લેખ: કૃષ્ણ- પ્રેમનો ફિલોસોફર
કોઈ ઈશ્વર માનવરૂપમાં જન્મ લે અને બધા જ પ્રેમના પ્રકાર અનુભવે અને સંદેશો આપે તો એને પ્રેમનો ફિલોસોફર જ કહેવાય ને. કૃષ્ણ- જેનું જીવન પ્રેમનો સંદેશ. ખાલી પ્રેમલા પ્રેમલીવાળો પ્રેમ નહિ, પણ પ્રેમના બધા જ પ્રકાર દર્શાવતો અને પામતો મનુષ્યરૂપી ઈશ્વર. પ્રેમની પરિભાષા પૂછીએ તો ઘણી મળે પણ દરેકમાં ઘણા તત્વો સામાન્ય જ મળશે જેમ કે લાગણી, હૂંફ, સ્નેહ, આપડાપણું, ભાવ, સંબંધ...
જે પ્રેમ પામે છે એ જ આપી શકે છે. શ્રી કૃષ્ણ બધા જ પ્રકારના પ્રેમ પામ્યા છે અને દરેકને આપવા માટેના સંદેશા પાઠયા છે. તો ચાલો જોઈએ કૃષ્ણે પામેલો અને શીખવાડેલો દરેક પ્રેમનો પ્રકાર.
માતપિતાનો પ્રેમ:
ઘણા બાળકો એવા હોય છે કે જેને માતા કે પિતા કે બન્નેનો પ્રેમ નથી મળી શકતો. કૃષ્ણની વાતમાં આ થોડુંક જુદું પડે છે. દેવકી અને વાસુદેવના ત્યાં અવતરી, ગોકુળના નંદ અને જશોદાના આંગણમાં ઉછરતા કૃષ્ણ બે માતાપિતાનો પ્રેમ પામ્યા. ઈશ્વરને જન્મ લેવા એક માતા પિતા જોઈએ અને ઉછરવા બીજા માતા પિતા એવો સંદેશ પાઠવે છે મનુષ્યજીવન સરળ નથી અને માતાપિતાનો સાથ જરૂરી છે અને એમનો પ્રેમ સફળ જીવનનો પાયો નાખે છે.
ભાઈબહેનનો પ્રેમ:
માતાપિતા પછી બીજા નંબર પર આવે ભાઈબહેનનો પ્રેમ. બલભદ્ર અને સુભદ્રા જેવા ભાઈબહેનનો સાથ હોય તો કપરા માં કપરો જીવનનો રસ્તો સરળતાથી પસાર થઈ જાય જેમ નાની ગલીઓમાંથી રથયાત્રાના રથ નીકળી જાય છે એમ જ. મુશ્કેલીના સમયમાં જો કોઈ આપડી જોડે દુઃખી થતું હોય અને સ્વસ્થ રહી સાચી સલાહ આપે તે ભાઈબહેન. લોહીનો સંબંધ જ્યારે સંદેશ આપે ત્યારે મનને પણ સ્વીકારવાનું મન થઇ જાય. લોહીમાં વહેતો પ્રેમ એટલે ભાઈબહેનનો સંબંધ.
મિત્રપ્રેમ:
એવું કહેવાય છે કે જેની પાસે મિત્ર છે એ ક્યારેય જીવનમાં એકલો નથી. સાચી ખોટી પણ માણસને પોતાની વાતો કહેવા માટે કોઈ મિત્ર હોવો જોઈએ. કેટલીક અંગત વાતો જે માતાપિતા કે ભાઈબહેન જોડે ના કરી શકાય એ માટે મિત્ર જરૂરી છે. સુદામા જેવો મિત્ર પામી કૃષ્ણ બધું જ પામી ગયા. મિત્ર સંબંધ જે આપણે નક્કી નથી કરી શકતા. આપણે ધારી લઈએ તો પણ કેટલાક મિત્રો જીવનભરના મિત્ર નથી બની શકતા. કેટલીક વાર પરિસ્થિતી, કેટલીક વાર સંબંધ કેટલીકવાર એકબીજાને સમજવાની શક્તિ મિત્રતા પર અલ્પવિરામ કે પૂર્ણવિરામ મૂકી દે છે. મિત્રપ્રેમ દર્શાવતા શ્રી કૃષ્ણ એ સંદેશો આપે છે કે બધું જ પામ્યા પછી જો મિત્ર માટે ત્યાગ કરી શકો તો જ તમે મિત્રપ્રેમ પામી શકો.
