લોહી પહોંચાડે છે. કોઈ પ્રેમીને પૂછશો તો કહેશે કે મારું હૃદય બીજા માટે ધડકે છે. ભાઈ ખાલી એક લીટર લોહી આપી દે, જો તારું ખુદનું શરીર જ કાબુમાં નહીં રહે. કોઈક મિત્રની પીઝા પાર્ટીમાં ગયા હોઈએ અને બાજુના ટેબલમાં દેખાવડી છોકરી ગમી જાય અને પછી ઘરે આવી મિત્રને કહે મને તો એની જોડે પ્રેમ થઈ ગયો યાર, કઈક નામ સરનામું શોધી લાય. પાછા મિત્રોય એવા સલાહ કે સમજાવાની જગ્યાએ નીકળી પડે મિશન લઈ જાણે 'ખોજ એક સચ્ચે પ્રેમ કી'. સાહેબ આવા પ્રેમે તો તમારો પીઝા બગાડ્યો. કોઈને જાણ્યા વગર ખાલી જોઈને તો કઈ પ્રેમ થઇ શકે? હા મોહ થાય એ અલગ વાત છે. બે ચાર મુલાકાત થાય, વાત કરવાનું મન થાય, એને પ્રેમ થયો એમ ના કહેવાય.

પ્રેમ તો એક લાગણી છે જે બીજા પર ગુસ્સો પણ કરાવે. તમારી ગમતી વ્યક્તિ પર જો તમે ગુસ્સો કરો એને પણ પ્રેમ કહી શકાય. ખરેખર પ્રેમ હોય તો એ છૂટતો જ નથી. અને જો છૂટી જાય તો સમજજો કે પ્રેમ હતો જ નહીં. કોઈ ઘાયલ હૃદયવાળા ને પૂછો તો કહેશે, હું તો એને ચાહતો તો પણ એણે જ દગો આપ્યો. ભાઈસાબ તમને કોઈ છોડીને જતું રહ્યું એનો મતલબ કે ગમે તે એકબાજુ પ્રેમ નહીં હોય અને બંને બાજુ પ્રેમ હશે તો કોઈ મજબૂરી હશે. આમાં આપડે પ્રેમને સમજી શક્યા નથી તો પ્રિય પાત્રને કેવી રીતે સમજી શકીએ.

એમાંય ઘણા તો ખાલી હૃદય તૂટવાની વાતો જ કરતા હોય છે. આપડી જોડે વાત કરતા હોય કે સાહેબ હું તો જબરજસ્ત લવ કરતો તો એને રાણીની જેમ રાખત પણ ધ્યાન એનું એક્ટિવા પાર્ક કરેલી બીજી છોકરી પર હોય. હવે આને પ્રેમ ક્યાંથી થાય અને થઈ જાય તો ઠીક પણ આવા લોકોનું હૃદય ક્યાં તૂટે. કોઈ તૂટેલા સંબંધ પાછળ આંસુ સારવા એના કરતાં બાકીના સંબંધો સાચવવા વધુ મહત્વના છે. જન્મથી લઈ મરણ સુધી કેટલાય નવા વ્યક્તિઓ જીવનમાં આવે છે અને નજર સમક્ષ કેટલીય પેઢી બદલાય છે. સિત્તેર વર્ષની ઉંમરે કઈ અઢાર વર્ષે થયેલો પ્રેમ યાદ નથી આવતો. એ થોડાક દિવસના ઉમળકા હોય છે જે સમય વીતે વિસરાઈ જાય.

ખૂબ જ હકારાત્મક વિચારીએ અને માની લઈએ કે કોઈએ સાચો પ્રેમ કર્યો છે, અને સામેના પાત્ર એ દગો કર્યો છે. તો પછી એવું માનીને ના જીવી શકાય કે હું બચી ગયો અથવા તો સામેવાળી વ્યક્તિ મારે લાયક ન હતી એટલે ઈશ્વરે જુદા કર્યા. કેટલાંય એવા કેસ છે જેમાં લવ પાંચ સાત વર્ષ રહ્યા હોય પણ મેરેજ બે ત્રણ વર્ષ પણ ના રહે. કદાચ આવા કેસમાં ઉમેરો થતાં અટકાવા ઈશ્વર લગ્ન જ ના થવા દે અને સંબંધ છૂટો પડાવી દે. ઈશ્વર દરેક પરિસ્થિતિનું નિર્માણ કરે છે એમ માની ખુદની જાત ન વાળી શકાય. હા સમય આપવો પડે પણ કશું અટકશે નહીં. કદાચ તમને મળતું નવું પાત્ર તમારે વધારે લાયક હશે.

