સંપૂર્ણ સત્ય ઘટના: રંગાઈ ગયા તા રંગમાં
માર્ચ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ સતત ધ્યાન રાખ્યું પણ જાણે કોરોના નું વર્ઝન ૨.૦ આપડી રાહ જોઈ બેઠું હોય એમ લાગ્યું. આમ તો કદીય કોઈને એપ્રિલ ફૂલ બનાવ્યા નથી પણ આ મહિનો એટલે કે એપ્રિલ ૨૦૨૧ની શરૂઆતમાં જાણે કોરોના એ નાકમાં ચુપકેથી કહી દીધું....થપ્પો...રવિવાર રાત સુધી કઈ જ નહીં અને સોમવારે સવારે ઉઠો તો કમરમાં દુખાવો, ઝરતું નાક, ખોખરા ખાતું ગળું, ફેફસાં ફાડી દે એવી ઉધરસ, શરીરને અડો તો ધગધગતો તાવ, અને કપાળમાં જાણે વજનીયા મુક્યા હોય એવો ભાર.
છેલ્લા વીસ વર્ષમાં સામાન્ય તાવ પણ આવ્યો નતો એટલે લાગ્યું કે કંઈક અજુગતું છે. લોકોના અભિપ્રાયો અને ઈન્ટરનેટની હોશિયારી થી અડધા ડોકટર તો થઈ જ ગયા (કહેવા પૂરતા જ હો), અડધો કલાકમાં મેં જાતે જ ડાયજ્ઞોસીસ કરી લીધું કે આપણે કોરોના ના રંગમાં રંગાઈ ગયા છે. ખાતરી કરવા વિચાર્યું કે નજીકના ડોમ સેન્ટર પર જઈ આવીએ. હજુ તો ડોમ ખુલ્યું જ ન હતું ત્યાં તો પચીસ ત્રીસ જણા પહેલેથી જ ઉભા હતા. દસ વાગ્યાના ધોમધખતા તાપમાં (ભાઈ અમદાવાદમાં ગરમી લાગે હો) આપણો નંબર લાગવાની રાહ જોવા માંડ્યા. વારો આવે એ પહેલાં તો કોઈક ની જોડે વાત કરવા ખ્યાલ આવ્યો કે RT-PCR જ કરાવી લ્યો ને. કતાર અને નંબર છોડી લેબમાં પહોંચ્યા. આપણે રડીએ એ પહેલાં જ લેબવાળો રડવા માંડ્યો. કાલના નવસો સેમ્પલના રિઝલ્ટ જ નથી આવ્યા. આજે માણસ નથી આવ્યો. હમણાં નહિ થાય. બીજા ડોમ તરફ પ્રસ્થાન થયું. લાંબી લચક લાઇન જોઈ એમ થયું કે ઘરે વળી જઈએ પણ પછી વિચાર આવ્યો કે રેશનિંગની લાઇન હોય કે એરપોર્ટ પર સિક્યુરિટી ચેક, નંબર જલ્દી આવી જ જાય. ફરી તડકાની મજા લેવા બેઠા.
બસ વારો આવવાનો જ હતો ને ત્યાં PPE કીટ પહેરેલો માણસ જ બહાર આવ્યો માણસો ગણવા બેઠો. આપણી બે નંબર પહેલા જ રોકી દીધા અને કીધું કે બાકીના બપોર પછી, કીટ ખલાસ થઈ ગઈ છે. કીટ બાબતે રકઝક કરવામાં ક્યાં મજા હતી. નીકળ્યા ત્રીજો ડોમ ગોતવા. બે કલાકના અથાગ પ્રયત્ન બાદ માંડ નંબર લાગ્યો. ફોર્મ ભરાવ્યું, એક ડગમગતી પ્લાસ્ટિકની ખુરશીમાં માથું લંબાવ્યું. દાઢી કરાવવા જઈએ એના કરતાંય વધારે પાછું કરવાનું, સહેજ પાછળ હોત તો એવું જ લાગે ગબડી જાત. એક સળકડી નાકના બંન્ને ભૂગળામાં વારાફરતી નાખી, હાથની મજબૂત મુઠ્ઠી એ ટેસ્ટ કરનારને તકલીફ ના પડવા દીધી પણ આંખોમાંથી પાણી નીકળી ગયું. કદાચ પહેલીવાર એવું લાગ્યું કે આંખમાંથી નીકળતું પાણી દર વખતે ખારું નથી હોતું.
