આપણે ઘણી વખત વિચારીએ છીએ કે જિંદગીમાં સૌથી મહત્વની વસ્તુ કઈ? ઘણાના મતે મહત્વની વસ્તુ પૈસા છે. પણ એ તો કામની વસ્તુ છે મહત્વની નહિ. આપણી આસપાસ કેટલાંય લોકો જોવા મળશે જેમની પાસે કુબેરના ભંડાર હશે પણ મનમાં સહેજ પણ શાંતિ નહિ હોય. કદાચ એ લોકોને જઈને પુછીયે તો ખબર પડે કે પૈસાનું મહત્વ કેટલું છે. માણસ આખી જિંદગી વસ્તુઓં પાછળ ભૂખ્યોને તરસ્યો દોડતો રહે છે. કોઈકને ઝડપથી ધનવાન બનવું છે, કોઈકને પોતાનો પ્રભાવ બીજા લોકો પર પાડવો છે, કોઈકને બીન્દાસ નોકરી કે ધંધો કરવો છે. આ માણસો સતત જીવનમાં એક પછી એક વસ્તુઓં કે વ્યક્તિને મેળવવામાં વેડફી નાખે છે. એક ઉદાહરણ જોઈએ કે એક વ્યક્તિ પાસે સાઈકલ હતી, એને એમ થતું કે સાલું એકાદ બાઈક હોત તો કેટલું સારું. બાઇકવાળો વિચારતો કે એકાદ નાની ફોર વ્હીલર હોત તો બાકી એટેસ્ટથી જિંદગી જીવતો. નાની ફોર વ્હીલરવાળો વિચારે મોઘી દમદાર મર્સીડીઝ હોત તો બજારમાં રોલો પડી જાત. આ બધાથી વિપરીત મર્સીડીઝવાળો વિચારે કે એક કરતા બે-ત્રણ મર્સીડીઝ હોત તો સમાજમાં છવાઈ જાત. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો માણસની ઇચ્છાઓ અખૂટ છે. તે એક પછી એક લાલસાનો ભોગ બનતો જાય છે.
પહેલા માણસ પોતાની જીજ્ઞાશાવૃતિ અને પ્રેરણાથી જીંદગીમાં પૈસા મેળવવા પરસેવો પાડે છે. અને પછી જયારે વૈભવવિલાસથી રાચતો આ જ માણસ પોતાના ઘરની અગાશીમાં હિંચકા પર બેસી એટલું જ વિચારે છે કે મેં પૈસા તો ખુબ કમાયા પણ સાલું હજી કઈક ખૂટે છે. આવા વ્યક્તિને મળો તો ખ્યાલ આવે કે પૈસાનું મુલ્ય કેટલું. માણસ પહેલા પોતાનો સ્વભાવ બદલે છે, પછી વ્યવહાર બદલે છે અને આખરે પોતાની જિંદગી બદલે છે. જે જિંદગીની નાવ સમતોલ ચાલી રહી હોય એ અચાનક ડામાડોળ થવા માંડે છે. આપણે સૌએ પૈસા માટે થોડી રકઝક કરતા લોકોને જોયા જ છે. એમને જયારે જોઈએ ત્યારે એમ થાય કે આતો ખરા ઝગડે છે. થોડાક પૈસા માટે આટલી માથાજીક કેમ કરવાની. આવું વિચારતા હોવા છતાંય આપણે પણ આવી ભૂલો કરી બેસીએ છીએ અને આપણે જ બીજા માટે ઉદાહરણ બનીએ છીએ. જીવનમાં ઘણું બધું પામેલો માણસ જયારે નાના બાળકને જુએ ત્યારે એમ જ વિચારે કે બાળક હોઈએ તો કેવી શાંતિ, આપણે બસ મજા જ કરવાની, ટાઈમસર ખાવા પીવા મળી જાય, આનંદ કરવા બે-ચાર રમકડા કે રમતો મળી જાય. આ ટેન્શનવાળી જિંદગીમાં શું મઝા છે? સૌથી પહેલા આપણે જ પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. માણસને તકલીફ વધુ વિચારે ત્યારે પડે છે. નાનું બાળક હંમેશા હસતું બોલતું એટલે રહે છે કેમ કે તે ઓછું પણ સારું વિચારે છે. જેમ જેમ મોટો થાય તેમ તેમ વધુ વિચારતો જાય છે અને વળી પોતાની સાથે બીજાનું પણ વિચારમાં માંડે છે. પછી એ માણસ એવા સ્ટેજ પર પહોંચી જાય છે જ્યાં એને ઈર્ષા, કઠોરતા, ક્રોધ, અજ્ઞાનતા જેવા શત્રુઓનો સામનો કરવો પડે છે. અને પેલા ખુશ રહેતા બાળકના બધા જ ગુણો ખાલી થઇ જાય છે ને દુ:ખી થાય છે.
સૌથી મહત્વની ચીજ જીવન જીવવાની આવડત છે. જેટલું જીવો સારું જીવો. ખુશ રહો. અમુક પરિસ્થિતિ બદલાવાની નથી તેને સ્વીકારી લો. જિંદગી માટે હકારાત્મક અભિગમ કેળવો. જિંદગી સુંદર છે એને જીવી જાણો. બધું જ આપણી ઈચ્છા મુજબ થાય એ શક્ય નથી. ક્યારેક ઘણું બધું સમય પર છોડી દેવું પડે. જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલો ને જુઓ કે જિંદગી કેટલી રંગીન છે.....
હસતાં બોલતા રહી જીવનનો દ્રષ્ટિકોણ બદલીએ,
બસ બહુ થયું, ચાલ દોસ્ત હવે જિંદગી બદલીએ.....
- નિશાંક મોદી
No comments:
Post a Comment