પ્રેમ કરવો જ જોઈએ પણ એને છોડવા માટે નહીં. અને સાહેબ હૃદય તો કોઈ દિવસ તૂટતું જ નથી, મન પર થોડી આઘાતની અસર હોય છે. બાકી જ્યારે પણ કોઈ દગો કરી જાય ત્યારે એના માનમાં 'ચન્ના મેરેયા' ગીત ગાઈ લેવાનું પણ ખુદના આંનદ માટે.... નહીં કે કોઈના ગુમાવવાના શોક માટે.....

અંતિમ સ્પર્શ:
દેહમાં ધબકે એક પથ્થર જે કદી તૂટતો નથી,
સાચો હોય પ્રેમ તો સાથ એનો છૂટતો નથી...
-નિશાંક મોદી

Wednesday, March 21, 2018

રામશબરી

રામશબરી

એક દિવસ પ્રભુ શ્રી રામજી એ સીતાજીને કહ્યું, 'ચાલ હું તને એક વ્યક્તિને મળાવું જેણે મારી વર્ષો સુધી રાહ જોઈ છે' ત્યારબાદ એ લોકો શબરીને મળ્યા અને બોર ખાધા. શબરીએ રામસીતા ને વિદાય આપી. પાછા વળતી વખતે સીતાજીએ રામજીને પ્રશ્ન કર્યો, 'પ્રભુ, તમને નથી લાગતું તમે શબરી જોડે અન્યાય કર્યો હોય?', પ્રભુ એ પ્રતિ પ્રશ્ન કર્યો, 'કેમ?' સીતાજીએ કહ્યું, 'જે વ્યક્તિએ તમારી આટલા વર્ષો સુધી રાહ જોઈ એને તમે આટલા મોડા મળ્યા જ્યારે તેમનું આયુષ્ય થોડા વર્ષ જ છે'

પ્રભુ શ્રી રામે ઉત્તર આપ્યો, 'હું ધારત તો શબરીને તેની ભક્તિના પહેલા દિવસે જ મળી જાત. પણ મેં એની આખું જીવન પરીક્ષા કરી અને એના જેટલા પણ જનમ હતા એનું દુઃખ એક જ આ જનમ આપી દીધું છે અને તેમ છતાંય એની ભક્તિ ઓછી ના થઇ અને અંતે હું હારી ગયો, છેવટે આ જન્મ પછી એને મોક્ષ મળી જશે. અને તને ખબર નહીં હોય એ તો આ જીવન મરણની જંજાળમાંથી છૂટી જશે પણ હું પોતે ઈશ્વર હોવા છતાંય આ જન્મ મરણની જંજાળમાંથી નહીં છૂટી શકું અને મારે અનેક જન્મ લેવા પડશે અને દરેક જન્મમાં દુઃખ સહન કરવું પડશે. અને ખાલી શબરીએ રાહ નથી જોઈ, મેં પણ જોઈ છે અને એ પણ ડર સાથે કે કદાચ એની શ્રદ્ધા ડગી ના જાય. અને મેં તને પહેલા કહ્યુંને એમાં થોડો બદલાવ કરું છું, 'ચાલ હું તને એક વ્યક્તિને મળાવું જેની મેં વર્ષો સુધી રાહ જોઈ છે'

અંતિમ સ્પર્શ:

ભક્તિમાં તાકાત હતી જો એનો ઉદ્ધાર થઈ ગયો,
હતો ઈશ્વર હું તોય જન્મમરણના દ્વાર રહી ગયો.