સમાજનો પ્રેમ:
તમે શ્રેષ્ઠ પુત્ર છો, ઉત્તમ મિત્ર છો પણ સમાજમાં તમારું નામ ખરાબ છે તો તમારું મૂલ્ય સામાન્ય જ રહેશે. સોસાયટીમાં નામ કરવું પણ એટલું જ જરૂરી છે જેટલું ઘરમાં. કારણ કે પહેલો સગો પડોશી. સમાજમાં ઉચ્ચ મૂલ્ય જીવનનું ઉચ્ચ મૂલ્ય બની રહેશે. ગોવર્ધન પર્વત ઉચકી બધા ગ્રામજનોને આશરો આપી મન જીતી લેનાર શ્રી કૃષ્ણ સમાજના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ આપી ગયા. સોસાયટીની મુંઝવણમાં નિઃસ્વાર્થ થઈ ઉભા રહેવું એ જ એમનો સંદેશ હતો.
ભોજનપ્રેમ:
'આઈ એમ ફુડી' આ શબ્દો સાંભળ્યા હશે. પણ આ શબ્દોનું પાલન કાનુડા એ બાળપણમાં માખણ પ્રત્યે બતાવી દીધું હતું. પાંચ ઇન્દ્રિયો પૈકી એક સ્વાદ ઇન્દ્રિય મનને ખુશ કરી જાય છે અને મોંમાં પાણી લાવી દે છે. ગમતું ભોજન એ ગમતા પાત્રના મિલન જેવું સુખ પ્રદાન કરે છે. કદાચ મૂડ બરાબર ના હોય પણ ભોજન ગમતું બનેલું હોય કે ગમતી વસ્તુ થાળીમાં હોય તો મન બદલતા વાર નથી લાગતી. માખણ મિસરીના રચિયાતા શ્રી કૃષ્ણ ગમતી વસ્તુને લઈ એવો સંદેશ આપી જાય છે માખણ જેવા પોચા અને મિસરી જેવા મીઠા બનો બધા જ સ્વીકારી લેશે.
સંગીતપ્રેમ:
'શોખ બડી ચીજ હૈ' આમ તો વાક્ય કોમર્શિયલ લાગે પણ ધ્યાનથી વિચારીએ તો આપણી જાતને ખુદ મળવું એના માટે શોખ જરૂરી છે. સંગીત એ મનને પલટાવી દે. ઉત્સાહમાં હોઈએ તો ધૂમધડાકાવાળું સંગીત અને ઉદાસ હોઈએ તો હળવું સંગીત. મેડિટેશનમાંય શાંત સંગીત. વાંસળીના કાણાં પર કાનાએ હાથ ફેરવી સંગીતના સુરો રેલ્યા તા. શું ધારત તો વાંસળી વગર ના વગાડી શક્ત પણ આંખો બંધ કરી દુનિયાભુલી પોતાનામાં આત્મદર્શન કરવુંય જરૂરી હતું. વાંસળીથકી કૃષ્ણ સંદેશ આપતા ગયા કે આસપાસ બનતી ઘટનાને ભૂલી પોતાની જાતમાં અંતરધ્યાન પામી ખુદને બીજી દુનિયામાં લઈ જઈ મનને ખુશ કેમ કરી શકાય સંગીતના માધ્યમથી.
