Friday, July 20, 2018

ભીનું અમદાવાદ, ભરાયેલા માણસો

ભીનું અમદાવાદ, ભરાયેલા માણસો
તારીખ: 20 જુલાઈ 2018

બે યાર.....વરસાદ ક્યાં પડે છે, ઘેરાય છે પણ પડતો નથી, ખાલી અમદાવાદ જ કોરું છે, અમદાવાદ સિવાય બધે જ વરસાદ છે દોસ્ત, આપણા અમદાવાદમાં પાપ વધી ગયા લાગે છે હ....કેટલાય દિવસોથી આ વાતો થતી હતી. ચુપકેથી કોઈએ મેસેજીસ વોટ્સએપથી મોકલી દીધા અને વાદળો એ માજા મૂકી. કોઈક ને મજા અને કોઈક સજા.

બપોર સુધી તડકો અને સાંજે વરસાદ, એકાદ મિનિટ તો ફોરેન જેવી ફિલિંગ આવી ગઈ. સવારે ઓફિસ આવતા થયું કે રેઇનકોટ કે છત્રીની જરૂર નથી, સાંજ પડે એમ થયું કે સાલું આજે જ રેઇનકોટ કે છત્રી કેમ ના લીધી. પ્લાસ્ટિક બેગના બૅન પછી આજે એની સૌથી વધુ અછત ઉભી થઇ એવું લાગ્યું, શરીર ભલે પલડે પણ મોબાઈલને વોલેટ ના પલડવા જોઈએ આ ચેલેન્જ સાથે લોકો સાંજે ઓફિસેથી નીકળ્યા.

રોજ જે રસ્તે આવતા એ રસ્તો આજે લાંબો લાગવા માંડ્યો. રસ્તામાં નડતો વાહનો અને પાણીનો ટ્રાફિક માણસને રસ્તો બદલવા મજબૂર કર્યા. છબછબિયાં કરવા જેટલું પાણી હોય તો ભમ કરી એક્સીલેટર આપી નીકળી જવાય, બીજા પર છાંટા ઉડે પણ બાઇક કે એક્ટિવા બંધ ના પડવું જોઈએ પણ આ તો સ્વિમિંગ પુલમાં ઉતરવા જેવી વાત, આમાં આપડું બેલેન્સ રાખવું, વાહનનું કે ભરાયેલા પાણીની સામે વાઘ જેવું મોઢું ખોલીને કકળાટ કરતા સાઈલન્સરનું. સવારે ઉઠીને એક્સરસાઇઝ પણ થતી નથી પણ આજે બંધ પડેલા વાહનો ખેંચી લોકોએ આખા વરસનું સાટું વાળી દીધું.

ઘડીક વિચાર આવે કે રસ્તામાં પાણી છે કે પાણીના રસ્તા છે. ઉપરથી પડતા વરસાદથી ભીના થતા બચવા રેઇનકોટ કે છત્રી તો હોય પણ પાછળ આવતા વાહનોના હોર્નથી પલડતા બચવાનો કોઈ ઉપાય જ નથી. આજનો ભારતીય વાહનના હોર્નનો ઉપયોગ કરતા ખાલી શીખી જશે ને તો એક પણ દેશ સેવાનો એક ફાળો જ ગણાશે.

બાયોલોજીની લેબમાંથી ગુમ થયેલા દેડકાં આજે મળી ગયા. ડ્રાંઉં ડ્રાંઉં ના અવાજ પરથી બાળપણની સ્મૃતિઓ ઉભરી. બાકી સિઝન તો એવું લાગે કે આવું કોઈ પ્રાણી જ નથી.

ઘણી બધી નેગેટિવ વાત પછી એક પોઝિટિવ વાત. આનંદનગર રોડ પર આવેલા deer circle પર ટ્રાફિક પોલીસને ટ્રાફિક હેન્ડલ કરતાં જોઈ ખૂબ આનંદ થયો. ઉપર મુજબ મોબાઈલ 4 રૂપિયાવાળી સારા માઇક્રોનવાળી થેલીમાં સેફ હતો એટલે ફોટો ન પાડી શક્યો. લગભગ દસેક જેટલા પોલીસો જેમાં અમુક ફિમેલ પોલીસ ટ્રાફિકનું નિયમન કરતા નજરે ચઢ્યા. ચાલુ વરસાદમાં રેઇનકોટ કે છત્રી સાથે કે વગર કામ કરતા જોઈ  ઘણું સારું લાગ્યું. રસ્તાના ખાડા ખરાબ, લોકોની વાહન ચલાવવાની રીત ખરાબ, પાણી ખરાબ, મૌસમ ખરાબ, ટ્રાફિક ખરાબ....બધી જ ખરાબ વસ્તુઓની વચ્ચે માણસોને પોતાની જવાબદારીથી કામ કરતા જોઈ ઘણું બધું સારું દેખાવા માંડ્યું. અંતે મનમાં એવું લાગ્યું કે ઓફિસથી ઘરે પહોંચતા સુધીની સફર અઘરી જરૂર હતી પણ પુરી તો થઈ ગઇને. કારણ કે કેટલાંય ટ્રાફિક પોલીસવાળા હજુ તો ડ્યૂટી પર છે અને કેટલા વાગે ઘરે પહોંચશે એનો પણ એમને ખ્યાલ નથી. કદાચ મનમાં કહેતા હશે કે બે યાર.....વરસાદ ક્યાં પડે છે!

અંતિમ સ્પર્શ:
લાંબો લાગવા માંડ્યો, ઘર સુધી પહોંચવાનો રસ્તો,
પૂછતાં અમદાવાદીને કીધું વરસાદે, કેમ નથી હું વરસતો

- નિશાંક મોદી 'સ્પર્શ:'

No comments:

Post a Comment