ટૂંકો લેખ: ભમરડાનો ભાર
'એક ત્રણવાળો લાકડાનો, એક પાંચવાળો પ્લાસ્ટિકનો અને એક અઢી રૂપિયાવાળી જાળ આપોને" આવા જ વાક્યો હતા જ્યારે 90's ના બાળકો ભમરડો લેવા દુકાનમાં જતા તા...સાડા દસ રૂપિયામાં તો મહિનાનો ઉત્સાહ ઘરે લઈ આવતા. આજકાલ એ બાળકો હવે ત્રિસી વટાવી પોતાના બાળકો માટે સૌથી સસ્તું ને સારું પ્લેયસ્ટેશન ઓનલાઈન શોધી રહ્યા છે. ભમરડાને રમવાની સિઝન હોય એ વાત આજના બાળકોને કહીએ તો હસી પડે...આવું તો કઈ હોતું હોય ભાઈ!. પણ અમારા જેવા કેટલાંય લોકો એના સાક્ષી છે કે જે દોસ્તાર ના ત્યાં જાય ને બૂમ પાડે ચાલો ભમરડો રમવા! ઘણા મારા મિત્રો આ વાત સાથે સંકળાયેલા છે અને મને વિશ્વાસ છે તમારા પણ હશે જ.
હમણાં જ ખ્યાલ આવ્યો કે, ભમરડો ફેરવવો એ પણ એક કળા છે અને બાળપણમાં આ કળા ક્યારે શીખી ગયા એનો ખ્યાલ જ ન રહ્યો. શોખ વસ્તુ એવી છે કે તમને એ વિષયમાં પારંગત કરી દે છે. ભલે ભમરડો ફેરવી કોઈ કરિયર ના બને કે બનાવ્યું હોય પણ એ ફેરવી જે આનંદ મળે કે મળતો એ કોઈ પગારથી ઓછો ન હતો. સાતજાળ લઈ જો હાથમાં ભમરડો ફેરવતા આવડી જાય તો એમ જ સમજવું કે કોઈ પોતાની ટેક્નિકલ સ્કિલ દ્વારા પ્રમોશન જ મળ્યું છે. ભમરડાને ઘોયા મારવાની રીતથી, ભમરડો એક આંટો ફર્યો છે એની દલીલ સુધીની મેનેરીયલ સ્કિલ પણ બાળપણમાં જ વિકસી હોય છે.
જાળ (જાર કે જારી) ને સપોર્ટ માટે કોલ્ડડ્રિન્કનો બીલ્લો લઈ, માપની ખીલ્લીથી કાણું પાડવું, ભમરડાની અણી વળે નહિ એ રીતે જરૂર પૂરતી જ બુઠ્ઠી કરવી, જાળને ભમરડાના માપ પ્રમાણે કાપવી એ કદાચ એન્જીનીયર કે કારીગર બનવાની જ નિશાની હતી. અને જો બંને બાજુ ફિટ પકડેલી જાળ પણ ભમરડાને મુસાફરી કરાવતા આવડી જાય તો સમજવું કે આ વિષય પર પીએચડી થઈ ચૂક્યા છો. જમીન પર ફરતા ભમરડાને જાળીથી હાથમાં લેવો કે ડાયરેકટ હાથમાં લેવો એ શીખતાં અને શીખવાડતા એ સમય જ્યારે યાદ કરીએ તો આજના knowledge sharing session જેવી જ મનોભાવના લાગે. જે વ્યક્તિમાં આ શીખવાડવાની હોંશ બાળપણથી જ હશે, એ આજે પણ મન મુકીને પોતાનું જ્ઞાન વહેંચતો હશે. કોઈ ડાબોડી વ્યક્તિએ વિટેલી જાળ જમોડી લે તો એણે જાળ ખોલવી જ પડે એ જ રીતે જેમ લેફ્ટ ક્લિકવાળું માઉસ રાઈટ ક્લિકવાળું કરી દીધું હોય.
માન્યું કે, એક ફૂદરડી ફરતો ભમરડો કાંઈ જિંદગી તો ના બદલી શકે પણ મન ખુશ કરીને જે આનંદ આપી જાય એ આખી જિંદગીની બીજી કેટલીય ફૂદરડી ફરો તોય ના મળે...એ ભમરડાનો કોઈ ભાર ન હતો ખાલી આપણે એનો આભાર માનવાનો ભૂલી ગયા....
અંતિમ સ્પર્શ:
લાવ માણીએ આનંદ ફરી હાથમાં ભમરડો ને જાર મૂકી,
લાવ મનનો બોજો હળવો કરીએ હથેળી પર ભાર મૂકી.
✍️નિશાંક મોદી
No comments:
Post a Comment