- નિશાંક મોદી

Monday, March 19, 2018

Gandhi- A hero of INDIA

Gandhi- A hero of INDIA

મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ જે ભારતના બે ભાગલા પાડી શકે. ક્યારેક કોઈ ચર્ચામાં ગાંધીજીના વખાણ કરજો એટલે ખ્યાલ આવી જશે કે એમની વિરુદ્ધ જનારા આજે પણ મળશે. તોડી નાખું ફોડી નાખું દેશ માટે બીજાનું નુકશાન કરી નાખું એવા લોકો જ એમની વિરુદ્ધ માં હોય બાકી જેને જીવનમાં શાંતિ જોઈતી હોય એ જ ગાંધીજીને સમજી શકે. એ મહાત્માથી પણ અન્યાય સહન નતો થયો પણ એમની વિરોધ કરવાની રીત જુદી હતી. એમની પાસેના બે હથિયાર એમને જીતાડતાં અને એ હથિયાર કઈ લાકડી કે બંદુક ન હતા એ તો હતા સત્ય ને અહિંસા. અન્યાય સામે ઝૂકવું નહિ અને સત્ય નો સાથ આપવો પણ હિંસાત્મક કાર્ય કરીને નહિ પરતું લડ્યા વગર. ઘણા સ્વત્રંતસેનાનીઓં ના જીવન લુપ્ત થયા આઝાદી માટે કારણ કે તેમની લડવાની પદ્ધતિ ખોટી હતી. અને આ વાત ગાંધીજીને ખબર હતી કે ઘરમાં કોઈ એક માણસ ગુજરી જાય તો થોડા સમય માટે આખું ઘર ગુજરી જાય અને એટલે જ ક્યારેય એમને હિંસાનો પ્રયોગ નતો કર્યો. હા પણ આઝાદી મેળવવાનો પ્રયાસ સતત ચાલ્યું જ રાખ્યો તો અને એ પણ સત્યને સાથ છોડયા વગર.
એ મહાન આત્મા હવે થોડાક લોકોના દિમાગમાં જ રહે છે. એક કિસ્સો બન્યો જેણે મને ગાંધીજીની યાદ અપાવી. એક ભાઈ કાર લઇને જઈ રહ્યા હતા અને અચાનક એક એકટીવાવાળી છોકરીને ટક્કર મારી. છોકરી પડી અને હાથમાં વાગ્યુંને લોહી નીકળવા માંડ્યું. દસ મીનીટમાં તો ટોળું જામી ગયું અને પેલાં કારવાળા ભાઈ પર ચઢી બેઠું. પેલાં ગાડીવાલાની વાત સાંભળવા કોઈ તૈયાર જ ન હતું, મામલો આગળ વધ્યો અને લોકોએ જ પેલાં ગાડીવાળાને પાઠ ભણાવાનું હાથમાં લીધું. થોડો માર્યો એને અને ગાળો ભાંડી આખરે એને પણ લોહી લુહાણ કર્યો. ગાંધીજીને સમજનાર જો માણસ ત્યાં કોઈ હોત એકની જગ્યાએ બે માણસ લોહીલુહાણ ના થાત. આ તો આગ બુઝાવા આગ લગાડી જેવી વાત થઇ. અત્યારે લોકો કાયદાનું પાલન કરતા એનું ઉલ્લંઘન વધારે કરે છે અને એમાય કોઈ જયારે કાયદો થોડે ત્યારે તો ખાસ.

અંતિમ સ્પર્શ:

આઝાદી મેળવવા મળેલી ફરી આંધી નહિ મળે,
અફસોસ રહેશે કે ભારતને હવે ગાંધી નહિ મળે.

-નિશાંક મોદી

Thursday, March 15, 2018

લેખ: ઉનાળો

લેખ: ઉનાળો

શું બહારનું ટેમ્પરેચર વધ્યું છે? કોઈ કહેશે હાસ્તો વળી, દર વર્ષે ઉનાળામાં ગરમી વધતી જ જાય છે ને, જોને પાંચ સાત વર્ષ પહેલાં આપડે પિસ્તાલીસ ડિગ્રીમાં રહેતા તા અને હવે તાપમાન સુડતાલીસ ને અડતાલીસ પર પહોંચ્યું છે. તો શું ગરમી વધી રહી છે. મ્યુનિસિપાર્ટીના મેસેજ પણ આવે છે ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ. હા, ગરમી દિવસેને દિવસે વધી તો રહી છે પણ આ ઉપરાંત ગરમી વધુ લાગવાના કારણો પણ આમાંથી બાકાત નથી.

