લેખ: છુટેલો પ્રેમ, તૂટેલું દિલ
ભાઈસાબ, હૃદય તો કઈ તૂટતું હશે? પ્રેમ તો કઈ છૂટતો હશે? આવા સવાલો જો ફેસબુક પર મુકવામાં આવે તો જવાબમાં હાહાકાર મચી જાય. કેટલાંકના ઉત્તર હકારમાં કે કેટલાંક ના નકારમાં. આજકાલના છોકરા છોકરીઓના હૃદય જેમ ઝડપી વાહનો ટ્રાફિક સિગ્નલ તોડે તેમ તૂટે છે. પૂછો તો કહે તમને નહિ ખબર પડે હું એને કેટલો ચાહતો હતો. કોઈકે સરસ કહ્યું છે કે, 'જો તમને કોઈ ફૂલ ગમે છે તો તમે એને ચૂંટી લેશો પણ જો તમે ફૂલને ચાહો છો તો તમે તેની કાળજી લેશો' આજ તો ફર્ક છે લાઈકમાંને લવમાં.
એક વૈજ્ઞાનિકને પૂછો તો કહેશે હૃદય માત્ર પંપ છે, જે પુરા શરીરને લોહી પહોંચાડે છે. કોઈ પ્રેમીને પૂછશો તો કહેશે કે મારું હૃદય બીજા માટે ધડકે છે. ભાઈ ખાલી એક લીટર લોહી આપી દે, જો તારું ખુદનું શરીર જ કાબુમાં નહીં રહે. કોઈક મિત્રની પીઝા પાર્ટીમાં ગયા હોઈએ અને બાજુના ટેબલમાં દેખાવડી છોકરી ગમી જાય અને પછી ઘરે આવી મિત્રને કહે મને તો એની જોડે પ્રેમ થઈ ગયો યાર, કઈક નામ સરનામું શોધી લાય. પાછા મિત્રોય એવા સલાહ કે સમજાવાની જગ્યાએ નીકળી પડે મિશન લઈ જાણે 'ખોજ એક સચ્ચે પ્રેમ કી'. સાહેબ આવા પ્રેમે તો તમારો પીઝા બગાડ્યો. કોઈને જાણ્યા વગર ખાલી જોઈને તો કઈ પ્રેમ થઇ શકે? હા મોહ થાય એ અલગ વાત છે. બે ચાર મુલાકાત થાય, વાત કરવાનું મન થાય, એને પ્રેમ થયો એમ ના કહેવાય.
પ્રેમ તો એક લાગણી છે જે બીજા પર ગુસ્સો પણ કરાવે. તમારી ગમતી વ્યક્તિ પર જો તમે ગુસ્સો કરો એને પણ પ્રેમ કહી શકાય. ખરેખર પ્રેમ હોય તો એ છૂટતો જ નથી. અને જો છૂટી જાય તો સમજજો કે પ્રેમ હતો જ નહીં. કોઈ ઘાયલ હૃદયવાળા ને પૂછો તો કહેશે, હું તો એને ચાહતો તો પણ એણે જ દગો આપ્યો. ભાઈસાબ તમને કોઈ છોડીને જતું રહ્યું એનો મતલબ કે ગમે તે એકબાજુ પ્રેમ નહીં હોય અને બંને બાજુ પ્રેમ હશે તો કોઈ મજબૂરી હશે. આમાં આપડે પ્રેમને સમજી શક્યા નથી તો પ્રિય પાત્રને કેવી રીતે સમજી શકીએ.
એમાંય ઘણા તો ખાલી હૃદય તૂટવાની વાતો જ કરતા હોય છે. આપડી જોડે વાત કરતા હોય કે સાહેબ હું તો જબરજસ્ત લવ કરતો તો એને રાણીની જેમ રાખત પણ ધ્યાન એનું એક્ટિવા પાર્ક કરેલી બીજી છોકરી પર હોય. હવે આને પ્રેમ ક્યાંથી થાય અને થઈ જાય તો ઠીક પણ આવા લોકોનું હૃદય ક્યાં તૂટે. કોઈ તૂટેલા સંબંધ પાછળ આંસુ સારવા એના કરતાં બાકીના સંબંધો સાચવવા વધુ મહત્વના છે. જન્મથી લઈ મરણ સુધી કેટલાય નવા વ્યક્તિઓ જીવનમાં આવે છે અને નજર સમક્ષ કેટલીય પેઢી બદલાય છે. સિત્તેર વર્ષની ઉંમરે કઈ અઢાર વર્ષે થયેલો પ્રેમ યાદ નથી આવતો. એ થોડાક દિવસના ઉમળકા હોય છે જે સમય વીતે વિસરાઈ જાય.
ખૂબ જ હકારાત્મક વિચારીએ અને માની લઈએ કે કોઈએ સાચો પ્રેમ કર્યો છે, અને સામેના પાત્ર એ દગો કર્યો છે. તો પછી એવું માનીને ના જીવી શકાય કે હું બચી ગયો અથવા તો સામેવાળી વ્યક્તિ મારે લાયક ન હતી એટલે ઈશ્વરે જુદા કર્યા. કેટલાંય એવા કેસ છે જેમાં લવ પાંચ સાત વર્ષ રહ્યા હોય પણ મેરેજ બે ત્રણ વર્ષ પણ ના રહે. કદાચ આવા કેસમાં ઉમેરો થતાં અટકાવા ઈશ્વર લગ્ન જ ના થવા દે અને સંબંધ છૂટો પડાવી દે. ઈશ્વર દરેક પરિસ્થિતિનું નિર્માણ કરે છે એમ માની ખુદની જાત ન વાળી શકાય. હા સમય આપવો પડે પણ કશું અટકશે નહીં. કદાચ તમને મળતું નવું પાત્ર તમારે વધારે લાયક હશે.
પ્રેમ કરવો જ જોઈએ પણ એને છોડવા માટે નહીં. અને સાહેબ હૃદય તો કોઈ દિવસ તૂટતું જ નથી, મન પર થોડી આઘાતની અસર હોય છે. બાકી જ્યારે પણ કોઈ દગો કરી જાય ત્યારે એના માનમાં 'ચન્ના મેરેયા' ગીત ગાઈ લેવાનું પણ ખુદના આંનદ માટે.... નહીં કે કોઈના ગુમાવવાના શોક માટે.....
અંતિમ સ્પર્શ:
દેહમાં ધબકે એક પથ્થર જે કદી તૂટતો નથી,
સાચો હોય પ્રેમ તો સાથ એનો છૂટતો નથી...
-નિશાંક મોદી
No comments:
Post a Comment