પશુપ્રેમ:
શું ખાલી મનુષ્યને જ પ્રેમનો હક છે? ના દુનિયાના સર્વજીવોને પ્રેમનો અધિકાર છે. ઈશ્વરનું ટાઇટલ હોવા છતાં ગાયોની ચરાવી ગોવાળીયાનું કામ કરી મનુષ્યપ્રેમનું પશુપ્રેમમાં રૂપાંતરણ કરતા શીખવે એ કૃષ્ણ. ધારત તો માણસ ના રાખી દેત પણ પ્રેમ આપવા માટે ભાડેથી માણસ પહેલાય નતા મળતા અને હજીય નહિ મળે. અંદરથી ઉદ્દભવે એ પ્રેમ, ડોળ કરે એને તો બહુરૂપીયો કહેવાય. મનુષ્ય જેટલો જ પ્રેમ બીજા જીવોને આપવો એજ કૃષ્ણનો ગાયો પ્રતેયનો પ્રેમ અને સંદેશ.
ગોપીનો પ્રેમ:
મજાક જીવનનો એવો ભાગ જે આપણને સતત અહેસાસ કરાવે કે આપણે હજીય જીવીએ છીએ. ગોપીઓ સાથેનો સંબંધ એ કૃષ્ણનો અલગ ઉપદેશ હતો. કોઈકને હેરાન કરવાની મજા અને પોતાને ગમતા પાત્રથી હેરાન થવાની ઈચ્છા એટલે ગોપી ને કૃષ્ણનો સંબંધ. પજવણી કરનારની ફરિયાદ નોંધાવી ઉજવણી કરવાનો આનંદ શીખવતો ગોપીઓનો પ્રેમ. લાખ દુર્ગુણોની સામે રાસલીલામાં પોતાની સાથે ગરબે ઝૂમવાની તૃષ્ણા એટલે ગોપીનો પ્રેમ. હજારો ગોપીઓમાંથી એકનું નામ પણ કોઈને યાદ નથી અને છતાં કોઈને ચાહવાનો ઉદ્દેશ એ પ્રેમ અને એ જ કૃષ્ણનો સંદેશ.
રૂકમણીનો પ્રેમ:
સોળસો રાણી અને એક પ્રેમિકાને પ્રેમ કરનારને પણ પ્રેમ કરનાર કરુણાની મૂર્તિ એટલે રૂકમણી. શ્રી કૃષ્ણની પત્નિ તરીકે સ્થાન પામેલી રૂકમણી એટલે એવો જીવ કે જેણે કૃષ્ણને પ્રેમ કરતા શીખવ્યો. પ્રેમ પામીને નહિ પ્રેમ આપીને. પોતાના પતિને બીજા નામ સાથે સ્વીકારવાની સહનશક્તિ સ્ત્રીમાં જ હોઈ શકે. રૂકમણીનો પ્રેમ એટલે એવો સંદેશ કે જેમાં આપણને જે ગમતું હોય એ મળી જાય પણ એને બીજું કોઈ ગમતું હોય છતાં આપણે સ્વીકારી લઈએ.
ગુરુશિષ્યનો પ્રેમ:
પોતાનું જીવન એ જ સંદેશ પણ સમજવા માટે કોઈ અર્જુન જેવો શિષ્ય તો હોવો જોઈએ ને. આમ અર્જુન મિત્ર કહેવાય પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ જોડેથી જ્ઞાન મેળવીએ એ સંબંધ ગુરુ શિષ્યનો જ કહેવાય. અને સંબંધ હોય ત્યારે પ્રેમ આવે જ. જ્ઞાન પણ આપવા લેવા માટે થોડોક પ્રેમ તો હોવો જ જોઈએ. યુદ્ધના મેદાનમાં પણ હિંમત હાર્યા વિના અવિરતપણે લડવું એ પણ પોતાના જ ભાઈઓ સામે આ જ્ઞાન એક ગુરુ શિષ્યને પ્રેમ હોય તો જ આપી શકે.