બાળપણમાં ભણવામાં શિયાળો ઉનાળો ને ચોમાસુ ત્રણ જ મુખ્ય ઋતુ ભણાવવામાં આવતી પણ એની અસર આપડા શરીર પર ત્યારે જ વર્તાતી જ્યારે એના પર સીઝનના કપડાં ચઢતા. સ્વેટર ચઢે એટલે શિયાળો, પરસેવો નીતરે એટલે ઉનાળો ને રેઇનકોટ કે છત્રી પલળે એટલે ચોમાસુ. ના કોઈ જ્ઞાનની વાતો કે ના કોઈ ઋતુના બદલાવની શરીર પર અસર. મને હજુય યાદ છે કે અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યાં ક્યારેય એસી જોયું જ ન હતું. બસ એટલું સાંભળ્યું તું કે એનાથી બિલ બહુ આવે. હકીકતમાં શરીર આપડું એસીથી ટેવાયેલું જ ન હતું જે ખરેખર સારી વાત હતી. ગરમીમાં બહુ જ રખડતા અને વેકેશન પણ ઉનાળામાં જ આવે એટલે બીજું કામ શું. તડકામાં રમાતુ ક્રિકેટ એ તો જાણે જીવનનો ભાગ જ બની ગયો તો.

સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ક્રિકેટ જ ટીચતા. બપોરે જમી, દોસ્તારો ના ઘરોમાં પત્તાં અને ખાસ કરીને કોડીથી જમીન પર બનાવેલું અમદાવાદ રમતા. સાંજ પડે એટલે પાછું ક્રિકેટ અને રાતે મિત્રો જોડે બે કલરવાળા ગોળાનો આનંદ માણવાનો. એક વાત તો ચોક્કસ છે કે ઓરેન્જ કે કાલાખટ્ટ સાથે ગુલાબ કે ખસ એ બે ના ખાટામીઠા કોમ્બિનેશન ને કોઈ મિલ્કમેડ નાખેલા માવાબદામ ના પહોંચી વળે. રાતે ઠંડી થયેલી પથારી ધાબા પર સુવાની મજા આજના એસી કરતા ઘણું સારું હતું. ક્રિકેટ રમતા ચહેરાનો કલર કાળો થઈ જાય, સન્સસ્ક્રીમ લોશન તો શું હતું એની તો ખબર જ ન હતી.

સમય બદલાયો પંખા કરતા એસીનો ઉપયોગ વધ્યો. ઘરમાં ઓફિસમાં બધે જ એસી. સાયન્સ કહે કે ના કહે માણસો ચોક્કસ કહે છે કે એસીમાં રહેવાની આદતથી માણસ ગરમી સહન કરવાની શક્તિ ગુમાવે છે. સહેજ ગરમી લાગે ને અકળાઈ જાય. ઉનાળામાં તો જો કોઈના ઘરમાં પંખાનું રેગ્યુલેટર જો 1 કે 2 પર મળી જાય તો પોતાને ધન્ય સમજવું. ગરમી તો ચોક્કસ વધી છે પણ સામે માણસની ગરમી સહન કરવાની શક્તિ ઘટી છે. મહિને એકાદવાર ગોળો ખાવા જઈએ તોય ચેક કરીએ બરફ તો બરાબર છે ને. બપોરના જમવામાં કાચીકેરી ને ડુંગળીના ઝીણા સમારેલા ટુકડાથી બનાવેલું કચુંબર ખાવાની સલાહ મળે જે બાળપણમાં લૂ લાગી જવાની બીકને જાગૃત કરે. આમ તો નાનપણમાં આટલી ગરમીમાં રખડયા પછી પણ કોઈ દોસ્તારને લૂ લાગીતી એવું યાદ નથી.