છેલ્લે આમ તો પ્રેગ્નન્સી ટેસ્ટ વખતે બે લાઇન જોઈને મન ખુશ થઈ ગયું હતું પણ આજે આ કિટમાં બે લાઇન જોઈને એટલું જ દુઃખ થયું. ઓલા લોકો કનર્ફમ કરે એ પહેલાં આપડે જ કર્નફમ કરી દીધું...પોઝિટિવ ને? કીધું તું ને નામના અડધા ડોકટર. પુરાવાના ફોટા પાડી, ખિસ્સામાં દવાના પડીકા ભેગા કરી, જાન ઘરે આવી. આપણે તો ટેન્શનમાં હતા હવે બીજાને પણ સમાચાર આપવાના હતા. સાંભળી બધાના મોતિયા મરી ગયા. હોમ કોરોન્ટાઇનનું ખરું પાલન ચાલુ થયું.
વારંવાર તાવની તપાસ, ઓક્ઝિમીટરના ઉતારચઢાવ હૃદયના ઉતાર ચઢાવ સાથે મેચ થવા લાગ્યા. છેક ૯૧ સુધી SPO2 જઇ આવ્યું, મન મનાવવા સેલ બદલી નાખ્યા. જીવનમાં બધું પહેલી થી જ વસાવી લેવાની આદત આજે કામમાં લાગી, ખરા સમયે ગોતવા ના નીકળવું પડે, એ વાત યોગ્ય લાગી. બધી જ વસ્તુઓ ઘરમાં હતી.
પહેલો દિવસ તો વીતી ગયો. વાસણ, કપડાં જાતે કરવાની ખરેખર તો મજા પડી. કદાચ કુદરત માણસને પાંગળો કરી દે કે જેથી કદીય અભિમાન ન કરી શકે. દરવાજાને હાથ લગાવવામાં પણ જો વિચાર આવે તો માનસિક પરિસ્થિતિ કેવી હશે તે સમજી શકાય. એક તરફ પોતાની તકલીફ સાથે ઘરમાં કોઈને ફેલાય નહિ એની ચિંતા સાથે પ્રથમ દિવસ પૂર્ણ થયો.
બીજા દિવસે સગાસંબંધીઓ અને મિત્રોના મેસેજ, ફોન કોલ્સ ની વણઝાર, બધાનો એક જ સવાલ ક્યાંથી લઈ આવ્યા. જવાબ પણ એક જ ખબર નહિ. આવા સમયે બધા સલાહ સુચન આપે પણ ગમે જ નહીં. કોઈ ખોટા નથી હોતા બધાને લાગણી હોય એટલે જ તો વાત કરે નહિતર હશે આપડે શું કહી છોડી ના દે. બોર્ડની એક્ઝામ યાદ આવી ગઈ જ્યારે બધા કહે આમ કરજે આમ નહિ, અને મને પણ લાગ્યું કે બોર્ડની એક્ઝામ કરતા આ પરીક્ષા થોડીક ભારે છે.
થોડા રિપોર્ટ કરાવ્યા, પ્રમાણમાં સારા આવ્યા પણ તાવ ૧૦૧ નો ચાંલ્લો છોડવા તૈયાર જ નતો. સાડા છસો મિલિગ્રામ ની પેરાસીટામોલ લઈએ તો સેન્ચુરી સુધી માંડ પહોંચે. સાંજે મસ્ત મજાના થેપલાં ખાધા પણ સ્વાદ ન આવ્યો. તરત લાઈટ થઈ ગઈ કે બોસ ટેસ્ટ ગયો. કમ્ફર્મ કરવા નાકે સૌથી સ્ટ્રોંગ ટાઇગર બામ ઘસ્યું, લાય તો જબરજસ્ત બળી પણ સુંગધ ના આવી. કોમન સેન્સે જાહેરાત કરી કે બોસ, પાંચમાંથી બે સેન્સ હાલ રજા પર ઉતરી ગયા છે.
લોકોને ઘણા સારા નરસા અનુભવો થયા હશે પણ મને તો લાગ્યું કે કોઈએ સાથ નથી છોડ્યો. ઘરના હોય, મિત્રો, સગાંસંબંધીઓ બધાય મદદ કરી, હાલચાલ પૂછ્યા, સૌથી મહત્વની વાત હિંમત અકબંધ રાખી. બે દિવસના પુરા થાક સાથે દિવસનો અંત થયો અને ત્રીજા દિવસની શરૂઆત થઈ.
