Saturday, November 30, 2019

ટૂંકો લેખ: માનસિકતા

જુના કિસ્સાઓ હજુ ભુલાતા નથી ત્યાં નવા કિસ્સાઓ ચર્ચામાં આવી ગયા. થોડાક વખતમાં આ સમગ્ર ઘટના પાછળ કાંડ શબ્દ લાગી જશે. એક દ્વિચક્રી વાહન ચાલુ કરવાથી શરૂ થયેલી ઘટના શ્વાસ બંધ થયો ત્યાં સુધીની હતી. શું બદલાયું? માત્ર સ્ત્રીપાત્ર, બાકી બધું એમનું એમ જેમ કે સ્ત્રી પ્રત્યેની નજર, બીજાના માટે પોતાનો ચુકાદો, ગુસ્સો, અફસોસ, ટ્વિટર ટ્રેન્ડિંગ, સોશિયલ મીડિયા પર પોસ્ટ અને 'જસ્ટિસફોરX' નો હેશટેગ.

બાળપણમાં વાંચેલી (સમજેલી નહિ) यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः મંત્રને પુરુષ જવાનીમાં આછી કરી, ઘડપણમાં ભૂંસી નાખે છે. અફસોસ જાહેર કરતી પોસ્ટ પર RIP લખનાર થોડીકવારમાં બધું ભૂલી સ્ત્રી તરફ ખરાબ નજર નાખે છે. એના અંગઊપાંગો પર ભદ્દી કોમેન્ટ પાસ કરે છે. સ્ત્રીને કેવા કપડાં પહેરવા એ પુરુષ નક્કી કરે છે. સ્ત્રીનું સન્માન ન જાળવી શકનાર દરેક પુરુષ રેપીસ્ટ જ છે.

પશુઓની સારવાર કરનાર એક ઉચ્ચ મહત્વકાંક્ષી ડૉકટર થોડાક ''જંગલી માણસો''નો શિકાર થઈ ગઈ. ''જંગલી પ્રાણીઓ'' શબ્દ વાપરીએ તો પ્રાણીઓનું નામ બદનામ થાય. આજનું માણસ સામાજિક પ્રાણી નથી રહ્યું હવે એ તામસિક પ્રાણી થઈ ગયું છે. માણસોની માનસિકતાનું સ્તર નીચું થતું જાય છે. બીજાને મદદ કરવા કરતાં નીચા પાડવામાં વધુ હાથ લાગ્યા છે. થોડોક અફસોસ મનાવી મારે શું? ની હલકી માનસિકતા આપણા સમાજને ખોટી દિશા તરફ લઈ જઈ રહી છે.

અજાણ્યા વરુઓનો સ્પર્શ, ચૂંટાયેલો પાલવ, અવાવરું જગ્યાનો ભય, શારીરિક પીડા, માનસિક આઘાત, દાઝતું શરીર આ બધી સહન કરવાની શક્તિ કુદરત કદાચ સ્ત્રીને જ આપી શકે. પુરુષ આ બધું ખાલી સર્જી શકે પણ સમજી કદીય નહિ શકે. અફસોસ કર્યા વગર, સ્ત્રીની હિંમતની કદર કરવી જોઈએ. હિંમત હારવાની જરૂર નથી, કુદરત ન્યાય કરે જ છે એના માટે કોઈ માણસે નક્કી કરેલા ન્યાયની જરૂર નથી.

આ બધી ઘટના પછી શું બદલવાની જરૂર છે? પહેલી માનસિકતા....પુરુષની સ્ત્રી પ્રતેયની. આપણે જેનું સન્માન જાળવી શકીએ, એને કદીય 'ટેકન ફોર ગ્રાન્ટેડ' ન લઈ શકીએ. બીજું સ્ત્રી તરફ જતી આપણી નજર. આકર્ષણ અને હવસ વચ્ચે એટલો જ ફરક છે કે ગળે મળવું અને ગળે પડવું. સ્ત્રીનું રક્ષણ કરવા કોઈ પણ સ્ત્રીને પુરુષની જરૂર નથી કારણ કે સ્ત્રી પોતે જ સર્જનહાર છે. જે સર્જન કરી શકે એ વિનાશ પણ કરી જાણે. આજના સમાજમાં સ્ત્રી કરતા પુરુષે વધુ ચેતવાની જરૂર છે.

અંતિમ સ્પર્શ:
સ્ત્રીનું રાખ સન્માન સમાજની એક રાય છે,
સ્ત્રીના આંસુઓ, તેજાબનો એક પર્યાય છે.
- નિશાંક મોદી

No comments:

Post a Comment