Sunday, August 25, 2019

માઇક્રોફિક્શન વાર્તા: ભગવાનનો વારો

'લે દોસ્ત મારો વારો ગયો, હવે તારો વારો આવશે...' શ્રીકૃષ્ણ એ ગણેશજીને કહ્યું. 'ગજબ છે નહીં પ્રભુ, આપણી જ બનાવેલી સૃષ્ટિના ને આપણે જ બનાવેલા માનવો આપણને જુદી જુદી રીતે મનાવે છે.' ગણેશજીએ વાતના શ્રી ગણેશ કર્યા. 'ક્યારેક વાઘા, ક્યારેક લાડુ, ક્યારેક તો ડ્રાયફૂટ આહાહા... એવું લાગે જાણે સ્વર્ગમાં તો આ બધી વસ્તુઓનો સ્ટોક જ નહીં હોય. પ્રભુ તમને શું લાગે છે, આ બધા ખરેખર આટલો પ્રેમ કરે છે કે ખાલી બાહ્ય આડંબર છે.' ગણેશજીએ શંકા વ્યક્ત કરી.

શ્રીકૃષ્ણ એ કહ્યું, 'લોકોને આપણામાં શ્રદ્ધા તો હોય છે પણ ટકતી નથી. ઘરમાં એકાદ ખરાબ ઘટના બનશે અને લોકો ભગવાન બદલી દેશે. કોઈ એકાદ પ્રાર્થનાથી કામ થઈ જાય તો જેમ વેલને વૃક્ષનો સહારો મળે એમ માણસો પાછા બે-પાંચ વર્ષ માટે નવા ભગવાનને ઘરમાં સ્થાન આપશે. હું રોજ પીપળા પાસે ખંડિત થયેલી મૂર્તિને ફોટો આવતા જોવું છું અને વિચારું છું કે મારું સ્થાન પણ ઘરમાં અખંડિત હશે ત્યાં સુધી જ હશે. શંકાકૂશંકા માનવનો સ્વભાવ છે અને આપણો માફ કરવાનો'

આટલું કહી શ્રીકૃષ્ણ વૃંદાવન નીકળ્યા અને ગણેશજી આગમન માટેના તૈયાર થયેલા પંડાલ તરફ વર્યા...
- નિશાંક મોદી

No comments:

Post a Comment