સવાર પડતાં જ મોકાણ ચાલુ થઈ ગઈ, બોડી ટેમ્પરેચર ૧૦૨.૫ મનમાં કીધું આજે આપડે ગયા. નબળાઈ વધતી ગઈ, બે દિવસની દવા પછી આજે એસીડીટી ઉપડી. ટેસ્ટ પાછો ન આવ્યો એટલે ખાવામાં મજા બંધ થઈ ગઈ, ખોરાકના ડૂચા મારતા હોય એવું લાગે. માંડ થાળી પુરી કરી અને બે ઉલટી એ બધું બહાર. મગજ પણ કંટ્રોલમાં નહિ, બે ચાર જના ને ફોન કરી હોસ્પિટલાઈઝ થવાની તૈયારી રાખી. અડધો કલાક રાહ જોઈ અને પ્લાન મોકૂફ રહ્યો. ઘરમાં બીજાને ખાંસી ખાતા જોઈ માહોલ થોડો ડરવાનો લાગ્યો.
ચોથા દિવસે સતત તાવના ઉતારચઢાવ સાથે કહી ના શકાય તબિયત કેવી છે. કારણ એક જ થોડીક વાર સારું લાગે અને ઘડીકમાં બેચેની વધી જાય. બધું જ સમજી શકાય પણ સતત મનમાં ભય રહ્યા કરે અને કઈ જ કામ કરવાનું મન ના થાય. ટૂંકમાં કહીએ તો જાણે આપણું શરીર બીજા કોઈએ કાબુ કર્યું હોય એવી ફિલિંગ આવ્યા કરે. નિર્ણયશક્તિ બહુ જ નબળી અને જાણે એમ લાગે કે આત્મવિશ્વાસ શૂન્ય સ્તરે પહોંચી ગયો હોય. તાવ, ઉધરસ એ બધા કરતા આ સ્વાદ વગરનું ખાવાનું મનને ય મારી નાખે. મારા અનુભવ પરથી લાગ્યું કે જો સ્વાદ ના જાય તો માણસ ખાવાનું ખાઈને જ જલ્દી સ્વસ્થ થઈ જાય. રાતના ૧૧ વાગ્યાનો સમય, અચાનક તાવ ૧૦૩.૫ અને અસહનીય, દાખલ થવાની પરિસ્થિતિ આવી, એક બહુ જ નજીકના સગાંવહાલાંની મદદથી માંડ ૧ બેડની વ્યવસ્થા થઈ, બે ખાસ મિત્રો ૧ ફોન કોલમાં દોડી આવ્યા. બધાની મદદથી હોસ્પિટલમાં એડમિટ થયો. મેડિસિન અને ઇન્જેક્શનના કોર્સ ચાલુ થયો.
પાંચમા દિવસની શરૂઆત હોસ્પિટલમાં જ થઈ. બ્લડ સેમ્પલ લીધા, રિપોર્ટ થોડાક ખરાબ આવ્યા. એક દિવસ કોઈ જ ફરક ના પડ્યો, ઉપરથી આખો રૂમ ખાલી એટલે દ્રશ્ય વધારે ડરામણું લાગે. સ્ટાફ પણ ઓવરલોડેડ એટલે એ લોકો પણ જલ્દી પહોંચી વળે. વાંક કોઈનો નહિ બસ આપણી પરિસ્થિતિનો જેમાં આપણે સતત ચિંતામય રહીએ. જેમતેમ કરી દિવસ નીકળી ગયો અને રાત પણ.
