લેખ: હસતો ફોટો રડતો ચહેરો
સોશિયલ મીડિયા પર લગભગ પચાસથી વધારે જાણીતા અને અજાણીતા લોકોના પ્રોફાઈલ પીક્સ જોયા. એવું લાગ્યું કે દરેક માણસે પોતાનો સૌથી બેસ્ટ ફોટો રાખ્યો હશે. જીવનની યાદગાર પળો જેમ કે સગાઈવાળો, લગ્નપ્રસંગનો, બાળક સાથેનો, કપલ, નિખાલસ ચહેરાવાળો નેચરલ, ફેમિલી, સુંદર અથવા સ્પેશિયલ ઇફેકટવાળો કે આ ઉપરાંત આનાથી પણ કોઈ વિશેષ ફોટો.
મજાની વાત એ કે દરેક ફોટો હસતો ને ખુશખુશાલ જોવા મળે. તો શું બધા આટલા જ ખુશ હશે? અને જો હોય તો આજનો માણસ અંદરથી દુઃખી કેમ? કદાચ એમ બને કે હાલ વાત સ્વીકાર્ય ન લાગે કેમ કે હાલ કોઈ તકલીફ ન હોય. પણ વાતનો ખ્યાલ ત્યારે આવે જ્યારે તકલીફમાં હોઈએ અને આપડો જ હસતો ચહેરો સોશિયલ મીડિયામાં જોઈએ અને કહીએ જો કેટલો ખુશ હતો/હતી હું પહેલાં.....
કોઈ ક્યારેય તકલીફમાં હોય તો નીરસ ફોટો અપલોડ નહિ જ કરે. હકીકતમાં આપણને સૌથી બેસ્ટ વસ્તુ પસંદ કરવાની આદત પડી ગઈ છે અને સહેજપણ ના પસંદ વસ્તુ કે વ્યક્તિને આપણે સ્વીકારી શકતા નથી. પોઝિટીવીટી બાજુ એટલા આગળ વધી ગયા છીએ કે નેગેટિવ વસ્તુ પચાવી જ નથી શકતા. ફોટો અપલોડ કરતાની સાથે જ બે ચાર લાઈક આવી જાય એટલે મન ખુશ અને એના પછી થોડાક સમયનો વિરામ પડે એટલે વિચારવાનું ચાલુ, નેટ બંધ નથી ને, એપ્લિકેશન રિફ્રેશનો પ્રોબ્લેમ નથી ને. થોડાક મિનિટ પહેલા ચાલતું ઈન્ટરનેટ અને એપ્લિકેશ કઈ આપડા ફોટાના અપલોડથી બંધ ના થઇ જાય.
માની લઈએ કે બસો લોકોએ તમારો ફોટો પસંદ કર્યો છે પણ એમાંથી પંચાણું ટકા લોકોને તમારી હાલની પરિસ્થિતિની ખબર જ નહીં હોય. ગેલેરીમાં હજારો ફોટોસ પડ્યા હશે પણ એમાંથી સૌથી સારો શોધવાનું કહીએ તો આખો દિવસ નીકળી જાય અને નક્કી જ ન કરી શકીએ સૌથી બેસ્ટ કયો. કદાચ આટલો જ સમય આપણે પોતાના સાચા ચહેરા પાછળ આપીએ તો આપણામાં ઘણો ફરક પડી જાય. અને એક વાત તો બધા માનશે કે જે ફોટો અચાનક અને કારણ વગર પડ્યો હશે કદાચ એ જ સૌથી સારો હશે કેમ કે એમાં બનાવટ નહીં હોય. તમે તમારી મોજમાં હશો અને કોઈક ક્લિક કરી ગયું હશે તે ફોટો સૌથી રૂપાળો લાગશે.
મોઢા પર નિરસતાને વાતોમાં નિરાશ લોકોના હસતા પ્રોફાઈલ પીક્સ જોઈ લાગે કે માણસ હસમુખી હોવો જોઈએ. પાછી આપણામાં એક આવડત હોય છે કે માણસના ફોટા જોઇને આપણે એનો સ્વભાવ નક્કી કરી લઈએ છીએ. કદીક એમ બને કે હસતો ફોટો અંદરથી દુઃખી હોય અને સોગિયા મોઢાવાળો અંદરથી મજા લેતો હોય. પોતાનું બેસ્ટ પીક્સ મુકવામાં કોઈ જ વાંધો નહીં પણ પોતાની જાતને જોવી વધુ મહત્વની છે. આમ બાળકને મારે પણ અહીં બાળક જોડે વ્હાલ કરતો ફોટો મુકે એ કોને છેતરવા જેવું લાગે પોતાની જાતને જ ને.
જે આપણને ઓળખે છે એને ખબર જ છે આપણે કેવા છીએ, રંગમાં, રૂપમાં, સ્વભાવમાં, અણબનાવમાં. બીજાને પ્રભાવિત કરવાના ચક્કરમાં આપણે પોતાની ઓળખ ગુમાવીએ છીએ અને બીજા ચલાવે એમ ચાલીએ છીએ. એક વસ્તુ તો પાકી છે કે જેને તમે ગમો એને તમારી સારી ખોટી બધી જ આદતો સારી લાગશે અને જેને તમે નથી ગમતા એને બધી જ સારી ખરાબ આદતો ખરાબ લાગશે. તો હવે પછી બીજીવાર પોતાનો બેસ્ટ ફોટો (જે કદાચ હજુ પાડ્યો નહિ હોય) એ બદલવા જાવો ત્યારે એકવાર અરીસાને પૂછી લેજો કે અપલોડ કરું ને સાચો છે ને...
સૌથી ખરાબ સમયમાં કોઈ સૌથી સારું પ્રોફાઈલ પિક્ચર મૂકી દે એને પણ પોતાના માટે કરેલું મીઠું ઈમ્પ્રોવેમેન્ટ (#MeToo મૂવમેન્ટ નહિ) જ કહેવાય.....
અંતિમ સ્પર્શ:
આજે એણે સર્વશ્રેષ્ઠ ફોટો અપલોડ કર્યો,
અરીસો કહે, મને પૂછ સાલાએ ડોળ કર્યો.
- નિશાંક મોદી
No comments:
Post a Comment