Friday, July 22, 2011

માનસીક તાણ (સ્ટ્રેસ) – એક ચિંતાનો વિષય

આજના ઝડપી અને કામમાં વ્યસ્થ એવા જીવનથી દરેક વ્યક્તિ પછી એ સ્ત્રી હોય કે પુરુષ થોડે ઘણે કે મહદઅંશે માનસિક તાણ અનુભવે છે. આ માનસીક તાણ એટલે કે સ્ટ્રેસનું કારણ કઈ પણ હોઈ શકે જેમાં સામાજિક, આર્થિક સમસ્યાઓ, ભણતરનો બોજ, ઘડપણના રોગ, બે જનરેશન વચ્ચેનો ગેપ કે પછી અન્ય કોઈ પણ મુશ્કેલી. ભણતરને બાદ કરતા બાળકોમાં બીજી લગભગ કોઈ જ પ્રકારની તાણ જોવા મળતી નથી. આનું પ્રમાણ ટીનેજર્સ અને ઘરડા લોકોમાં વધુ જોવા મળે છે. જેનું એક જ કારણ છે આજની જીવનશૈલી. લોકો પોતાની જીવનશૈલી પોતાની રીતે બદલી શકે છે. આ લેખ તમને તમારી કામમાં વ્યસ્થ અને સ્ટ્રેસફૂલ જીવનના બદલાવ માં મદદ કરશે. નીચે દર્શાવેલા સૂચનોને અનુસરીને તમે એક સારૂ અને ચિંતામુક્ત જીવન મેળવી શકશો. કદાચ આ સૂચનો તમારી જીવનની મુશ્કેલીઓ દુર ના કરી શકે પણ તેને યોગ્ય રીતે સમજવામાં ચોક્કસ મદદ કરશે અને તે મુશ્કેલીઓ માટે બંધબેસતા નિર્ણયો લઇ શકશો. હું એક વસ્તુ કહી શકું કે, “આજની દુનિયામાં, દરેક માણસને પોતાની જીવનશૈલી બદલવાની જરૂર છે.”

માનસીક તાણ દુર કરવાના સૂચનો:

  • વહેલા ઉઠો: આ એક મહત્વનું સૂચન છે જે તમને તમારો મૂડ બદલવામાં મદદ કરશે. એક સમય નક્કી કરીદો અને તમારી ઘડિયાળમાં એલાર્મ ગોઠવી દો. સવારે ૬:૦૦ કે ૬:૩૦ ઉઠવાનો પ્રયત્ન કરો અને પોતાના ઘરની આસપાસના ખુશનુમા વાતાવરણની વચ્ચે સૂર્યોદય જુઓ અને કુદરતી સૌંદર્યનો આંનદ માણો.
  • બે ગ્લાસ હુંફાળું પાણી પીવો: બ્રશ કરી તરત જ, બે ગ્લાસ હુંફાળું પાણી પીવો જે તમને તમારી પાચનશક્તિ સુધારવામાં મદદ કરશે. આ વાત સાયન્ટીફીકલી સાબિત થઇ છે.
  • ચાલવા કે દોડવા જાવો: સવારે ૩૦ થી ૪૦ મીનીટ દોડવા જાવો. જો દોડવું શક્ય ના હોય તો ચાલવું. તમે હળવી કસરત કરી શકો છો. જેનાથી તમારા શરીરની કેલેરી વપરાય છે જે જરૂરી છે. ચાલવા, દોડવા કે કસરત કરવાથી મગજમાં એન્ડોમોર્ફીન નામનું એક રસાયણ ઉત્પન્ન થાય છે જે ચિંતાનું લેવેલ ઘટાડે છે.
  • સવારે ભારે નાસ્તો કરો: સવારમાં પૌષ્ટિક અને ભારે નાસ્તો કરો જેમાં ફ્રૂટ્સ, દૂધ, ચા, કોફી, ફળોનો રસ, સલાડ, ઘઉંની રોટલી કે પરોઠા લઇ શકાય. સવારે ભારે નાસ્તાથી તમને વધુ શક્તિ મળશે જે આખા દિવસ માટેની કાર્યઉર્જા પૂરી પાડશે.
  • પોઝીટીવ થીન્કીંગ: હમેંશા હકારાત્મક વિચારો કરો જે તમને તમારા જીવન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ કરશે.
  • ઈશ્વર અને પોતાનામાં વિશ્વાસ રાખો: દરેક મુશ્કેલીનો હલ શોધવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં એમ બને કે તમને યોગ્ય હલ ના મળે પણ એ તમને તમારામાં રહેલા આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરશે. માણસજાતની કેટલીક મર્યાદા હોય છે. આનાથી ઉપર પણ કઇક છે જેને આપણે કુદરત(ઈશ્વર) ના જુદા જુદા રૂપો તરીકે ઓળખીયે છીએ. એમ માનજો કે “દરેક પરિસ્થતિમાં કુદરત હમેંશા તમારી સાથે છે.”
  • સ્મિત: કોઈ પણ વ્યક્તિ હરેક પળ ખુશ નથી રહી શકતી. પણ તમારી રમુજવૃતિથી તમે હરેક પળ હસી શકો છો. હાસ્ય શરીરમાં રહેલા કેટલાક રસાયણો જેવા કે કોર્તીસોલ, ઇપીનેફેરીને, ડોપામાઇનનું પ્રમાણ ઘટાડી બીજા હોર્મોન્સનો વિકાસ કરે છે જે તમારો માનસીક તાણ દુર કરે છે. સ્મિત તમારા શરીર માટે એન્ટીડીપ્રીસેન્ટ (તાણ દુર કરનાર દવા) તરીકે કામ કરે છે.
  • સારા પુસ્તકો વાંચો: જો તમારૂ મન નવરું હશે તો સારા અને ખરાબ વિચારો તેમાં આવશે જ. વાંચવાની આદત તમારા વિચારો બદલશે. આ ઉપરાંત તમે છાપામાં આવતા કોયડા પણ ઉકેલો.
  • શોખ: દરેક વ્યક્તિને કોઈ એકાદ શોખ તો હોય જ. ‘શોખ’ એ બહુ સાદો શબ્દ છે પણ તેનામાં વિચારો બદલવાની શક્તિ રહેલી છે. શોખ એ મૂડ બદલવાનો અકસીર ઈલાજ છે.
  • રાત્રે હળવું જમો: રાત્રી દરમ્યાન માનવશરીર વધુ કેલેરી વાપરતી નથી અને માટે તમારે વધુ શક્તિ મેળવવાની જરૂર નથી હોતી. જેમ બને તેમ રાત્રે ભારે જમવાનું ટાળો. જેનાથી તમે સારી ઊંઘ લઇ શકો.
  • સમયસર સુઈ જાઓ: ઊંઘવા માટે એક સમય નક્કી કરી દો. સામાન્ય રીતે મન શાંત રાખવા ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂરી છે. જો તમે વહેલા સુઈ જશો તો તમે ચોક્કસ વહેલા ઉઠી શકશો.

સરળ ઉપાયો:

  • જંકફૂડ ટાળો.
  • મહિને એક વાર ફિલ્મ જોવા જાઓ.
  • શારીરિક અને માનસિક કસરત કરો.
  • નક્કી કરેલી સીરીયલ માટે જ ટીવી જુઓ. સંગીત વધુ યોગ્ય છે.
  • મિત્રો બનાવો.
  • કામમાંથી સહેજ વિરામ લો.

ધ્યાન રાખો:

  • શરીરને માફક આવે તેવી જ કસરત કરવી. કસરતનો સમય દિવસ પર દિવસ વધારવો, એકદમ નહિ.
  • સતત કાર્ય ન કરવું.
  • માનસીક તાણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું હોય તો યોગ્ય સારવાર લઇ શકાય.
- નિશાંક મોદી

No comments:

Post a Comment