છઠ્ઠા દિવસની શરૂઆત એક ખૂબ જ પોઝિટિવિટી સાથે થઈ, એક તરફ કેરલાઇટ્સ ક્રિચસન વ્યક્તિ (ફેબિનભાઈ) જે હોસ્પિટલ સ્ટાફ ના ઇન્ચાર્જ હતા અને ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા હતા. એમના એક અવાજ પર દરેક વસ્તુ હાજર થઈ જાય પછી એ દવા હોય, ઇન્જેક્શન હોય કે નાસ્તો કે લિકવિડ ડાયટ. ગર્વમેન્ટ ની ડિમાન્ડના કારણે હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને પ્રિ/પોસ્ટ ઓપરેશન એરિયાને કોવિડ વોર્ડમાં રૂપાંતર કર્યા છે. મારી સાથે રહેલા બંન્ને પેશન્ટ માં અજીબ પોઝિટિવિટી જોવા મળી. ફેબિનભાઈનો કામ પ્રત્યે લગાવ જોઈ એવું લાગે કે સતત કામ કરનાર પોતાની જાતમાં જ ખુશ રહી શકે અને બીજાને પણ હકારાત્મક અભિગમ તરફ લઈ જાય. બીજી તરફ ડોકટર્સની મહેનત, દવા, ઇન્જેક્શનમાં ફેરબદલ થી થોડોક બદલાવ આવવા લાગ્યો. બસ આ અશક્તિના લીધે થોડું મન નબળું લાગે. સાંજ પડતા એક ખરાબ સમાચાર મળ્યા, મમ્મીનો RTPCR પોઝિટિવ આવ્યો. ચિંતા ફરી વધી. પણ ફેવર ૯૯ ની આસપાસ રહેતો અને ઓક્સિજન પણ ઉંમર પ્રમાણે યોગ્ય હતું. સાચું ખોટું ખ્યાલ નહિ પણ મારું અંગતરૂપે માનવું છે કે કોવિશિલ્ડનો એક ડોઝ કદાચ પ્રોટેક્ટ કરી ગયો અને એમની પણ એન્ટિબાયોટિક દવા ચાલુ થઈ ગઈ. મારુ SPO2 નું ઘટતું પ્રમાણ, ઓકિસીજનનો બાહ્ય સપોર્ટ લેવાની ફરજ પડી. જે વસ્તુની આટલી નાની ઉંમરમાં આશા નતી રાખી એમ જ બની. કોરોનામાં આમેય ક્યાં કોઈનું ધાર્યું થયું છે, એટલે આય સ્વીકારી લીધું. લખાણમાં હિંમત દેખાતી હશે પણ મન તો મારું પણ સતત ભયમાં રહેતું.
સાતમો દિવસ રવિવાર, આખો દિવસ નોર્મલ ગયો, ફોન કોલ્સ ઘટી ગયા, તબિયતમાં પણ બહુ ઉતાર ચઢાવ નહીં, બે દિવસથી માઇનોર ડોઝના સ્ટીરોઈસના ઇન્જેક્શન પણ ચાલુ થઈ ગયા. જમવામાં પણ થોડોક ફરક લાગ્યો, ટેસ્ટ નથી આવ્યો પણ કદાચ બોડી એડજસ્ટ કરી લીધું એવું લાગ્યું. ઓકિસજન નો સપોર્ટ પણ હટી ગયો. રવિવારે ડિસચાર્જ લઈ ને ઘરે આવ્યો. સગાંવહાલાં, મિત્રો, સ્નેહીજનો, ડૉક્ટર, નર્સિંગ અને હોસ્પિટલ ના સ્ટાફની મદદ અને કોઈ એકાદ કરેલા સારા કર્મના ફળ રૂપી જીવનમાં ફરી શ્વાસ લેવાની ઉજ્જવળ તક મળી છે. શરીરમાં થોડીક નબળાઈ છે પણ લગભગ એક બે અઠવાડિયામાં એ પણ આ શરીર જોમજુસ્સા સાથે ફરી ઉભું થઈ જશે.
મારા જીવનના આ કપરા કાળ દરમ્યાન જે કોઈ વ્યક્તિ એ મારી સાથે વાત, ચેટ કે કોલ નો પ્રયાસ કર્યો હતો એમને હું કદાચ ઉત્તર આપી શક્યો નથી. બસ સમજજો કે હું માત્ર થોડા દિવસ મારી જાત પાછળ ખર્ચી ગયો.🙏 હજુ પણ જીવન ને પાટા પર આવતા વાર લાગે એમ છે પણ શરૂઆત થઈ ચૂકી છે.
અંતિમ સ્પર્શ:
ક્ષણે ક્ષણે મરી, ફરી જીવંત રહેવાની આશ ભરી આવ્યો છું,
વર્ષોથી ગૂંગળાયેલ ઉચ્છવાસ ત્યજી, નવા શ્વાસ ભરી આવ્યો છું.
✍️નિશાંક મોદી
No comments:
Post a Comment