વોટ્સએપ- અવાજ વગરની વાતો
જ્યારથી મોબાઈલમાં વોટ્સએપ ઇન્સ્ટોલ થયું છે, થોડા થોડા દિવસે આપણે નવા નવા ગ્રુપમાં ઉમેરાતા જઈએ છીએ. જુના સ્કૂલમિત્રોનું, કોલેજમિત્રોનું, ઓફિસનું, ક્રિકેટ ટીમનું, સોસાયટીનું, પ્રોજેક્ટનું, સંબંધીનું, જ્ઞાતિનું એવા તો કેટલાય ગ્રુપમાં આપણે હોઈએ છીએ. એમાંય પાછા આપણા જ લોકો એક કરતાં વધુ ગ્રુપમાં હોય. સવાર બપોર સાંજ હોય કે રાત, આખો દિવસ મેસેજ, ફોટોસ, વિડિયોઝ આવ્યા જ કરે અને એ પણ પાછા રિપીટ. ઘણીવાર એમ થાય કે એક મિનિટમાં 72 ધબકારા ના પણ થાય પણ હા વોટ્સએપમાં એનાથી તો વધારે 1 મિનિટમાં મેસેજ આવી જાય. ઘણા ગ્રુપ તો એવા જોખમી હોય છે કે ફોટો કે વિડીયો ઓટો ડાઉનલોડ પણ ના રખાય (You know what I mean).
કેટલાય સારા મેસેજીસ આવે કેટલાંય ગપ્પા આવે. કોક તો વળી પહેલી બે લાઇન સાંભળી આખો વિડીયો જ મોકલી દે. અરે ભાઈ કેમ આટલી ઉતાવળ તમે તો જોઈ લો પૂરો પહેલા...અમુક જણ તો જાણે કવિક રીડર હોય એમ તરત જ રીપ્લાય કરી દે. કદીક તો એમ લાગે કે માણસ કેમ કહે છે કે હું ફ્રી નથી. એના વોટ્સએપ યુઝ પરથી તો લાગે કે આની જોડે કઈ જ કામ નથી. ઘણા પાછા અધીરા હોય, ગ્રુપમાં મેસેજ નાખી તરત ઇન્ફો જુએ કે કઈ પાર્ટીએ મેસેજ વાંચ્યો અને જજ પણ કરી લે કે આ સાલો મેસેજ વાંચે છે પણ કદીય રીપ્લાય નથી કરતો. અરે સામેવાળો રીપ્લાય કરે એ જરૂરી તો નથી ને અને એમ પણ બને કે એને ધ્યાનથી વાંચ્યો કે જોયો પણ નથી, ખાલી સ્ક્રોલ કરી બધા મેસેજ ફેરવી દીધા. એમ પણ બને કે કોઈ કામ માં ફસાયો હોય. સૌથી ખરાબ એ કે મેસેજ ના રીપ્લાયની તરત રાહ જોવાની. ભાઈ આટલી જ ઉતાવળ છે તો ફોન કરી દે, મેસેજ કેમ?
વર્ષો પહેલાંનો કોઈ મેસેજ ફરીથી નવો થઈને આવે. કોઈ સુવાક્ય હોય તો સમજ્યા પણ કેટલાય તો બાબો 5 વર્ષ પહેલાં ખોવાયો હોય અને કોઈએ પોસ્ટ કરી હોય એને કોપી કરી હવે મોકલે...ભાઈ થોડિક શાંતિ રાખો, ખોવાયેલો બાબો પોતે વોટ્સએપ વાપરતો થઈ ગયો છે હવે તો. ઘણા તો ખાલી ફોરવર્ડ કરે પણ વિચારે જ નહીં કે સાચું છે કે ખોટું. વોટ્સએપથી ફેલાતી અફવાઓ પહેલા ના જમાનામાં ફેલાતી અફવાથી વધુ ખતરનાક હોય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ સાબિત થઈ શકે ભલેને એ પછી પાણી જ કેમ ના હોય. મિત્રોના સંપર્કમાં રહેવું એમાં કઈ જ ખોટું નથી પણ મેસેજનું તથ્ય જાણ્યા વગર મોકલવું બહુ જ ખોટું કહેવાય.
ગ્રુપમાં મેં મિત્રોને વાત વગર ઝઘડતા જોયા છે. પોલિટિકિસમાં મતભેદ, જવાબ ન આપવાની આદત, લખાણની રીત ઘણા બધા એવા કારણો મિત્રતામાં તિરાડ પાડી દે છે. એમાંય બાકીના ગ્રુપ મેમ્બર્સ મજા લે છે. કદાચ આજનો માણસ મીંઢાપણું શીખીને મોં તો બંધ કરી લે છે પણ હાથ અને આંગળીઓને રોકી શકતો નથી. કોણ કહે છે કે સંબંધ ખાલી સામસામે મળીને તૂટે, બે ચાર શબ્દો કાફી છે વોટ્સએપના....
અંતિમ સ્પર્શ:
ગણ્યા ગણાય નહીં, બધા મેસેજ વંચાય નહીં
તોય કોણ જાણે કેમ એના વિના રહેવાય નહીં.
- નિશાંક મોદી
No comments:
Post a Comment