આખી બાયના કપડાં અને હેન્ડગ્લોવસ પહેરવાં, માસ્ક લગાવવું, શક્ય એટલું પાણી પીવું, બોડી ને ડિહાઇડ્રેટ થતા બચાવજો આવા સૂચનો ઉનાળામાં જ સાંભળવા મળે. શરીરનો એક નિયમ છે કે જેવું શરીરમાં પાણી ઓછું થાય એટલે તરસ લાગે, આ વાત હવે સમજાય છે પણ બાળપણમાં પોતાની રીતે અનુસરાતી. સમયનું પરિવર્તન એટલું માણસોમાં જોવા મળે છે કે માણસના મનમાં ભય ઉભો કરે છે. કદીય કોઈને યાદ છે કે નાનપણમાં ઠંડુ પાણી પીવા જતા હોઈએ અને મનમાં વિચાર આવે રહેવા દે ગળું બેસી જજે, શરદી ખાંસી થશે. અને હવે પહેલો ઘૂંટડો જાય અને ગણતરીઓ ચાલુ કે બહુ ઠંડુ છે મિક્ષ કરવું પડશે અને માટલું તો કદાચ ભવિષ્યમાં નામશેષ થઈ જશે.

કોલેરા ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગો નો મુખ્ય સ્ત્રોત એટલે કેરી અને શેરડીનો રસ. કારણ એક જ એમા ઉમેરાતો બરફ. આજકાલ જે આપણે ચોકસાઈ લઈએ છીએ એ આપણી શરીર પ્રત્યેની કાળજી કે ભય ની લાગણી એ નક્કી કરવું મુશ્કેલ છે. હાલમાં જ અમે મિત્રો શેરડીનો રસ પીવા ગયા, થોડાક જણાએ કીધું બરફ વગર આપજો. હું વિચારમાં પડ્યો કે શેરડીનો રસ જો બરફ વગર હોય તો એમાં મજા શું રહેશે. કદીક એમ લાગે કે ભણતર જરૂરી તો છે પણ એટલું બધું પણ નહીં કે માણસ ને ખાવા પીવામાં રોકટોક શરૂ કરી દે અને નાની વાતોમાં પણ હેલ્થ કોનસીયસ બનાવી દે. આપણા દેશમાં જો એવું માનતા હોઈએ કે બધું જ ખાવાપીવાનું હાઇજેનિક હોવું જ જોઈએ તો આપણે ખોટા છીએ. મેં ફાઈવ સ્ટાર હોટલના બુફેમાં સલાડ પર પણ મસી ઉડતા જોઈ છે. મજા જેવી કોઈ મજા નથી. વિચાર્યા વગર ખાવો પીવો આનંદ કરો, ઉનાળો છે એને પણ માણો. જે સૂરજ અત્યારે આકરો લાગે એજ શિયાળામાં સારો લાગશે અને વિટામિન ડી આપશે...લ્યો પાછી આવી ગઈ જ્ઞાનની વાતો...કરું જ ને હું પણ તમારા જેવો જ નહીં એક એસીમાં રહેનારું ઉનાળુ પ્રાણી.... :)

અંતિમ સ્પર્શ:

રખડતા જે તાપમાં ને ચહેરો પછી કાળો થતો,
હજીય માનું બાળપણમાં ઉનાળો રૂપાળો હતો.

- નિશાંક મોદી

Friday, March 9, 2018

લઘુકથા: ચુકેલી ગાડી, બદલાયા માણસો

લઘુકથા: ચુકેલી ગાડી, બદલાયા માણસો

કાલે સવારે મારે દિલ્હી જવા ટ્રેન પકડવાની હતી. આગલી રાતથી જ મેં તૈયારી કરી લીધી હતી. કપડાં, પૈસા, બેંક કાર્ડ, મિટિંગનો સામાન, આઈડી પ્રુફ, ટિકિટ બધું જ વ્યવસ્થિત ગોઠવી ને બેગમાં પેક કરીને મૂકી દીધું અને એલાર્મ પણ સવારે 4 વાગ્યાનું ગોઠવી દીધું. સવારે જવાની ચિંતામાં ઊંઘ રાતે સહેજ મોડી આવી અને એ પણ ભણકારાવાળી, સહેજ કઈક અવાજ થાય અને મનમાં વિચાર આવે એલાર્મ વાગ્યું લાવ જવાનો સમય થયો છે. અપૂર્ણ કહી શકાય એવી ઊંઘ તોય સંપૂર્ણ રાત પહેલા એટલે કે સવારે 4 માં પાંચ કમે મારી આંખ ઉઘડી ગઈ અને મારી સફર શરૂ થઈ.

