Sunday, November 29, 2020

ટૂંકી વાત: ચા સાથે માસ્ક (મસ્કાબન નહિ હ...)


શિયાળો શરૂ થયા પછીનો પહેલો રવિવારનો દિવસ. ઉકળતી ચાની તપેલી રસોડામાંથી બહાર આવી. રકાબીમાં પીરસાઇ, જાણે મખમલી ચાદર પર ગુલાબની પાંખડીઓ...તરબતર રસ ને મસાલાથી ભરપૂર ચા સાથે છાપું ઊઘડ્યું. ચાર રૂપિયાના સમાચારપત્રમાં ખબરો વાંચી. કાલ સુધી તો માસ્કમાં સોના ચાંદી ઉમેરાઈ ગયા તા આજે હવે એમાં હીરાની જડત વાંચી, આનંદ થયો.

જાણતા-અજાણતા ચા સાથે માસ્કની સરખામણી થઈ ગઈ. કેવી જોરદાર વાત છે ચા ને પીરસવાની પણ. ઘરમાં ચા રકાબીમાં, ઓફિસમાં સોફીસ્ટીકેટેડ મગ કે કપમાં, કીટલી/રેકડી/ટપરી પર બાટલી સોડાના રિયુઝેબલ ગ્લાસમાં પીવાય, કોઈકના મેરેજમાં થર્મોકોલ ગ્લાસમાં અને રેસ્ટોરન્ટમાં.... ખ્યાલ નહિ મને યાદ નથી કે ક્યારેય રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ ને ચા મંગાવી હોય, ગુજરાતી સ્વભાવ યાદ દેવડાવે....આટલી મોંઘી તો કઈ પીવાતી હશે, બહાર જઈને પી લેશું, લીંબુ સોડાને પણ રેસ્ટોરન્ટમાં જલ્દી જશ નથી મળતો. આ બધાના ચક્કરમાં ભુલાઈ જ ગયું કે મહત્વ ચા નું હતું, બાકી બધી સગવડો અને ખર્ચ (કદાચ દેખાડો) કરવાના કારણો. બે રૂપિયાના માસ્કને પણ લોકો સગવડ પ્રમાણે કાપડ, ફિલ્ટર, લેયર, સોના, ચાંદી, અને ઠેક હીરા સુધી લઈ ગયા. પણ ક્યાં પહેરવું એ હજુ લોકોને શીખવવું પડે એમ છે. બધી વાત સાચી પણ એક પ્રશ્ન હજીય કોયડો જ છે બહાર દસ રૂપિયાની ચા પીવા ભેગા થઈશું અને માસ્ક ગળે હશે તો આ ચા એક હજારમાં પડશે, કદાચ રેસ્ટોરન્ટમાં ચા પીવાનું સપનું આ રીતે પૂર્ણ થઈ શકશે😀

- નિશાંક મોદી

No comments:

Post a Comment