ભક્તપ્રેમ:
મીરાંબાઈ હોય કે નરસિંહ મહેતા કૃષ્ણને અનુસરનાર અને ભક્તિ કરનાર પ્રતેયનો એક અલગ પ્રેમ હોય છે. આ લાગણીનો સંબંધ એકબીજાને સ્પર્શ કર્યા વગર જોઈ શકાય છે. ભક્તિરસમાં ડૂબેલા પ્રેમનું મહત્વ કઈક બીજું જ છે. ભક્ત અને ભગવાન એકબીજાના પ્રેમ વગર અધૂરા છે. નિઃસ્વાર્થપણે ઈશ્વરની ભક્તિ કરવી એ પણ ફળની આશા વગર એ કૃષ્ણભક્તોના પ્રેમની એક પરિભાષા જ છે. અને ઈશ્વર આખરે તો મદદ કરે જ છે એ કૃષ્ણનો ભક્તો માટેનો સંદેશ.
રાધાકૃષ્ણનો પ્રેમ:
બધાના પ્રેમની વાત થઈ ગઈ તો પછી રાધા કેમ રહી જાય. બધા જ પ્રેમને ઢાંકી દે કે પાછળ પાડી દે એવો પ્રેમ એટલે રાધાકૃષ્ણનો પ્રેમ. બીજા બધા પ્રેમમાં શ્રીકૃષ્ણનું નામ કદાચ ના લઈએ તો ચાલે પણ રાધાના પ્રેમમાં કૃષ્ણનું નામ ના લઈએ તો એ પ્રેમ અધુરો પ્રેમ કહી શકાય. નામ બદનામ થવાના ડર વગર, એક પ્રેમિકા કે પ્રેમી એકબીજા સાથે જે લાગણીઓની આપ લે કરે એ પ્રેમ એટલે સાચો પ્રેમ. સગાઈ અને લગ્નજીવન વચ્ચેનો સંબંધ સોનાનો સમય કહેવાય કેમ કે આ સમયગાળો બે વ્યક્તિઓ પ્રેમીપંખીડાનું જીવન ગાળતા હોય છે. આ સમયગાળો એટલે ઉત્કૃષ્ઠ સમય જ્યારે એકબીજાની બધી ખોટી વાતો અવગણી શકાય, ના સમાજની ચિંતા કે ના કોઈની પડી બસ હું અને મારી ગમતી વ્યક્તિ જ, આખી દુનિયા જાય તેલ લેવા. ગમે તેટલા હોશિયાર, સંબંધના જાણકાર હોઈએ પણ લગ્ન પછી જેવા સંબંધો નિભાવીએ છીએ એ કદાચ લગ્ન પહેલા નિભાવેલા સંબંધ જેટલો મધુર તો નહીં જ હોય. બધા જ પ્રેમની પરિભાષામાં શ્રીકૃષ્ણના સંદેશ છે પણ રાધા એ આપેલો પ્રિયતમાનો સંદેશ સૌથી અમૂલ્ય છે. ગમતી વ્યક્તિને છોડીને પણ પ્રેમ કેમ કરી કરવો એ પ્રેમ એટલે રાધાનો પ્રેમ અને એ જ એનો જીવનસંદેશ.
આપણા જીવનનો સંદેશ એટલો જ બને કે શ્રીકૃષ્ણ જેવા ઉત્તમ પ્રેમના ફિલોસોફરે આપેલા જ્ઞાનને અનુસરો અને બને એટલા ઉપરોક્ત સંબંધમાં પ્રેમની લાગણી ઉમેરી જીવનને સફળ બનાવવુ.
અંતિમ સ્પર્શ:
"પ્રેમની પરિભાષા શું?" સૌ પૂછે છે જે પ્રશ્ન,
પ્રેમના પ્રકાર સમજાવી ઉત્તર આપે એ કૃષ્ણ...
- નિશાંક મોદી
No comments:
Post a Comment