હું સમયની સાથે ચાલવાવાળો માણસ એટલે ક્યાંય પણ જલ્દી નથી પહોંચતો. હું મારા ઘરના લોકો મિત્રોને મળી વહેલી પહોરે નીકળી ગયો મારી ટ્રેન પકડવા. રસ્તામાં કોઈ નેતાના આગમનને કારણે રસ્તાઓ થોડાક સમય માટે સ્થગિત થયેલા જોવા મળ્યા. હું ઘડીક મૂંઝાયો કે કદાચ હું ટ્રેન ચુકી તો નહીં જાઉં ને. મેં મારા મનને સાંત્વના આપી કે ના એવું કહી નહીં થાય...આખરે ના છૂટકે મારે રસ્તો બદલવો પડ્યો. મહામુસીબતે હું સ્ટેશન પર પહોંચ્યો ત્યાં ટ્રેન નીકળી ગઈ તી. હું ટ્રેનના નિર્ધારિત સમયથી ફક્ત 15 મિનિટ જ મોડો પહોંચ્યો. પછી મેં બીજી ટ્રેનની તપાસ કરી જે સાંજની હતી અને મિટિંગ બપોરે, નહીં મેળ પડે. એક વખત થયું કે બાય રોડ નીકળી જવું તોય મને લાગ્યું કે ફાઇનાન્સ તરીકે મોંઘુ પડશે. આ બધી દોઢધામમાં મારી નજર ફક્ત ને ફક્ત મારી ઘડિયાળ અને હૃદયની ધડકનો પર જ ચોંટેલી હતી. જાણે આ મિટિંગ ચુકી જઈશ તો હ્ર્દય બંધ થઈ જશે. બેબાકળા અને થાકેલા મનને લીધે મેં બધા વિચાર માંડી વાળ્યા. હું ટ્રેન ચુકી ગયો અને ઘરે પાછો આવ્યો.

ઘરે આવતાની સાથે મારા ઘરવાળાઓ મારી પર જાણે તૂટી જ પડ્યા. કહેવા લાગ્યા કે તને કોઈ જવાબદારીનું ભાન ન નથી, તું ક્યારેય લાંબું વિચારતો જ નથી, પૈસા ખર્ચી અમે તારી ટિકિટ કરાવી અને તું ચુકી ગયો. ક્યાંક જવાનું હોય તો તૈયારી તો કરવી પડેને. મિત્રો કહેવા લાગ્યા કે તું બેદરકાર છું, થોડીક જવાબદારી તો સ્વીકારવી પડે.

બે દિવસ વીત્યા અને હું બેઠો બેઠો વિચાર કરતો રહયો કે હું ક્યાં ખોટો હતો. મિટિંગની તૈયારી મેં બરાબર કરી તી, સવારે લઈ જવાનો સામાન રાતથી જ તૈયાર કરી લીધો તો, એલાર્મ પણ સમયસર જ વાગ્યું અને હું પણ ટાઈમ્સર જ ઘરે થી નીકળ્યો તો. સ્થગિત થયેલા રસ્તાઓને કારણે મારો રૂટ બદલવાનો નિર્ણય પણ સાચો હતો. મારી બીજી ટ્રેનની તપાસ અને બાય રોડ ન જવાની વાત પણ ક્યાં ખોટી હતી.

હા પણ મેં જે જાણ્યું એ ખૂબ અગત્યની વસ્તુ હવે કહું છું. મારી મિટિંગ પહેલાની તૈયારીની કદર ના થઇ, બે દિવસથી બેગ પેક કરતો હતો એ કોઈએ ના જોયું, જ્યારે કેટલાય લોકો ઊંઘતા તા ત્યારે મારુ એલાર્મ કોઈને ના સંભળાયું. મારી ટ્રેન સુધી પહોંચવાની ઝંખના અને ચુકી જવાની ચિંતા કોઈને માનસપટલ પર ના અથડાઈ. ઘડિયાળ પર વારંવાર જતી મારી ડર ભરેલી આંખો કોઈને ના દેખાઈ. ચુકી ગયેલી ટ્રેન બાજુએ મુકતા નવી ટ્રેનની શોધખોળ દરમ્યાન થયેલી દોડધામ કોઈને ના સમજાઈ અને જો હું એટલો જ બેદરકાર કે જવાબદારી વગરનો હોત તો મારી આટલી તૈયારી હોત. સાહેબ અહીં હું ટ્રેન નહીં માણસોના સાચા સ્વભાવ સમજવાનું ચુકી ગયો તો. એક મિટિંગ, ટ્રેનની ટિકિટની કિંમત એક માણસને થયેલી દોડધામ કરતા વધારે થોડી જ હોય. અને જે લોકો સલાહ આપતા હોય એ લોકો ભૂતકાળમાં બધે જ સમયસર પહોંચી ગયા હશે અને કદાચ પહોંચ્યા હશે તો ભવિષ્યમાં એ ક્યારેય એ કદીય એક ટ્રેન નહીં ચુકે...આ તો બધી હતી દ્રષ્ટિકોણની વાત બાકી પૃથ્વી ગોળ છે અને માણસો સીધા બંને વાત ખોટી છે...

અંતિમ સ્પર્શ:
કોણ કહી શકે મને કે, હું મંઝીલ ચુકી ગયો,
નકાબભર્યા ચહેરા તો જો હું ઓળખી ગયો.
- નિશાંક મોદી

Thursday, March 8, 2018

Man=Woman

#Just_For_Men #Funny_Post

#Woman_without_'Man'....'Wo' ('Who')?

#Problem:
આજે મેં સ્ત્રીઓના દિવસ માટે પોસ્ટ કરી પણ મારા ઘણા મિત્રો નાખુશ થયા (Verbally)😂...એમણે કહ્યું કે તારી પોસ્ટમાં જરાય ખોટું નથી પણ તે કદીય પુરુષોના દિવસ પર પોસ્ટ નથી કરી...એનાથી અમને ખોટું લાગ્યું....એ લોકોએ 19-Nov (Men's Day) ની મારી પોસ્ટ શોધીને બતાવી કે આટલાં વર્ષોમાં તે ક્યારેય પુરુષ વિશે પોસ્ટ નથી કરી...

#Solution:
આ વિશ્વ જેટલું મારું છે એટલું જ તારું છે,
સ્ત્રીના અભિમાન સાથે પુરૂષનું ગુમાન સારું છે,
સાથ પુરૂષનો મળ્યો એટલે આટલી ચમક સ્ત્રીમાં,
પૂછ રાત કહેશે કે દિવસ વગર મારે ત્યાં અંધારું છે...
(રાત: કેવી.....સ્ત્રીલિંગ, દિવસ: કેવો.....પુલ્લિંગ)

#Conclusion:
A=B, B=C.....means A=C
Believing gender equality, 👨=👩....Means Happy Women's Day= Happy Men's Day

- નિશાંક મોદી

Monday, March 5, 2018

માણવા જેવું નહીં માનવા જેવું સત્ય

માણવા જેવું નહીં માનવા જેવું સત્ય:😢

ભારત દેશના લોકો જ્યારે વિદેશમાં કોઈનો શિકાર બને છે ત્યારે આપણે વિદેશના લોકોનું ખોદીએ છીએ. કદાચ કેટલાક વિદેશી લોકો ખરાબ હોય પણ ખરા એની ના નહીં પણ કદી એ વિચાર્યું કે આપણે આપણા જ જુદા જુદા રાજ્યોના લોકોને સ્વીકારી નથી શકતા. યુપીવાળા ને મરાઠી આવડવું જોઈએ, નેતા આજ સમાજનો હોવો જોઈએ, કોઈ મારી જ્ઞાતિ વિશે આવું કઈ રીતે કહી જાય...

સાહેબ જો આપણે એક જ દેશના બીજા રાજ્ય અને સમાજમાંથી આવતા લોકોને સ્વીકારી શકતા નથી તો વિદેશી લોકો તરફથી આશા રાખવી એ આપણો જ ગુનો કહેવાય...

અંતિમ સ્પર્શ:
બદલાય તું પહેલાં ને જો પછી તારો દેશ બદલાશે,
જગાડ માણસાઈ અહીં જો પછી પરદેશ બદલાશે...

- નિશાંક મોદી